Home International Indian Air Force Third Most Powerful Air Force Wdmma 2026 Ranking

ભારતીય વાયુસેનાનો વિશ્વમાં ડંકો : દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની Indian Air Force, ફરી WDMMના રેન્કિંગમાં પાછળ રહ્યું ચીન

Indian Air Force - IAF વિમાનની દ્રશ્યો
Published by: Niraj Chokshi
Last Updated: Jul 12, 2026, 06:18 AM IST

ભારતીય વાયુસેનાએ (Indian Air Force - IAF) વૈશ્વિક સ્તરે ફરી એકવાર પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. વર્લ્ડ ડિરેક્ટરી ઑફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ (WDMMA) દ્વારા જાહેર કરાયેલી 2026 ગ્લોબલ એરપાવર રેન્કિંગમાં ભારતીય વાયુસેનાએ સતત પાંચમા વર્ષે વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ રેન્કિંગમાં ભારત ફરી એકવાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAAF)થી આગળ રહ્યું છે.

રેન્કિંગ અનુસાર વિશ્વમાં માત્ર અમેરિકા અને રશિયાની વાયુસેના જ ભારતથી આગળ છે. જ્યારે ચીન ચોથા ક્રમે રહ્યું છે. આ સિદ્ધિ ભારતીય વાયુસેનાની વધતી આધુનિકતા, સંતુલિત એરક્રાફ્ટ ફ્લીટ અને બહુમુખી ઓપરેશનલ ક્ષમતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે.

WDMMA કેવી રીતે નક્કી કરે છે રેન્કિંગ?

વર્લ્ડ ડિરેક્ટરી ઑફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ (WDMMA) દર વર્ષે વિશ્વના 103 દેશોની 129 વાયુસેનાઓનું મૂલ્યાંકન કરે છે. આ પ્રક્રિયામાં 48 હજારથી વધુ સૈન્ય વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવે છે. રેન્કિંગ માત્ર લડાકુ વિમાનોની સંખ્યાના આધારે નક્કી થતી નથી. WDMMA પોતાના True Value Rating (TVR) મોડલનો ઉપયોગ કરે છે, જેમાં એરક્રાફ્ટનો પ્રકાર, ટેક્નોલોજી, લોજિસ્ટિક સપોર્ટ, આધુનિકીકરણ, જાળવણી ક્ષમતા, વિશેષ મિશન માટેની તૈયારી અને કુલ ઓપરેશનલ કાર્યક્ષમતાને મહત્વ આપવામાં આવે છે. આ કારણે ઓછી સંખ્યાના પરંતુ અત્યાધુનિક અને બહુમુખી વિમાનો ધરાવતી

વાયુસેના પણ વધુ સારું સ્થાન મેળવી શકે છે.

આ પણ વાંચો: Petrol-Diesel Prices today : ટાંકી ફુલ કરાવતા પહેલાં અચૂક મેળવી લેજો આ માહિતી, જાણો અમદાવાદ સહિત તમારા શહેરના પેટ્રોલ-ડીઝલનાં આજના ભાવ

ભારત સતત પાંચમા વર્ષે ચીનથી આગળ

2022 બાદથી સતત પાંચમી વખત ભારતે આ રેન્કિંગમાં ચીનને પાછળ રાખ્યું છે. WDMMAના મૂલ્યાંકન મુજબ ભારતની વાયુસેના વિવિધ પ્રકારના વિમાનો વચ્ચે ઉત્તમ સંતુલન ધરાવે છે, જેના કારણે તેની ઓપરેશનલ ક્ષમતા વધુ મજબૂત બની છે. અહેવાલ મુજબ, અત્યાર સુધી કુલ છ વખત ભારતને અમેરિકા અને રશિયા પછી ત્રીજું સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ ભારતીય વાયુસેનાના સતત આધુનિકીકરણ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાના વિકાસને પણ દર્શાવે છે.

