Assam Plane Crash: ભારતીય વાયુસેનાને શનિવારે એક મોટી અને દુઃખદ ક્ષતિનો સામનો કરવો પડ્યો છે. આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરફોર્સ સ્ટેશન પર વાયુસેનાનું AN-32 પરિવહન વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ભારતીય વાયુસેનાના પાંચ બહાદુર જવાનોએ દેશસેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જ્યારે વિમાનના સહ-પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં જીવિત બચી ગયા છે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મૂકી દીધો છે. એરબેઝ પર બનેલી આ ઘટનાના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના બાદ તરત જ ફાયર અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અરૂણાચલ પ્રદેશથી પરત ફરી રહ્યું હતું વિમાન
મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાનું AN-32 પરિવહન વિમાન અરૂણાચલ પ્રદેશમાંથી આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન તરફ પરત ફરી રહ્યું હતું. વિમાન નિયમિત મિશન પૂર્ણ કરીને લેન્ડિંગ માટે તૈયાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાનો ભોગ બન્યું. અકસ્માત એરબેઝની અંદર જ સર્જાયો હતો, જેના કારણે વિમાનને ભારે નુકસાન થયું હતું. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
5 જવાનો થયા શહીદ
ભારતીય વાયુસેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને પાંચ જવાનોના શહીદ થવાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમ શહીદ થયા છે. વાયુસેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ તમામ જવાનોએ ફરજ બજાવતા સમયે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.
સહ-પાયલોટ જીવિત બચ્યા
દુર્ઘટના બાદ શરૂ કરાયેલા બચાવ અભિયાન દરમિયાન સહ-પાયલોટને ગંભીર ઇજાઓ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબીબોની દેખરેખ હેઠળ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ખતરાની બહાર હોવાનું માનવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન લેન્ડિંગની પ્રક્રિયામાં હતું ત્યારે નિયંત્રણ ગુમાવતાં રનવે નજીક ક્રેશ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી આગ અને ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. દુર્ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (Court of Inquiry)ના આદેશ આપ્યા છે. તપાસમાં એ જાણવા પ્રયાસ કરવામાં આવશે કે દુર્ઘટના ટેકનિકલ ખામી, માનવીય ભૂલ કે અન્ય કોઈ કારણસર સર્જાઈ હતી. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. આસામનું રૌરિયા એરફોર્સ સ્ટેશન ભારતીય વાયુસેનાના પૂર્વોત્તર ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ મથકોમાંનું એક ગણાય છે. આ એરબેઝ અરૂણાચલ પ્રદેશ સહિત સમગ્ર પૂર્વોત્તર ભારતમાં સૈન્ય કામગીરી, લોજિસ્ટિક સપોર્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચીનની સરહદ નજીકના વિસ્તારોમાં કામગીરી માટે પણ આ એરબેઝ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: અસમના જોરહાટ એરબેઝ પર મોટો અકસ્માત: લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ, લાગી ભયાનક આગ
AN-32 સાથે છેલ્લા દાયકામાં ત્રણ મોટા અકસ્માત
ભારતીય વાયુસેનાના AN-32 વિમાનો સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગંભીર અકસ્માતો જોડાયેલા રહ્યા છે. 22 જુલાઈ 2016ના રોજ ચેન્નઈથી પોર્ટ બ્લેયર જતું AN-32 વિમાન બંગાળની ખાડી ઉપર ગુમ થઈ ગયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 3 જૂન 2019ના રોજ જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા જતું AN-32 વિમાન તાતો વિસ્તારની પહાડીઓમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં તમામ 13 લોકોના મોત થયા હતા. જ્યારે 7 માર્ચ 2025ના રોજ પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર AN-32નું ક્રેશ લેન્ડિંગ થયું હતું, પરંતુ તેમાં સવાર તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા.

દેશ શહીદ જવાનોને આપી રહ્યો છે શ્રદ્ધાંજલિ
જોરહાટમાં થયેલી આ દુર્ઘટના બાદ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. ભારતીય વાયુસેનાએ શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવાનો વિશ્વાસ આપ્યો છે. દેશ માટે ફરજ બજાવતા સમયે શહીદ થયેલા આ પાંચ જવાનોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે.






