Home National Indians Deaths Abroad Gcc Countries 2023 2025 Data

છેલ્લા 3 વર્ષમાં વિદેશમાં 39 હજારથી વધુ ભારતીયોના મોત : ખાડી દેશોમાં 1,340 ભારતીયોએ જીવન ટૂંકાવ્યું: સંસદમાં કેન્દ્ર સરકારનો ખુલાસો

વિદેશમાં 39 હજાર ભારતીયોના મોત, GCC દેશોમાં સૌથી વધુ કેસ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 28, 2026, 05:07 PM IST

દેશની સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓએ વિદેશમાં રહેતા ભારતીયોને લઈને ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં આપેલી માહિતી અનુસાર વર્ષ 2023થી 2025 દરમિયાન વિદેશમાં વિવિધ કારણોસર 39 હજારથી વધુ ભારતીય નાગરિકોના મોત થયા છે. આ મોતોમાં કુદરતી કારણો, માર્ગ અકસ્માતો, કાર્યસ્થળે થયેલા અકસ્માતો, ગુનાહિત ઘટનાઓ તેમજ જીવન ટૂંકાવવાના બનાવોનો સમાવેશ થાય છે.

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં કોંગ્રેસના સાંસદ સતપાલ બ્રહ્મચારી અને જય પ્રકાશ દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશમાં 1,900થી વધુ ભારતીય નાગરિકોએ જીવન ટૂંકાવ્યું હતું, જેમાંથી 1,340થી વધુ કેસ માત્ર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં નોંધાયા હતા. એટલે કે વિદેશમાં જીવન ટૂંકાવવાના કુલ કેસોમાં 70 ટકાથી વધુ કેસ ખાડી દેશોમાં નોંધાયા છે.

UAEમાં સૌથી વધુ કેસ, સાઉદી અરેબિયા બીજા ક્રમે

વિદેશ મંત્રાલયના આંકડા મુજબ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં સૌથી વધુ 511 ભારતીય નાગરિકોએ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ સાઉદી અરેબિયામાં 354, કુવૈતમાં 162, ઓમાનમાં 146, બહરીનમાં 101 અને કતારમાં 66 કેસ નોંધાયા હતા. GCC દેશો ઉપરાંત મલેશિયામાં 131 અને અમેરિકામાં 62 ભારતીયોના જીવન ટૂંકાવવાના બનાવો નોંધાયા છે. ઇટાલી, કેનેડા અને યુનાઇટેડ કિંગડમમાં પણ આ સમયગાળા દરમિયાન 30થી વધુ કેસ સામે આવ્યા હોવાનું સરકારે સંસદમાં જણાવ્યું હતું. આ આંકડાઓ દર્શાવે છે કે રોજગાર, વ્યવસાય અથવા અન્ય કારણોસર વિદેશમાં રહેતા ભારતીયોમાં માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક પડકારો પણ મહત્વનો મુદ્દો બની રહ્યા છે. જોકે સરકારે આ ઘટનાઓ પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ વિશેષ વિશ્લેષણ રજૂ કર્યું નથી.

ખાડી દેશોમાં વસે છે લગભગ 1 કરોડ ભારતીયો

કેન્દ્ર સરકારે જણાવ્યું કે હાલ GCC દેશોમાં અંદાજે 1 કરોડ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે. ખાડી દેશો લાંબા સમયથી ભારતીય કામદારો માટે રોજગારીનું સૌથી મોટું કેન્દ્ર રહ્યા છે. બાંધકામ, તેલ-ગેસ, આરોગ્ય, સેવા અને વિવિધ ઉદ્યોગોમાં લાખો ભારતીયો કાર્યરત છે. સરકારના જણાવ્યા મુજબ વિદેશમાં રહેતા ભારતીયોના જીવન ટૂંકાવવાના કેસોની સંખ્યામાં સરેરાશ વધારો નોંધાયો છે. અગાઉ વર્ષ 2022માં સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2014થી 2022 દરમિયાન કુલ 4,005 ભારતીયોએ વિદેશમાં જીવન ટૂંકાવ્યું હતું.

