ઓપરેશન સિંદૂર બાદ દેશના દરેક નાગરિકના હૃદયમાં પાકિસ્તાન સામે ભારે ગુસ્સો હતો, પરંતુ દિલ્હીમાં કામ કરતો એક સરકારી કર્મચારીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને આપી હતી. રાજસ્થાન પોલીસની CID ઇન્ટેલિજન્સ ટીમને આ વાતના સંકેત મળતા તેમણે દેખરેખ વધારી દીધી હતી. CIDને આધારભૂત માહિતી મળતા દેશ સાથે દગો કરનાર કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
શું કહ્યું DIG વિષ્ણુકાંત ગુપ્તાએ?
DIG વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ આરોપી વિશાલ યાદવ છે જે દિલ્હીના ભારતીય નૌકાદળ ભવનમાં UDC છે. IPS ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે CID સુરક્ષા અને ગુપ્તચર ટીમ જાસૂસી કરનારાઓ પર સતત નજર રાખે છે. દિલ્હીના નૌકા ભવનમાંથી કોઈ ભારતની વ્યૂહાત્મક અને ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યું હોવા અંગે એક ઇનપુટ પ્રાપ્ત થયા હતા. આ પછી શંકાસ્પદ કર્મચારી વિશાલ યાદવ પર દેખરેખ વધારવામાં આવી હતી. જાસૂસીની આધારભૂત માહિતી મળતા તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. બુધવારે મોડી સાંજે ધરપકડ કરાયેલ આરોપી વિશાલ યાદવ હરિયાણાના રેવાડી વિસ્તારમાં સ્થિત પુંસિકા ગામનો રહેવાસી છે.
પૈસાની લાલચમાં માહિતી શેર કરી
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી વિશાલે જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર પ્રિયા શર્મા નામની છોકરીના સંપર્કમાં આવ્યો હતો. તેમની જોડે વાતચીત દરમિયાન બંને સારા મિત્રો બની ગયા હતા. વાત વાતમાં પ્રિયાએ કહ્યું કે હું પાકિસ્તાનની છે અને ગુપ્ત માહિતી આપવા પર તેને મોટી રકમ આપવામાં આવશે. આ લોભામણી લાલચના કારણે આરોપી વિશાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ પ્રિયા શર્માના જાળમાં ફસાઈ ગયો અને ભારતની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી પ્રિયા શર્માને મોકલવાનું શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ આરોપી વિશાલે પ્રિયા શર્મા સાથે ગુપ્ત માહિતી શેર કરી હતી. રાજસ્થાન પોલીસની ગુપ્તચર શાખા ઉપરાંત, દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આરોપી વિશાલની પૂછપરછ કરી રહી છે.