ભારતીય વાયુસેનાના કાફલામાં શું છે ખાસ?

WDMMAના મૂલ્યાંકન અનુસાર ભારતીય વાયુસેના પાસે હાલમાં કુલ 1,716 સૈન્ય વિમાનોનો કાફલો છે. તેમાં 542 ફાઇટર જેટ, 498 હેલિકોપ્ટર, 282 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 374 ટ્રેનર એરક્રાફ્ટ અને 20 વિશેષ મિશન એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ફાઈટર જેટમાં વિવિધ પ્રકારના આધુનિક વિમાનો ઉપરાંત હાલ સેવા આપતા MiG-21 વિમાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે આ વિમાનોને તબક્કાવાર નિવૃત્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હેલિકોપ્ટર કાફલામાં Mi-17 શ્રેણીના હેલિકોપ્ટરો ઉપરાંત ભારતે સ્વદેશમાં વિકસાવેલા HAL ધ્રુવ અને રુદ્ર હેલિકોપ્ટરો પણ મહત્વનો હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો: કાશ્મીરના અનંતનાગમાં 60 મિનિટમાં બે વખત વાદળ ફાટ્યું : પહલગામમાં પૂર જેવી સ્થિતિ, ભારે નુકસાનનાં દ્રશ્યો આવ્યા સામે

વિશેષ મિશન એરક્રાફ્ટથી વધે છે તાકાત

ભારતીય વાયુસેનાની વિશેષ શક્તિ તેના સ્પેશિયલ મિશન એરક્રાફ્ટમાં પણ જોવા મળે છે. તેમાં એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ, એરિયલ રિફ્યુઅલિંગ વિમાનો અને ઇન્ટેલિજન્સ એકત્રિત કરવા માટેના વિશેષ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ પ્રકારના વિમાનો યુદ્ધ દરમિયાન લાંબા અંતરની કામગીરી, હવાઈ દેખરેખ, માહિતી એકત્રિત કરવી અને અન્ય લડાકુ વિમાનોને હવામાં જ ઇંધણ પૂરું પાડવા જેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અમેરિકાની વાયુસેના હજુ પણ નંબર-1

WDMMAના અહેવાલ મુજબ અમેરિકાની વાયુસેના (USAF) વિશ્વમાં સૌથી શક્તિશાળી છે. અમેરિકાના કાફલામાં ફાઇટર એરક્રાફ્ટ ઉપરાંત બોમ્બર, ક્લોઝ એર સપોર્ટ, ટ્રાન્સપોર્ટ અને વિશેષ મિશન વિમાનોનું વિશાળ નેટવર્ક છે. અમેરિકાની વાયુસેનામાં લગભગ 32 ટકા ફાઇટર વિમાનો છે, જ્યારે બોમ્બર અને અન્ય લડાકુ પ્લેટફોર્મ ઉમેરવામાં આવે તો લડાકુ ક્ષમતા લગભગ 41 ટકા સુધી પહોંચી જાય છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને વિશેષ મિશન માટેના વિમાનો પણ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે.

વિશ્વની ટોપ-10 વાયુસેનાઓ

WDMMAની 2026 રેન્કિંગ મુજબ વિશ્વની ટોચની દસ વાયુસેનાઓમાં અમેરિકા પ્રથમ, રશિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. ત્યારબાદ ચીન, જાપાન, ઇઝરાયલ, ફ્રાન્સ, બ્રિટન, દક્ષિણ કોરિયા અને ઇટાલીનો સમાવેશ થાય છે. ભારતનું સતત ટોપ-3માં સ્થાન જાળવી રાખવું એ વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રમાં તેની વધતી પ્રતિષ્ઠા અને સૈન્ય ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ કરીને આધુનિકીકરણ, સ્વદેશી ઉત્પાદન અને ઓપરેશનલ તૈયારીના કારણે ભારતીય વાયુસેના વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now