'Full' confusion about fuel : પહેલાના સમયમાં કાર ખરીદવી ખૂબ જ સરળ હતી. બજેટ નક્કી કરો, મનપસંદ મોડલ પસંદ કરો અને જરૂરી કાગળો પૂરા કરીને કાર ઘરે લઈ આવો. પરંતુ વર્ષ 2026નું ભારતીય ઓટો માર્કેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે જ્યારે કોઈ ગ્રાહક શોરૂમમાં જાય છે, ત્યારે તેને કારના ફીચર્સ કે કલર કરતા વધારે ઇંધણ (Fuel) નું જ્ઞાન આપવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ, CNG, હાઇબ્રિડ કે ઇલેક્ટ્રિક (EV) – વિકલ્પો એટલા બધા છે કે સામાન્ય ખરીદનાર મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો છે. હાલના એક સર્વેમાં સામે આવ્યું છે કે ઇંધણની આ અનિશ્ચિતતાના કારણે લગભગ 43% લોકોએ નવી કાર ખરીદવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે.
પેટ્રોલ : સરળ વિકલ્પ પણ ખિસ્સા પર ભારે
આજે પણ ભારતમાં સૌથી વધુ પેટ્રોલ કાર વેચાય છે, કારણ કે તેની કિંમત ઓછી હોય છે અને જાળવણી સરળ છે. પરંતુ પેટ્રોલના સતત વધતા ભાવ ગ્રાહકોને પરેશાન કરી રહ્યા છે. આ સિવાય સરકારે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) વધારી દીધું છે. હાલમાં E20 ફ્યુઅલ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં E30, E85 અને 100% ઇથેનોલ એટલે કે E100 લાવવાની તૈયારી છે. આનાથી ગ્રાહકો ચિંતિત છે કે, આજે ખરીદેલી કાર ભવિષ્યના ઇંધણના નિયમો પ્રમાણે યોગ્ય રહેશે કે નહીં.
માઇલેજમાં ઘટાડો અને જાળવણીનો મોટો ખર્ચ
સોશિયલ મીડિયા પર ગ્રાહકો સતત ફરિયાદ કરી રહ્યા છે કે, E20 ઇંધણના કારણે તેમની ગાડીઓનું માઇલેજ ઘટ્યું છે અને મેન્ટેનન્સ ખર્ચ વધ્યો છે. ખુદ પેટ્રોલિયમ મંત્રાલયે સ્વીકાર્યું છે કે ઇથેનોલની એનર્જી ડેન્સિટી ઓછી હોવાને કારણે માઇલેજમાં 1-2% થી લઈને 3-6% સુધીનો ઘટાડો આવી શકે છે. આ જ કારણે કંપનીઓ હવે તેના ઉકેલો શોધી રહી છે. જેમ કે રોયલ એનફિલ્ડ કંપનીએ જૂની બાઇક માટે ₹1,700ની કિંમતની E20 કન્વર્ઝન કીટ બજારમાં ઉતારી છે, જેથી એન્જિનને નુકસાન ન થાય.
આ પણ ખાસ વાંચો : પહેલીવાર BMWની એક જ કારમાં મળશે 5 પાવરટ્રેનના ઓપ્શન! : નવી જનરેશન X5માં મળશે દમદાર ફીચર્સ અને પ્રીમિયમ ટેક્નોલોજી
ડીઝલ : સારું માઇલેજ પણ અસ્પષ્ટ ભવિષ્ય
લાંબી મુસાફરી કરનારા લોકો માટે એક સમયે ડીઝલ કાર પ્રથમ પસંદગી હતી કારણ કે તેનું માઇલેજ અને પાવર શાનદાર હોય છે. પરંતુ કડક ઇમિશન નિયમો (BS6) ના કારણે નવી ડીઝલ કારો ખૂબ મોંઘી થઈ ગઈ છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ તો એપ્રિલ 2020થી જ ડીઝલ કાર બનાવવાનું બંધ કરી દીધું છે. છતાં પણ તે પેટ્રોલ, CNG અને હાઇબ્રિડના જોરે 42% માર્કેટ શેર ધરાવે છે. હવે સરકારે ડીઝલમાં પણ 15% આઇસોબ્યુટેનોલ મિશ્રણ કરવાની તૈયારી શરૂ કરી છે, જેનાથી આગામી સમયમાં ડીઝલ ગાડીઓ અને કોમર્શિયલ વાહનો પર મોટી અસર પડી શકે છે.
