Home National Imd Rain Thunderstorm Alert 18 States Next 12 Hours June 2026

આગામી 12 કલાક ભારે! : ભારતનાં 18 રાજ્યોમાં વરસાદ-આંધીનું એલર્ટ, 90 KM પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે પવન

વરસાદી માહોલની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Jun 14, 2026, 03:57 AM IST

દેશના અનેક ભાગોમાં આગામી 12 કલાક દરમિયાન હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 18 રાજ્યો માટે વરસાદ, વાવાઝોડા જેવી આંધી, ગાજવીજ અને તેજ પવનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન અને આસામ આસપાસ સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણ તેમજ પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓ સક્રિય બની છે. લોકોને ખરાબ હવામાન દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.

આ 18 રાજ્યોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા

IMD મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, આસામ સહિત કુલ 18 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનની સંભાવના છે. અનેક સ્થળોએ વીજળી પડવાની પણ શક્યતા હોવાથી ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠામાં ખલેલ અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્થાનિક પ્રશાસનને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: કચ્છના માધાપર નજીક નર્મદાની મુખ્ય લાઇન ફાટી : લાખો લીટર પાણી વેડફાતા સ્થાનિકોમાં રોષ

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ગરમીથી રાહત

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી વચ્ચે આ વરસાદ લોકોને મોટી રાહત આપી શકે છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં યેલો એલર્ટ

ઉત્તર પ્રદેશના લખનૌ, વારાણસી, ગોરખપુર, કાનપુર અને આગ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ અને આંધીની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બિહારમાં પટણા, ભાગલપુર, દરભંગા, મધુબની સહિત અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ખેડૂતોને પાક અને કૃષિ સાધનોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા તેમજ ખુલ્લા ખેતરોમાં કામ કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચિંતા વધારતી આગાહી! : જાણો 'અલ-નીનો' અંગે શું કહ્યું

પહાડી રાજ્યો માટે ખાસ ચેતવણી

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, રસ્તા અવરોધિત થવા અને અચાનક પાણીના પ્રવાહમાં વધારો થવાનો ખતરો રહે છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સતત હવામાન અપડેટ પર નજર રાખવા જણાવાયું છે.

આ પણ વાંચો: દ્વારકા જતાં ભક્તો ખાસ વાંચે : 3 દિવસ દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમાં મોટો ફેરફાર, જાણો નવો સમય

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય

ગુજરાતમાં પણ પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 14 અને 15 જૂને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ 16થી 19 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીમાં રાહત મળશે અને ચોમાસા પૂર્વે વાતાવરણ વધુ અનુકૂળ બનશે. દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓ વધુ સક્રિય થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now