India-Nepal International Border: શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ભારત અને નેપાળ બંને દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર નવી દિલ્હીને શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી,જેના પછી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતની સશસ્ત્ર સીમા બલ (SSB) અને નેપાળની સશસ્ત્ર પોલીસ દળ (APF) એ બંને દેશો વચ્ચેના નો-મેન લેન્ડના ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
'નેપાળના સૈનિકો અમારી સાથે છે'
વાસ્તવમાં ભારત અને નેપાળ 1,700 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. તાજેતરમાં શંકાસ્પદ આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટુડે અનુસાર SSB કમાન્ડન્ટ ગંગા સિંહે જણાવ્યું હતું કે 'સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદ સામેની લડાઈમાં નેપાળના સૈનિકો અમારી સાથે છે. નેપાળી સેના સાથે અમારા ખૂબ સારા સંબંધો છે.
દર મહિને બંને દેશોના સરહદ સુરક્ષા દળો વચ્ચે સંકલન બેઠકો યોજાય છે. તેમણે કહ્યું, 'તેઓ તેમની ગુપ્ત માહિતી અમારી સાથે શેર કરી રહ્યા છે અને અમે તેમની સાથે અમારી માહિતી શેર કરી રહ્યા છીએ, જેનાથી શંકાસ્પદોને ઓળખવામાં સરળતા રહેશે.'
પાકિસ્તાનીઓ વારંવાર આવે છે-ગંગા સિંહ
SSB કમાન્ડન્ટ ગંગા સિંહે કહ્યું 'નેપાળગંજ વિસ્તારમાં એક મરકઝ (ઇસ્લામિક સંગઠન) છે, જ્યાં પાકિસ્તાની લોકો ઘણીવાર ખાસ પ્રસંગોએ આવે છે. તેમણે કહ્યું, 'જો અહીં કંઈક ખોટું થાય છે, તો આ લોકો અમને તેની જાણ કરે છે.' કમાન્ડન્ટે કહ્યું,'SSB ફોર્સ નેપાળ સરહદ પર વોચ ટાવરથી પણ નજર રાખી રહ્યા છે.' તેમણે આગળ કહ્યું, 'અમે કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર છીએ.'