CNG : પેટ્રોલ જેટલું જ મોંઘું બનતું ગેસ
ઓછા રનિંગ કોસ્ટના કારણે મધ્યમ વર્ગમાં CNG કાર ખૂબ લોકપ્રિય થઈ હતી. પરંતુ હવે ઘણા શહેરોમાં CNGના ભાવ પણ પેટ્રોલની નજીક પહોંચવા આવ્યા છે. આ ઉપરાંત, CNG કાર પેટ્રોલ કાર કરતા લગભગ ₹1 લાખ જેટલી મોંઘી હોય છે. તેમાં બૂટ સ્પેસ ઓછી મળે છે અને પરફોર્મન્સ પણ થોડું ઘટી જાય છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ સીએનજી પંપની અછત છે અને આફ્ટર-માર્કેટ કીટમાં આગ લાગવાના કિસ્સા પણ ચિંતા વધારે છે. જોકે ટાટા મોટર્સે ડ્યુઅલ-સિલિન્ડર ટેકનોલોજીથી જગ્યાની સમસ્યા થોડી હલ કરી છે, પણ હવે CNG પહેલા જેવો આકર્ષક વિકલ્પ રહ્યો નથી.
EV : ટેકનોલોજી નવી પણ પડકારો અસંખ્ય
ઇલેક્ટ્રિક વાહનો (EV) ને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે, પરંતુ પેસેન્જર કાર સેગમેન્ટમાં તેની ગતિ હજુ ધીમી છે. ગ્રાહકોના મનમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાંબી મુસાફરીમાં રેન્જની ચિંતા (Range Anxiety), બેટરી બદલવાનો ભારે ખર્ચ અને રીસેલ વેલ્યુને લઈને ઘણા સવાલો છે. મોટા શહેરોની સોસાયટીઓમાં ચાર્જિંગ પોઇન્ટ લગાવવાની મંજૂરી મળતી નથી. વળી, જો રસ્તામાં ગાડી બગડે તો મિકેનિક પણ આ નવી ટેકનોલોજી ઝડપથી રિપેર કરી શકતા નથી. જેમ ડૉક્ટર રિપોર્ટની રાહ જુએ, તેમ મેકેનિકે પણ સોફ્ટવેર ડિવાઇસ કનેક્ટ કરીને ખામી શોધવી પડે છે. ત્યાં સુધી ગ્રાહકે રોડસાઇડ આસિસ્ટન્સ (RSA) ના ભરોસે બેસી રહેવું પડે છે.
આ પણ ખાસ વાંચો : તહેવારોની સીઝનમાં ધમાકો કરવા તૈયાર Bajaj Pulsar N125! : એડવાન્સ સસ્પેન્શન અને સ્માર્ટ ફીચર્સ સાથે નવા અવતારમાં થશે લોન્ચ
હાઇબ્રિડ : શ્રેષ્ઠ ઉકેલ પણ મોંઘો સોદો
ઘણા ઓટો એક્સપર્ટ્સ માને છે કે ભારતીય બજાર માટે હાઇબ્રિડ ટેકનોલોજી સૌથી વ્યવહારુ છે. આ કારમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને હોય છે. સિટીમાં ઓછી સ્પીડ પર કાર EV મોડ પર ચાલે છે અને હાઇવે પર પેટ્રોલ પર સ્વિચ થઈ જાય છે, જેથી ચાર્જિંગની કોઈ ઝંઝટ રહેતી નથી અને માઇલેજ પણ શાનદાર મળે છે. પરંતુ ઇલેક્ટ્રિક કારની જેમ હાઇબ્રિડ કારને સરકાર તરફથી મોટી ટેક્સ સબસિડી મળતી નથી, જેના કારણે તેની કિંમતો સામાન્ય ગ્રાહકો માટે ખૂબ ઊંચી રહે છે.
ખરીદદારોની અસલી સમસ્યા શું છે?
ભારતીય ગ્રાહકો નવી ટેકનોલોજી અપનાવવાથી ડરતા નથી, પરંતુ અત્યારે સૌથી મોટી સમસ્યા ભવિષ્યની અનિશ્ચિતતા છે. ગ્રાહક એ જાણવા માંગે છે કે આગામી 8 થી 10 વર્ષ સુધી કઈ ટેકનોલોજી ટકી રહેશે, કયું ઇંધણ સસ્તું પડશે અને સરકારની નીતિઓ કઈ દિશામાં જશે. જ્યાં સુધી આ સવાલોના સ્પષ્ટ જવાબો નહીં મળે, ત્યાં સુધી કાર ખરીદનારાઓનું આ 'FULL' કન્ફ્યુઝન ચાલુ જ રહેશે. જો તમારું બજેટ સામાન્ય છે અને વપરાશ મર્યાદિત છે, તો પેટ્રોલ અથવા ફેક્ટરી-ફિટેડ CNG તરફ જાઓ. જો તમારું બજેટ મોટું છે અને તમે ભવિષ્યની ચિંતા વગર બેસ્ટ માઇલેજ ઇચ્છો છો, તો સ્ટ્રોંગ હાઇબ્રિડ અત્યારે ઇન્ડિયન માર્કેટ માટે સૌથી સ્માર્ટ વિકલ્પ છે.





