આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે ભારતનો મોટો બદલાવ: નવીનતમ QS રિપોર્ટ
એક તરફ ભારતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ ભારત પોતે હવે એશિયામાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનું એક મોટું કેન્દ્ર (Education Hub) બની રહ્યું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 'QS Global Student Flows: India 2026' રિપોર્ટમાં આ રસપ્રદ વિગતો સામે આવી છે.
ગ્લોબલ પોલિટિક્સ, પશ્ચિમી દેશોની કડક વિઝા નીતિ અને ભારતના પોતાના એજ્યુકેશન રિફોર્મ્સને કારણે વૈશ્વિક સ્તરે આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
વાર્ષિક 8% નો ગ્રોથ રેટ અને મોટો ટાર્ગેટ
રિપોર્ટના આંકડા દર્શાવે છે કે આ દાયકાના અંત સુધીમાં ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે 8% નો સ્થિર ગ્રોથ જોવા મળશે. હાલમાં ભારતમાં અંદાજે 58,000 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં આ સંખ્યાને 500,000 સુધી લઈ જવાનો લાંબા ગાળાનો લક્ષ્યાંક રાખ્યો છે.
હાલમાં ભારત આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી મોટો હિસ્સો નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોનો છે, જે કુલ સંખ્યાના લગભગ 1/3 ભાગ જેટલો થાય છે. આ સિવાય સબ-સહારા આફ્રિકા (જેમ કે ઝિમ્બાબ્વે) અને મિડલ ઇસ્ટના દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભારતના સસ્તા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ આકર્ષાઈ રહ્યા છે.
NEP 2020 અને સુવિધાઓમાં મોટો સુધારો
ભારતની 'નેશનલ એજ્યુકેશન પોલિસી 2020' (NEP 2020) આ બદલાવનું મુખ્ય કારણ છે. આ નીતિ હેઠળ ભારતીય યુનિવર્સિટીઓને તેમની કુલ ક્ષમતાના 25% જેટલી બેઠકો વિદેશી વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની છૂટ મળી છે. ખાસ વાત એ છે કે આનાથી સ્થાનિક ભારતીય વિદ્યાર્થીઓની બેઠકોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત, ગુજરાતના GIFT City જેવા સ્પેશિયલ ઝોનમાં વિદેશી યુનિવર્સિટીઓને પોતાના કેમ્પસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ 'ઇન્ટરનેશનલાઇઝેશન એટ હોમ' મોડેલના કારણે ભારતીય પરિવારો વિદેશના ચલણના ઉતાર-ચઢાવ અને મોંઘા લિવિંગ કોસ્ટથી બચીને ભારતમાં જ આંતરરાષ્ટ્રીય ડિગ્રી મેળવી શકશે.
આ પણ વાંચો: RRB NTPC Graduate CBT 2 પરીક્ષાની તારીખ જાહેર | જાણો ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ | Offbeat Stories
પડકારો: એમ્પ્લોયબિલિટી અને વિઝા ટ્રાન્સપરન્સી
રિપોર્ટમાં પ્રગતિની સાથે કેટલાક નકારાત્મક પાસાઓ પણ દર્શાવાયા છે. ભારતીય ગ્રેજ્યુએટ્સની કંપનીઓમાં માગ હોવા છતાં, ઘણી સ્થાનિક સંસ્થાઓની વૈશ્વિક પ્રતિષ્ઠા પશ્ચિમી યુનિવર્સિટીઓ જેટલી મજબૂત નથી. આંકડા દર્શાવે છે કે હાલમાં અડધાથી પણ ઓછા સ્થાનિક ગ્રેજ્યુએટ્સ આધુનિક ઉદ્યોગોના માપદંડ પ્રમાણે સીધા નોકરી મેળવવા સક્ષમ (Employable) છે. વિદેશી વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી જ નહીં, પરંતુ ઇન્ટર્નશિપ અને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝામાં પણ વધુ પારદર્શિતા ઈચ્છી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓનું નવું વલણ: પશ્ચિમના દેશોને બદલે નવા ઓપ્શન્સ
બીજી તરફ, ભારતમાંથી વિદેશ જતા વિદ્યાર્થીઓની પેટર્ન પણ બદલાઈ રહી છે. વર્ષ 2024 સુધીમાં 800,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણી રહ્યા હતા. જોકે, કેનેડા, UK, USA અને ઓસ્ટ્રેલિયા જેવા પરંપરાગત દેશોએ વિઝાના નિયમો ખૂબ કડક કર્યા છે અને સ્ટુડન્ટ પરમિટ પર કેપ (મર્યાદા) લગાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ તો વિઝા પ્રોસેસિંગ માટે ભારતને 'હાઈ-રિસ્ક' કેટેગરીમાં મૂક્યું છે.
આ કારણોસર હવે ભારતીય વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષી દેશોના બદલે જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ અને સિંગાપોર જેવા દેશો તરફ વળી રહ્યા છે, જ્યાં ટ્યુશન ફી ઓછી છે અને ભણ્યા પછી નોકરીના અધિકારો વધુ સ્પષ્ટ છે.