39 હજારથી વધુ મોતમાં અનેક કારણો જવાબદાર

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં થયેલા 39 હજારથી વધુ ભારતીયોના મોત માત્ર એક જ કારણસર થયા નથી. તેમાં કુદરતી મૃત્યુ, હાર્ટ એટેક, ગંભીર બીમારીઓ, માર્ગ અકસ્માતો, કાર્યસ્થળે થયેલા અકસ્માતો, ગુનાહિત હુમલાઓ, જીવન ટૂંકાવવાના બનાવો તેમજ અન્ય વિવિધ કારણોનો સમાવેશ થાય છે. કાર્યસ્થળે અકસ્માતોમાં પણ ખાડી દેશોમાં મૃત્યુઆંક નોંધપાત્ર રહ્યો છે. સરકારના આંકડા મુજબ સાઉદી અરેબિયામાં કાર્યસ્થળે અકસ્માતોના કારણે 182 ભારતીયોના મોત થયા હતા, જ્યારે UAEમાં આવા 128 મોત નોંધાયા હતા. આ આંકડાઓ વિદેશમાં કામ કરતા ભારતીય શ્રમિકોની સુરક્ષા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

પ્રવાસી ભારતીયોની સુરક્ષા માટે સરકારના પગલાં

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ભારત સરકાર વિદેશમાં કામ કરતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેમણે જણાવ્યું કે પ્રવાસી ભારતીય વીમા યોજના (Pravasi Bharatiya Bima Yojana - PBBY) હેઠળ ખાસ કરીને Emigration Check Required (ECR) શ્રેણીના દેશોમાં રોજગારી માટે જતા ભારતીય કામદારોને ફરજિયાત વીમા સુરક્ષા આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ₹275ના પ્રીમિયમ પર બે વર્ષનું અને ₹375ના પ્રીમિયમ પર ત્રણ વર્ષનું વીમા કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અકસ્માતમાં મૃત્યુ અથવા કાયમી દિવ્યાંગતાની સ્થિતિમાં ₹10 લાખ સુધીનું વીમા રક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત સારવાર, મૃતદેહને ભારત લાવવાનો ખર્ચ અને અન્ય કેટલીક સહાયની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચીને તૈયાર કર્યું દુનિયાનું સૌથી શક્તિશાળી મેગ્નેટ : 10 કરોડ ડિગ્રી પર ઉત્પન્ન થશે અખૂટ ઊર્જા, જાણો શું છે 'આર્ટિફિશિયલ સન' પ્રોજેક્ટ

માનસિક સ્વાસ્થ્ય અને શ્રમિક કલ્યાણ પર વધતું ધ્યાન જરૂરી

વિદેશમાં રહેતા ભારતીયોની મોટી સંખ્યા અને વધતા મૃત્યુઆંક વચ્ચે નિષ્ણાતો માનતા થયા છે કે માત્ર રોજગાર ઉપલબ્ધ કરાવવો પૂરતો નથી, પરંતુ કામદારોના માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષિત કાર્યપરિસ્થિતિ, કાનૂની સહાય અને કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ મજબૂત બનાવવાની જરૂર છે. ખાસ કરીને લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેતા અને કઠિન પરિસ્થિતિમાં કામ કરતા શ્રમિકો માટે માનસિક સહાય વ્યવસ્થા વધુ અસરકારક બનાવવી સમયની માંગ બની રહી છે. સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓએ એક તરફ વિદેશમાં ભારતીયોની મોટી હાજરીનું ચિત્ર રજૂ કર્યું છે તો બીજી તરફ તેમની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસોની જરૂરિયાત પણ ઉજાગર કરી છે. કેન્દ્ર સરકારે કલ્યાણકારી યોજનાઓ ચાલુ હોવાનો દાવો કર્યો છે, પરંતુ વિદેશમાં થતા મોત અને જીવન ટૂંકાવવાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વધુ વ્યાપક અને અસરકારક પગલાં અંગે ચર્ચા તેજ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now