China Artificial Sun Project: સ્વચ્છ અને લગભગ અખૂટ ઊર્જાના ભવિષ્ય તરફ વિશ્વ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ દોડમાં હવે ચીને એક મોટી સિદ્ધિનો દાવો કર્યો છે. ચીને તેના મહત્ત્વાકાંક્ષી ‘આર્ટિફિશિયલ સન’ (Artificial Sun) પ્રોજેક્ટ માટે દુનિયાનું સૌથી મોટું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ સફળતાપૂર્વક તૈયાર કરીને તેનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો આ ટેક્નોલોજી સફળ થાય તો ભવિષ્યમાં કોલસા, પેટ્રોલિયમ અને અન્ય પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા મોટા પ્રમાણમાં ઘટી શકે છે. ચાઇનીઝ એકેડમી ઑફ સાયન્સિસ હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝ્મા ફિઝિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેક્નોલોજી ન્યુક્લિયર ફ્યુઝન પર આધારિત છે. ચીનનું લક્ષ્ય વર્ષ 2030 સુધી આ ટેક્નોલોજી દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવાનો છે. જોકે, વ્યાવસાયિક સ્તરે તેનો ઉપયોગ શરૂ થાય તે પહેલાં હજુ અનેક તકનીકી પડકારો પાર કરવા બાકી છે.
શું છે ચીનનો ‘આર્ટિફિશિયલ સન’ પ્રોજેક્ટ?
'આર્ટિફિશિયલ સન' એટલે કે કૃત્રિમ સૂર્ય વાસ્તવમાં એક ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે. તેમાં સૂર્યની અંદર જે પ્રક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે, તે જ પ્રક્રિયાને પૃથ્વી પર નિયંત્રિત રીતે પુનઃસર્જિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનના પરમાણુઓને આશરે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ભેગા કરવામાં આવે છે. પરિણામે વિશાળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. મહત્વની વાત એ છે કે, આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થતું નથી, તેથી તેને ભવિષ્યની સ્વચ્છ ઊર્જા તરીકે જોવામાં આવે છે.
દુનિયાનું સૌથી મોટું ફ્યુઝન મેગ્નેટ
ચીને જે D-આકારનું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ તૈયાર કર્યું છે તે વિશ્વનું સૌથી મોટું હોવાનું જણાવાયું છે. આ મેગ્નેટ લગભગ 21 મીટર લાંબું, 12 મીટર પહોળું અને આશરે 582 ટન વજન ધરાવે છે. તેની ક્ષમતા આંતરરાષ્ટ્રીય ફ્યુઝન પ્રોજેક્ટ ITER (International Thermonuclear Experimental Reactor) માટે તૈયાર કરાયેલા સમકક્ષ મેગ્નેટ કરતાં વધુ હોવાનું ચીનનો દાવો છે.
આ પણ વાંચો: Appleએ ફરી મેળવ્યો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ : Nvidiaને પાછળ છોડીને ફરી નંબર-1 બન્યું
મેગ્નેટનું કાર્ય શું છે?
ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયામાં અત્યંત ઊંચા તાપમાને રહેલા પ્લાઝ્માને સીધો રિએક્ટરની દિવાલ સાથે સંપર્કમાં આવવા દેવામાં નથી આવતો.
આ માટે અત્યંત શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ બનાવવામાં આવે છે, જે પ્લાઝ્માને નિયંત્રિત રાખે છે. જો પ્લાઝ્મા રિએક્ટરની દિવાલોને સ્પર્શે તો તે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ એક હાઈ-ટેમ્પરેચર સુપરકન્ડક્ટિંગ સેન્ટ્રલ સોલેનોઇડ કોઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે, જે ફ્યુઝન પ્રક્રિયાને શરૂ કરવામાં અને સતત ચાલુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીનો દાવો
ચીનનું કહેવું છે કે આ સમગ્ર સિસ્ટમમાં ઉપયોગમાં લેવાયેલી મુખ્ય ટેક્નોલોજી અને સાધનો દેશની અંદર જ વિકસાવવામાં આવ્યા છે. આ મેગ્નેટને માઇનસ 269 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાન અને બીજી તરફ અતિશય ગરમી તથા રેડિયેશન જેવી પરિસ્થિતિમાં પણ લાંબા સમય સુધી કાર્યરત રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તેમાં એક લાખ એમ્પિયરથી વધુ વીજપ્રવાહ લગભગ શૂન્ય ઊર્જા નુકસાન સાથે વહન કરવાની ક્ષમતા છે.
2030 સુધી વીજ ઉત્પાદનનું લક્ષ્ય
ચીને આ પ્રોજેક્ટ માટે તબક્કાવાર યોજના તૈયાર કરી છે. વર્ષ 2027 સુધી 'Burning Plasma Experimental Superconducting Tokamak' તૈયાર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 2030 સુધી ફ્યુઝન ઊર્જાથી પ્રથમ વખત વીજ ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. ભવિષ્યમાં દુનિયાનું પ્રથમ વ્યાવસાયિક ફ્યુઝન ડેમો પાવર સ્ટેશન ઉભું કરવાનો પણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
હજુ પણ અનેક પડકારો બાકી
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિદ્ધિ મહત્વપૂર્ણ છે, પરંતુ વ્યાવસાયિક સફળતા માટે હજુ લાંબી સફર બાકી છે. હજુ સુધી એ સાબિત કરવાનું બાકી છે કે ફ્યુઝન રિએક્ટર પોતાની કામગીરી દરમિયાન જેટલી ઊર્જા વાપરે છે, તેનાથી વધુ ઊર્જા સતત અને વ્યવસાયિક રીતે ઉત્પન્ન કરી શકે છે કે નહીં. જો આ પડકાર સફળતાપૂર્વક પાર કરવામાં આવશે તો ભવિષ્યમાં સમગ્ર વિશ્વ માટે સ્વચ્છ, સુરક્ષિત અને લગભગ અખૂટ ઊર્જાનો નવો યુગ શરૂ થઈ શકે છે.





