Home International India Citizens Russia Ukraine War Supreme Court Update

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય યુવકોની દુર્દશા? : 139ને ભારત પરત લવાયા, અનેકના મોત

Russia Ukraine War, Indian Citizens Russia
Published by: Vishal Dave
Last Updated: May 22, 2026, 04:38 PM IST

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ચોંકાવનારી માહિતી આપી છે. સરકારે જણાવ્યું કે રશિયન સેનામાં જોડાયેલા લગભગ 217 ભારતીયોમાંથી 49 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 139 લોકોને રાજદ્વારી પ્રયત્નો બાદ ભારત પરત લાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાએ વિદેશમાં નોકરીના લોભમાં જતા યુવકોની સુરક્ષા અને માનવ તસ્કરી જેવા ગંભીર મુદ્દાઓને ફરી ચર્ચામાં લાવી દીધા છે.

શું છે આખો મામલો?

આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે 26 પરિવારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. અરજીમાં જણાવાયું હતું કે તેમના પરિવારના સભ્યો સ્ટુડન્ટ, ટુરિસ્ટ અથવા અન્ય કાયદેસર વિઝા પર રશિયા ગયા હતા. તેમને ભરતી એજન્ટો દ્વારા સારા પગાર અને નોકરીના વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ રશિયા પહોંચ્યા બાદ તેમની પાસેથી પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા અને પછી તેમને જબરદસ્તી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. કેટલાક લોકો શરૂઆતમાં પરિવાર સાથે સંપર્કમાં રહ્યા હતા, પરંતુ બાદમાં તેમનો સંપર્ક તૂટી ગયો હતો. આ મામલો ગંભીર બનતા સુપ્રીમ કોર્ટે 10 એપ્રિલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

કેન્દ્ર સરકારે કોર્ટમાં શું માહિતી આપી?

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે લગભગ 217 ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થયા હતા.

આમાંથી:

  • 49 લોકોના મોત થયા છે

  • 6 લોકો ગુમ હોવાનું પુષ્ટિ થયું છે

  • 139 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે

સરકારે જણાવ્યું કે મોસ્કોમાં સ્થિત ભારતીય દૂતાવાસના સતત રાજદ્વારી પ્રયત્નો દ્વારા ઘણા ભારતીયોને તેમના સૈન્ય કરારમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.

કોર્ટને એ પણ જણાવાયું કે અરજીમાં ઉલ્લેખિત 26 લોકોમાંથી:

  • 14 લોકોના મોત થઈ ચૂક્યા છે

  • 11 લોકો વિશે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી

  • 1 વ્યક્તિ રશિયામાં ફોજદારી કેસને કારણે જેલમાં છે

ભરતી એજન્ટોની ભૂમિકા પર ગંભીર સવાલ

આ સમગ્ર કેસમાં સૌથી મોટો સવાલ ભરતી એજન્ટોની ભૂમિકાને લઈને ઊભો થયો છે. પરિવારોનું કહેવું છે કે યુવકોને યુરોપ અથવા રશિયામાં સારા પગારની નોકરી અપાવવાના નામે મોકલવામાં આવ્યા હતા.

ઘણા કેસોમાં એવું સામે આવ્યું છે કે લોકોને કન્સ્ટ્રક્શન, હેલ્પર અથવા સુરક્ષા સંબંધિત કામનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા.

આ ઘટનાએ વિદેશી નોકરી માટે કાર્યરત ગેરકાયદેસર એજન્સીઓ અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓને ફરી કેન્દ્રમાં લાવી દીધા છે.

મૃતદેહોની પરત લાવવાની પ્રક્રિયા પર વિવાદ

સુનાવણી દરમિયાન અરજદારો તરફથી હાજર વકીલે મૃત ભારતીયોના પાર્થિવ દેહોને પરત લાવવાની પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે કેટલાક મૃતદેહો અત્યંત ખરાબ હાલતમાં પરિવાર સુધી પહોંચ્યા હતા, જેના કારણે પરિવારજનો ભારે માનસિક આઘાતમાંથી પસાર થયા. આ દલીલ પર કેન્દ્ર સરકારે વાંધો વ્યક્ત કર્યો. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે આ અત્યંત સંવેદનશીલ અને જટિલ માનવીય તેમજ રાજદ્વારી પરિસ્થિતિ છે અને તેને અનાવશ્યક રીતે સનસનીખેજ બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

ચીફ જસ્ટિસ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને કહ્યું કે પ્રભાવિત પરિવારોને કાયદાકીય માળખામાં રહી સહાય, વળતર અથવા અન્ય લાભ આપવા અંગે વિચાર કરવામાં આવે.

કોર્ટએ સ્પષ્ટ કર્યું કે સરકાર આ મામલાને માત્ર રાજદ્વારી મુદ્દા તરીકે નહીં પરંતુ માનવીય દ્રષ્ટિકોણથી પણ જોવે. આ કેસની આગામી સુનાવણી જુલાઈમાં થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now