સાઉદી અરેબિયા ભારતના રિફાઈનિંગ ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. આ મુસ્લિમ દેશ ભારતમાં બે રિફાઈનરીઓ બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે મળીને કામ કરશે. અગાઉ સાઉદી અરેબિયાને આ ક્ષેત્રમાં બે વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. હવે સાઉદી પોતાના તેલના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આવા નિર્ણયો લેવા માગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક રિફાઈનરીની ક્ષમતા વાર્ષિક 90 લાખ ટનની આસપાસ હશે. અરામકોએ આમાં 26% ઇક્વિટી હિસ્સા માટે લગભગ રૂ. 18,000 કરોડ ખર્ચવા પડી શકે છે. પીએમ મોદીને મળ્યા બાદ બંને દેશો ભારતમાં બિઝનેસ વિકસાવવા માટે સંમત થયા છે.
ભારત સાથે મળીને કામ કરવાનો સાઉદી અરેબિયાનો નિર્ણય મહત્વપૂર્ણ છે. જેના કારણે પાકિસ્તાનને ભવિષ્યમાં નુકસાન વેઠવું પડી શકે છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ઘણા દેશોની સાથે સાઉદી અરેબિયાએ પણ આ આતંકી હુમલાની નિંદા કરી છે.
26% સુધીનો ભાગ ખરીદવા માટે વાતચીત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) તેમના વિવિધ રિફાઇનરી પ્રોજેક્ટ્સમાં સાઉદી અરેબિયાને સામેલ કરવા માટે વાટાઘાટ કરી રહી છે. અરામકો બંને રિફાઈનરી પ્રોજેક્ટમાં 26% સુધીનો હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. BPCL આંધ્ર પ્રદેશમાં તેની રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ ફેક્ટરી માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. આ ફેક્ટરીની ક્ષમતા વાર્ષિક 9-12 મિલિયન ટન હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 એમટીપીએ ક્ષમતાની સુવિધા માટે આશરે રૂ. 95,000 કરોડનો ખર્ચ થઈ શકે છે. PCL અને તેના સહયોગીઓએ ઈક્વિટીમાં રૂ. 33,000 કરોડનું રોકાણ કરવું પડશે. ONGC સાથેના આવા સોદા માટે લગભગ રૂ. 18,000 કરોડના રોકાણની જરૂર પડશે.
હજુ સુધી ડીલ કેમ થઈ નથી?
2018માં , સાઉદી અરામકોએ મહારાષ્ટ્રમાં વાર્ષિક 60 મિલિયન ટન રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ પ્રોજેક્ટમાં 50% હિસ્સા માટે ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL - રાજ્યની માલિકીના રિફાઇનર્સના જૂથ સાથે કરાર કર્યો હતો, પરંતુ જમીન સંપાદનમાં સમસ્યાઓના કારણે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો. 2019માં, અરામકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓઇલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાં 15 અબજ ડોલરમાં 20% હિસ્સો ખરીદવા સંમત થઈ હતી. જોકે, વેલ્યુએશનમાં મતભેદને કારણે બે વર્ષ પછી સોદો રદ કરવામાં આવ્યો હતો.





