Home International Indian Consulate Canada Issues Water Safety Advisory Students Drown Cases

કેનેડામાં ભારતીય નાગરિકોના ડૂબી જવાના કિસ્સા વધ્યા : દૂતાવાસે જાહેર કરી કડક એડવાઇઝરી

Drowning cases of Indian citizens have increased in Canada
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 11, 2026, 07:26 AM IST

કેનેડામાં ભારતીય નાગરિકોના ડૂબી જવાના કિસ્સા વધ્યા: દૂતાવાસે જાહેર કરી કડક એડવાઇઝરી

કેનેડા (Canada) માં રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓના નદી અને તળાવોમાં ડૂબી જવાના કારણે મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કેનેડાના ટોરોન્ટો (Toronto) માં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે (Consulate General of India) એક ખાસ વોટર સેફ્ટી એડવાઇઝરી (Water Safety Advisory) જાહેર કરી છે. દૂતાવાસે તેના નાગરિકોને પાણીની નજીક જતા સમયે કડક સાવચેતી રાખવા અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા તાકીદ કરી છે.

વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ એડવાઇઝરી શેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં બનેલી દુર્ઘટનાઓને જોતાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ જળાશયોની મુલાકાત લેતી વખતે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી મહત્વની માર્ગદર્શિકા

દૂતાવાસે ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલીક મહત્વની સૂચનાઓ આપી છે:

  • લાઈફ જેકેટ ફરજિયાત: કોઈપણ તળાવ, નદી કે દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સ અથવા સ્વિમિંગ કરતી વખતે માન્ય લાઈફ જેકેટ (Life Jacket) અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ અવશ્ય કરવો.

  • નશાની હાલતમાં પાણીથી દૂર રહો: એવું જોવામાં આવ્યું છે કે ઘણા લોકો દારૂ અથવા અન્ય કોઈ નશાની હાલતમાં પાણીમાં ઉતરે છે, જે જીવલેણ સાબિત થાય છે. નશાની હાલતમાં વોટર સ્પોર્ટ્સ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવો.

  • ટ્રેનિંગ વગર સ્વિમિંગ નહીં: જો તરતા ન આવડતું હોય તો યોગ્ય ટ્રેનર કે ગાઈડની દેખરેખ વિના નદી કે ઊંડા પાણીમાં ઉતરવાનું સાહસ ન કરવું.

  • સ્થાનિક નિયમોનું પાલન: કેનેડાના લોકલ વહીવટીતંત્ર દ્વારા જે-તે બીચ કે નદી કિનારે મુકવામાં આવેલા સાઇન બોર્ડ અને ચેતવણીઓને ક્યારેય નજરઅંદાજ ન કરવી.

આ પણ વાંચો: ઇન્ટરવ્યૂમાં ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ | માઇક ફેંકીને અધવચ્ચેથી ચાલ્યા ગયા | Offbeat Stories

માતા-પિતાની મહેનતનો આદર કરવા અપીલ

એડવાઇઝરીમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સંબોધીને એક ભાવુક અપીલ પણ કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે ભારતમાં બેઠેલા માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા મોકલવા રાત-દિવસ સખત મહેનત કરે છે. તેથી, દરેક વિદ્યાર્થીની એ જવાબદારી બને છે કે તેઓ આવી કોઈ જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહે જેનાથી તેમનો જીવ જોખમમાં મુકાય અને તેમના પરિવાર પર મુશ્કેલી આવી પડે. દૂતાવાસે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં ભારતીય નાગરિકોને સીધો તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now