Home International India Rejects China Pakistan Joint Statement On Kashmir

કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાને ભારતનો જડબાતોડ જવાબ : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને હંમેશા રહેશે: વિદેશ મંત્રાલય

India's reply to China-Pakistan on Kashmir issue
Published by: Vaishnavi Pathak
Last Updated: May 27, 2026, 02:41 AM IST

કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનને ભારતે સખત શબ્દોમાં ફગાવ્યું

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 23 થી 26 મે સુધી ચીનના સત્તાવાર પ્રવાસે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક યોજી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ મંગળવારે બંને દેશો દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતે ચીન અને પાકિસ્તાનના આ સંયુક્ત નિવેદનને સખત શબ્દોમાં નકારી કાઢીને પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે.

કાશ્મીર પર ભારતનું વલણ સ્પષ્ટ અને મક્કમ

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મામલે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે ઉમેર્યું કે આ વિષય પર ભારતનું વલણ પહેલેથી જ એકસમાન અને સ્પષ્ટ છે, જેની જાણ સંબંધિત પક્ષોને સારી રીતે છે. આથી, અન્ય કોઈ પણ દેશને ભારતના આંતરિક સાર્વભૌમત્વ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર (locus standi) નથી.

CPEC પરિયોજનાઓ સામે ભારતનો આકરો વિરોધ

ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ના નામે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માંથી પસાર થાય છે, જે ભારતનો સાર્વભૌમ વિસ્તાર છે. ભારતે આ મુદ્દે પણ બંને દેશો સામે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જા હેઠળના ભારતીય ક્ષેત્રોમાં અન્ય દેશો દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિઓ ભારતની પ્રાદેશિક અખંડિતતાનું સીધું ઉલ્લંઘન કરે છે અને ભારત આવા કોઈપણ પ્રયાસોને ક્યારેય માન્યતા આપશે નહીં.

સરહદ વિના 'વોટર કોઓપરેશન' કેવું?

સંયુક્ત નિવેદનમાં ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર રિસોર્સ કોઓપરેશન (સરહદ પાર જળ સંસાધન સહયોગ) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતે આ બાબતને હાસ્યાસ્પદ ગણાવતા નકારી દીધી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી સામાન્ય સરહદ જ નથી, તેથી તેમની વચ્ચે આવા કોઈ જળ સહયોગનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ સાથે જ ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે 1963 ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય સ્વીકારતું નથી.

ચીન અને પાકિસ્તાને પોતાના નિવેદનમાં કાશ્મીર વિવાદને ઇતિહાસનો એક જૂનો મુદ્દો ગણાવીને તેને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ચાર્ટર અને સુરક્ષા પરિષદના પ્રસ્તાવો મુજબ ઉકેલવાની વાત કરી હતી, જેને ભારતે સદંતર ફગાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now