Home International India Beats Japan Become Worlds Fourth Largest Economy Enters Top 4 Center Claims To Surpass Germany By 2030

ભારતે જાપાનને હરાવ્યું! : ભારતની અર્થવ્યવસ્થાની રોકેટ સ્પીડે વૃદ્ધિ, 2030માં જર્મનીને પણ પાછળ છોડવાનો કેન્દ્રનો દાવો

ભારતે જાપાનને હરાવ્યું!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 03:49 AM IST

કેન્દ્ર સરકારે 2025ના અંતે જાહેર કરેલા આર્થિક સમીક્ષામાં મોટો દાવો કર્યો છે કે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતનું નોમિનલ GDP હવે 4.18 ટ્રિલિયન ડોલર (લગભગ રૂ.374 લાખ કરોડ) પર પહોંચ્યું છે. સરકારનો અંદાજ છે કે વર્તમાન ગતિ જળવાઈ રહે તો 2030 સુધીમાં GDP 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે અને ભારત જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે આવી જશે. આ સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પણ ચમકી રહ્યું છે.

ભારતે જાપાનને કેવી રીતે પાછળ છોડ્યું?

સરકારના વર્ષ અંતના આર્થિક સમીક્ષા અહેવાલ મુજબ, ભારતનું નોમિનલ GDP 4.18 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે, જે જાપાનથી આગળ છે. હાલમાં વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં અમેરિકા પ્રથમ, ચીન બીજા અને જર્મની ત્રીજા સ્થાને છે. આ સિદ્ધિ માટે મજબૂત ઘરેલું માંગ, ખાનગી વપરાશ અને સતત વધતો વિકાસ દર જવાબદાર છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 8.2% રહ્યો, જે છ ક્વાર્ટરનું સૌથી ઉચ્ચ સ્તર છે. આ પહેલા પ્રથમ ક્વાર્ટરમાં 7.8% અને અગાઉના વર્ષના ચોથા ક્વાર્ટરમાં 7.4% વૃદ્ધિ નોંધાઈ હતી.

વૈશ્વિક એજન્સીઓના સકારાત્મક અંદાજ

વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતની વૃદ્ધિને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ વખાણી છે:

  • વિશ્વ બેંક: 2026માં 6.5% વૃદ્ધિ

  • મૂડીઝ: 2026માં 6.4% અને 2027માં 6.5%; G-20માં સૌથી ઝડપી

  • IMF: 2025માં 6.6% અને 2026માં 6.2%

  • OECD: 2025માં 6.7% અને 2026માં 6.2%

  • S&P: ચાલુ વર્ષમાં 6.5% અને આગામીમાં 6.7%

  • એશિયન ડેવલપમેન્ટ બેંક: 2025માં 7.2%

  • ફિચ: 2026માં 7.4%

સરકારે આને "ગોલ્ડિલોક્સ" તબક્કો ગણાવ્યો છે – ઉચ્ચ વૃદ્ધિ અને નીચી મોંઘવારીનું સંતુલન.

2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવકવાળો દેશ બનવાનું લક્ષ્ય

સરકારે જણાવ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ માટે આર્થિક વૃદ્ધિ, માળખાકીય સુધારા અને સામાજિક પ્રગતિ પર ભાર મૂકાયો છે. મોંઘવારી નિયંત્રણમાં છે, બેરોજગારી ઘટી રહી છે, નિકાસમાં સુધારો થયો છે અને બેંકોમાં ક્રેડિટ વૃદ્ધિ મજબૂત છે. શહેરી વપરાશમાં વધારો માંગને ટકાવી રાખી રહ્યો છે.

GDP શું છે અને તેનું મહત્વ?

અર્થતંત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે GDPનો ઉપયોગ થાય છે. તે દેશની અંદર એક નિશ્ચિત સમયમાં ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યને દર્શાવે છે. આમાં દેશની સીમાની અંદર રહીને જે વિદેશી કંપનીઓ ઉત્પાદન કરે છે તેમને પણ સામેલ કરવામાં આવે છે.

GDPના બે પ્રકાર:

GDP બે પ્રકારની હોય છે. રિયલ GDP અને નોમિનલ GDP. રિયલ GDPમાં ગુડ્સ અને સર્વિસની વેલ્યુનું કેલ્ક્યુલેશન બેઝ યરની વેલ્યુ અથવા સ્ટેબલ પ્રાઇસ પર કરવામાં આવે છે. હાલમાં GDPને કેલ્ક્યુલેટ કરવા માટે બેઝ યર 2011-12 છે. જ્યારે નોમિનલ GDPનું કેલ્ક્યુલેશન કરંટ પ્રાઇસ પર કરવામાં આવે છે.

GDP વૃદ્ધિના મુખ્ય ડ્રાઇવર્સ:

GDPને ઘટાડવા કે વધારવા માટે ચાર મહત્વપૂર્ણ એન્જિન હોય છે. પહેલું છે, તમે અને અમે. તમે જેટલો ખર્ચ કરો છો, તે આપણી ઇકોનોમીમાં યોગદાન આપે છે. બીજું છે, પ્રાઇવેટ સેક્ટરની બિઝનેસ ગ્રોથ. આ GDPમાં 32% યોગદાન આપે છે. ત્રીજું છે, સરકારી ખર્ચ.એનો અર્થ એ છે કે સરકાર ગુડ્સ અને સર્વિસિસનું ઉત્પાદન કરવામાં કેટલો ખર્ચ કરી રહી છે. એનો GDPમાં 11% ફાળો છે. અને ચોથું છે, નેટ ડિમાન્ડ. એના માટે ભારતના કુલ એક્સપોર્ટમાંથી કુલ ઇમ્પોર્ટને બાદ કરવામાં આવે છે, કારણ કે ભારતમાં એક્સપોર્ટની સરખામણીમાં ઇમ્પોર્ટ વધારે છે, એટલે એની અસર GDP પર નકારાત્મક જ પડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now