AIથી ખર્ચ ઘટાડવાના ચક્કરમાં ટેક કંપનીઓ ફસાઈ: એન્જિનિયરોના પગાર કરતાં AIનું બિલ વધ્યું
ટેક ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા બે વર્ષથી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોફ્ટવેર એન્જિનિયરોની જગ્યા લેશે અને કંપનીઓનો ખર્ચ 50% ઓછો થઈ જશે. આ આશા સાથે કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો રૂપિયા ખર્ચ્યા. પરંતુ હવે જ્યારે વાસ્તવિક બિલ સામે આવ્યા છે, ત્યારે માઇક્રોસોફ્ટ અને ઉબર જેવી વૈશ્વિક દિગ્ગજ ટેક કંપનીઓના હોશ ઊડી ગયા છે.
માઇક્રોસોફ્ટ અને ઉબરને લાગ્યો મોટો આર્થિક ઝટકો
માઇક્રોસોફ્ટે પ્રખ્યાત AI કંપની એન્થ્રોપિક (Anthropic) માં ₹48,000 કરોડનું રોકાણ કરીને પોતાના 1,00,000 એન્જિનિયરોને 'ક્લાઉડ કોડ' (Claude Code) ટૂલનો એક્સેસ આપ્યો હતો. આ ટૂલ કોડિંગ ઝડપી બનાવવામાં મદદ કરે છે. પરંતુ AI દ્વારા જનરેટ થતા દરેક શબ્દ (ટોકન) પર બિલ ચૂકવવાની પદ્ધતિને કારણે ખર્ચ એટલો વધી ગયો કે જૂન મહિના સુધીમાં માઇક્રોસોફ્ટે તમામ લાયસન્સ રદ કરવા પડ્યા.
બીજી તરફ, ઓનલાઇન ટેક્સી સર્વિસ કંપની ઉબર (Uber) એ ડિસેમ્બર 2025 માં પોતાના 5,000 એન્જિનિયરોને આ ટૂલ આપ્યું હતું. માર્ચ 2026 સુધીમાં 84% ડેવલપર્સ તેનો ઉપયોગ કરવા લાગ્યા અને કંપનીનો 70% કોડ AI જનરેટેડ બન્યો. પરિણામે, એક-એક એન્જિનિયરનું માસિક બિલ ₹47,000 થી ₹1.9 લાખ સુધી પહોંચી ગયું. સ્થિતિ એ થઈ કે ઉબરે એપ્રિલ 2026 માં જ પોતાનું આખા વર્ષનું AI બજેટ પૂરું કરી દીધું. ખુદ AI ચિપ માર્કેટ પર 80% કંટ્રોલ ધરાવતી કંપની એનવીડિયા (Nvidia) એ સ્વીકાર્યું છે કે તેમની ટીમ માટે કમ્પ્યુટિંગનો ખર્ચ કર્મચારીઓના પગાર કરતાં વધી ગયો છે.
૧૨ થી ૧૮ મહિનામાં વ્હાઇટ કોલર નોકરીઓ પર સંકટ
આ નાણાકીય કટોકટી વચ્ચે માઇક્રોસોફ્ટ AI ના CEO મુસ્તફા સુલેમાને ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 12 થી 18 મહિનામાં ઓફિસોની મોટાભાગની વ્હાઇટ કોલર નોકરીઓ (જેમ કે સોફ્ટવેર એન્જિનિયર, વકીલ, એકાઉન્ટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અને માર્કેટીંગ પ્રોફેશનલ્સ) ની જગ્યા AI લઈ લેશે. આગામી 2 થી 3 વર્ષમાં AI એજન્ટો મોટી સંસ્થાઓના કામકાજ જાતે સંભાળતા થઈ જશે.
ઓરેકલે ૩૦,૦૦૦ કર્મચારીઓને રાતોરાત છૂટા કર્યા
આ વર્ષે 98 ટેક કંપનીઓએ 92,000 થી વધુ કર્મચારીઓ ઘટાડવાની જાહેરાત કરી છે. આ ટ્રેન્ડ અંતર્ગત 1 એપ્રિલ 2026 ના રોજ લેરી એલિસનની કંપની 'ઓરેકલ' (Oracle) એ રાતોરાત 30,000 કર્મચારીઓને ટર્મિનેશન લેટર મોકલી છૂટા કરી દીધા, જેમાં 12,000 ભારતીય કર્મચારીઓ સામેલ હતા. કંપની આંતરિક રીતે AI ટૂલ્સનો ઉપયોગ વધારીને ખર્ચ સંતુલિત કરવા માગે છે.
જેફ બેઝોસનો અલગ મત અને 'AI બબલ'નો ડર
જો કે, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આ સ્થિતિને સંકટ માનવા તૈયાર નથી. તેમના મતે આ સદીની સૌથી મોટી તક છે. સોફ્ટબેંક પણ આ ક્ષેત્રમાં ₹9.5 લાખ કરોડનું નવું ફંડ 'પ્રોજેક્ટ ઇઝાનાગી' લોન્ચ કરી રહ્યું છે. નિષ્ણાતો આ આખી સ્થિતિને 'AI બબલ' (વાસ્તવિક ક્ષમતા કરતાં બજારમાં ઊભો કરાયેલો અતિશય હાઇપ) તરીકે જોઈ રહ્યા છે, જ્યાં અંધાધૂંધ રોકાણ સામે વળતર ઓછું મળી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકામાં ટેક કંપનીઓના ભારે દબાણ અને લોબિંગને કારણે રાષ્ટ્રીય સુરક્ષા માટે લાવવામાં આવનાર કડક AI કાયદો પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો છે. બિગ ટેક કંપનીઓ અત્યારે નફા અને નિયમો વચ્ચે મોટો જુગાર રમી રહી છે.






