અમેરિકામાં રાજકીય ગરમાવો: ઇન્ટરવ્યૂમાં મહિલા પત્રકારના સવાલોથી ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પ માઇક ફેંકીને બહાર નીકળી ગયા
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર મીડિયા પર પોતાના ગુસ્સાને લઈને ચર્ચામાં આવ્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવેલા તીખા સવાલોથી ટ્રમ્પ એટલા નારાજ થઈ ગયા કે તેમણે કેમેરા સામે જ માઇક હટાવી દીધું અને ઇન્ટરવ્યૂ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. NBC ન્યૂઝના પ્રખ્યાત શો “Meet the Press” માં ઈરાન યુદ્ધ, ખાસ ભંડોળ અને વર્ષ 2020 ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલી કથિત છેતરપિંડી જેવા મુદ્દાઓ પર દલીલબાજી થતાં આ હંગામો સર્જાયો હતો.આ ઇન્ટરવ્યૂ વિસ્કોન્સિનના એક ખેતરમાં ટ્રેક્ટર અને ઘાસના ઢગલા વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે ઓડિયોમાં સમસ્યા આવી રહી હોવા છતાં શરૂઆતમાં ટ્રમ્પે શાંતિથી જવાબો આપ્યા હતા, પરંતુ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો પર પુરાવા માંગવામાં આવતા જ તેઓ ગુસ્સે ભરાયા હતા.
વિદેશ નીતિ અને યુદ્ધ પર ઘેરાયા ટ્રમ્પ
શોના હોસ્ટ અને જાણીતા મહિલા પત્રકાર ક્રિસ્ટન વેલ્કરે જ્યારે ટ્રમ્પને વિદેશી યુદ્ધોથી અમેરિકાને દૂર રાખવાના તેમના વચનો યાદ અપાવ્યા, ત્યારે ટ્રમ્પે બચાવ કરતા કહ્યું:
“મેં ક્યારેય એવું નથી કહ્યું કે કોઈ યુદ્ધ જ નહીં થાય. જો એવું હોત તો મેં દુનિયાની સૌથી મજબૂત સેના શા માટે બનાવી હોત? મને લાંબા સમય સુધી ચાલતા યુદ્ધો પસંદ નથી.”
આ ચર્ચા દરમિયાન જ્યારે પત્રકારે સવાલો ચાલુ રાખ્યા, ત્યારે ટ્રમ્પે તેમને “ઉદારવાદી (લિબરલ) અને પ્રગતિશીલ” કહી દીધા હતા, જેની સામે પત્રકારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર એક પત્રકાર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
પુરાવા માંગતા જ મીડિયાને કહ્યું ‘નકલી અને ભ્રષ્ટ’
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ક્રિસ્ટન વેલ્કરે ટ્રમ્પના પ્રસ્તાવિત USD 1.8 Billion ના 'એન્ટી-વેપનાઇઝેશન ઇનિશિયેટિવ' ફંડ વિશે પ્રશ્ન પૂછ્યો. આ ફંડ જો બાઇડેન પ્રશાસનનો ભોગ બનેલા લોકોને વળતર આપવા માટે બનાવવાની વાત હતી. આ મુદ્દે બોલતા ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન અને મીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પ્રેસને નકલી, ગંદી અને ભ્રષ્ટ ગણાવી હતી.
જ્યારે એન્કરે આક્ષેપોના પુરાવા માંગ્યા, ત્યારે ટ્રમ્પે વર્ષ 2020 ની ચૂંટણી ફિક્સ હોવાનો દાવો કર્યો અને કેલિફોર્નિયામાં મોડી સુધી ચાલતી મતગણતરી પર સવાલો ઉઠાવ્યા. વેલ્કરે જ્યારે જણાવ્યું કે ચૂંટણી અધિકારીઓએ પોતે જ ગણતરી પ્રક્રિયા ધીમી હોવાનું સ્વીકાર્યું છે, ત્યારે ટ્રમ્પ વધુ ઉશ્કેરાઈ ગયા હતા.
પત્રકાર પર વ્યક્તિગત હુમલો અને વોકઆઉટ
પોતાના આરોપોના કોઈ નક્કર પુરાવા ન આપી શકવાને કારણે ટ્રમ્પે પત્રકાર પર વ્યક્તિગત હુમલા શરૂ કર્યા હતા. તેમણે ક્રિસ્ટન વેલ્કરને કહ્યું, "તમે કાં તો બેઈમાન છો અથવા તો મૂર્ખ છો. તમારી આખી પ્રેસ અને આ શો બેઈમાન છે."
આટલું કહ્યા પછી ટ્રમ્પે પોતાના પર લગાવેલું માઇક હટાવી દીધું અને કહ્યું, “ચાલો હવે આને અહીં જ પૂરું કરીએ. કારણ કે હવે બહુ થઈ ગયું. થેંક યુ, ડાર્લિંગ.” પત્રકારે તેમને રોકાવા અને વાતચીત પૂરી કરવા વિનંતી કરી હોવા છતાં, ટ્રમ્પે કહ્યું કે એક બેઈમાન પ્રેસ સાથે કોઈ દેશ ક્યારેય મહાન બની શકતો નથી. આ કહીને તેઓ ખુરશી પરથી ઊભા થઈને ચાલ્યા ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.






