મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કમાલપુર ગામે આવેલા નાકા તળાવમાંથી ગત 14 મી એપ્રિલના રોજ મળી આવેલી 32 વર્ષીય મહિલાની ભેદી લાશના કેસમાં અત્યંત ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો ખુલાસો થયો છે. જેને જન્મ આપ્યો, તે જ સગી દીકરીએ પોતાના પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતી માતાનો 'કાંટો કાઢવા' પ્રેમી સાથે મળીને હત્યાનું ખૌફનાક કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કોઠંબા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગૂંચવાયેલા કેસનો પર્દાફાશ કરી દીકરી, તેનો પ્રેમી અને અન્ય સાગરીતોની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક પિન્કીબેન બારીયાની દીકરીને કમલેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પિન્કીબેને પોતાની દીકરીનું લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યું હતું, જે કમલેશે કોઈક રીતે મૌકુફ રખાવ્યું હતું. બંને પ્રેમીઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ માતા પિન્કીબેન આ સંબંધના વિરોધમાં હોવાથી દીકરીએ જ પ્રેમી કમલેશને ઉશ્કેરીને માતાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.
ખેતરમાં બોલાવી ગળું દબાવી હત્યા કરી
હત્યાના આ ષડયંત્રમાં પિન્કીબેન સાથે પરિચિત જયેશ નામનો શખ્સ પણ સામેલ થયો હતો. 13 મી એપ્રિલની રાત્રે પિન્કીબેનને આયોજનબદ્ધ રીતે બાજરીના એક ખેતરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અગાઉથી જ હાજર કમલેશ, જયેશ અને અન્ય મિત્રોએ મળીને પિન્કીબેનનું ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુનાના પુરાવા નાશ કરવા માટે હત્યારાઓએ લાશને મોટરસાયકલ પર વચમાં બેસાડી કમાલપુરના નાકા તળાવમાં ફેંકી દીધી હતી જેથી તે અકસ્માત લાગે.
PM રિપોર્ટ અને ટેકનિકલ તપાસથી ભેદ ઉકેલાયો
શરૂઆતમાં આ મામલો અકસ્માતે ડૂબી જવાનો લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાના નિશાન મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. કોઠંબા પોલીસે હત્યાનો ગુનો નોંધી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. શંકાની સોય દીકરી તરફ જતા તેની કડક પૂછપરછ કરવામાં આવી, જેમાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં દીકરી, પ્રેમી કમલેશ અને અન્ય સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગી જનેતાની હત્યાના આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે અને સંબંધોના લોહી પર સવાલો ઊભા કર્યા છે.






