ભારતીય રેલવેમાં ફર્સ્ટ એસી કોચને 'હનીમૂન સ્યુટ'ની જેમ સજાવવાના વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. હવે આ સમગ્ર મામલે દક્ષિણ મધ્ય રેલવે (South Central Railway)એ કડક કાર્યવાહી કરી છે. પરવાનગી વગર ટ્રેનમાં પ્રવેશ કરીને ફર્સ્ટ એસી કૂપેને સજાવનાર ડેકોરેટર સામે રેલવે અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવવાના આરોપસર ડ્યૂટી પર રહેલા મુખ્ય ટિકિટ નિરીક્ષક (TTE)ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દક્ષિણ મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને નિયમોના ઉલ્લંઘન સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવશે.
નંદીગ્રામ એક્સપ્રેસમાં બની હતી ઘટના
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના 6 જુલાઈ, 2026ના રોજ બની હતી. ટ્રેન નંબર 11002 નંદીગ્રામ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક દંપતીએ પોતાના ફર્સ્ટ એસી કૂપેને સજાવવા માટે ઓનલાઈન ડેકોરેશન સેવા બુક કરી હતી.
આરોપ છે કે ડેકોરેટર જાલના રેલવે સ્ટેશન પરથી કોઈ ટિકિટ અથવા સત્તાવાર પરવાનગી વિના ટ્રેનમાં ચડી ગયો હતો. તેણે કૂપેને વિવિધ શણગાર સામગ્રીથી સજાવ્યા બાદ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો રેલવેના ધ્યાન પર આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી.
TTE સામે પણ કાર્યવાહી
રેલવેના જણાવ્યા મુજબ, સુરક્ષાની દૃષ્ટિએ કોઈ પણ અનધિકૃત વ્યક્તિનું ટ્રેનમાં પ્રવેશવું ગંભીર બાબત છે. તેથી ડ્યૂટી પર રહેલા મુખ્ય ટિકિટ નિરીક્ષકને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ડેકોરેટર સામે ટિકિટ વિના મુસાફરી, પરવાનગી વિના ટ્રેનમાં પ્રવેશ અને રેલવેના નિયમોનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વીડિયો સોશિયલ મીડિયા પર થયો હતો વાયરલ
વાયરલ થયેલા અંદાજે 30 સેકન્ડના વીડિયોમાં ફર્સ્ટ એસી કેબિનને રોમેન્ટિક થીમ પર સજાવવામાં આવ્યો હોવાનું જોવા મળતું હતું. કેબિનના દરવાજા પર હાર્ટ આકારની ગુલાબી સજાવટ, અંદર ગુલાબની પાંખડીઓ, લાલ અને સફેદ રંગના બલૂન્સ તેમજ એલઈડી લાઇટ્સથી આખા કૂપેને શણગારવામાં આવ્યો હતો. સીટ પર ગુલાબની પાંખડીઓથી હૃદયનો આકાર બનાવવામાં આવ્યો હતો, જ્યારે ઉપરની બર્થ પર "I Love You" લખવામાં આવ્યું હતું. સમગ્ર કેબિનને હનીમૂન સ્યુટ જેવી થીમ આપવામાં આવી હતી, જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયા પર ઉઠ્યા હતા પ્રશ્નો
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે શું ટ્રેનના ફર્સ્ટ એસી કૂપેમાં આ પ્રકારનું ડેકોરેશન કરવાની પરવાનગી આપવામાં આવે છે. કેટલાક લોકોએ રેલવે મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને પણ ટૅગ કરીને સ્પષ્ટતા માગી હતી. પ્રારંભિક તબક્કે કેટલાક અધિકારીઓએ એવું સૂચવ્યું હતું કે જો કૂપે સંપૂર્ણપણે બુક હોય અને રેલવેની સંપત્તિને નુકસાન ન પહોંચાડવામાં આવ્યું હોય તો મામલો અલગ હોઈ શકે. જોકે, દક્ષિણ મધ્ય રેલવેએ હવે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ બાહ્ય વ્યક્તિને સત્તાવાર મંજૂરી વિના ટ્રેનમાં પ્રવેશ કરીને ડેકોરેશન કરવાની મંજૂરી નથી અને તે રેલવેના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.






