Home Sports Ind Vs Sa 5th T20 Series Victory Team India Won By 30 Runs

અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય : સાઉથ આફ્રિકાને 3-1થી હરાવી જીતને કબજે કરી

અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 06:21 PM IST

ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી અને અંતિમ T20 મેચમાં પ્રભાવશાળી દેખાવ કરતા 30 રને જીત મેળવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ નિર્ણાયક મેચમાં ભારત તરફથી બેટિંગ અને બોલિંગ બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ જીત સાથે જ ભારતે 5 મેચની આ શ્રેણીમાં 3-1 થી વિજયી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 231 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો જેના જવાબમાં આફ્રિકાની ટીમ 201 રન સુધી જ પહોંચી શકી હતી.

હાર્દિક અને તિલકની તોફાની બેટિંગ

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો યજમાન ટીમનો નિર્ણય ભારતીય બેટ્સમેનોએ ખોટો સાબિત કર્યો હતો. આ મેચમાં શુભમન ગિલની ગેરહાજરીમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી. સેમસને 22 બોલમાં 37 રન અને અભિષેકે 34 રન જોડીને આક્રમક શરૂઆત અપાવી હતી. જોકે મેચનું મુખ્ય આકર્ષણ હાર્દિક પંડ્યા રહ્યો હતો જેણે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. હાર્દિકએ 25 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ તિલક વર્માએ પણ સાતત્ય જાળવી રાખતા 42 બોલમાં 73 રનનું યોગદાન આપ્યું હતું જેના કારણે ભારતીય સ્કોર 231 સુધી પહોંચ્યો હતો.

બુમરાહની ઘાતક બોલિંગ અને આફ્રિકાનો પરાજય

232 રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત આક્રમક રહી હતી. ક્વિન્ટન ડિકોકે તોફાની બેટિંગ કરીને પાવરપ્લેમાં ટીમનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન સુધી પહોંચાડી દીધો હતો. જોકે જસપ્રીત બુમરાહે 11મી ઓવરમાં ડિકોકને 65 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ડિકોકની વિકેટ પડ્યા બાદ આફ્રિકાનો રન રેટ સતત ઘટતો ગયો અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા નહોતા.

વરુણ ચક્રવર્તીની સ્પિન જાળ

બોલિંગ વિભાગમાં વરુણ ચક્રવર્તી ભારત માટે સૌથી સફળ બોલર સાબિત થયો હતો. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 53 રન આપ્યા હોવા છતાં વિરોધી ટીમના 4 મહત્વના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ પ્રદર્શનની સાથે જ વરુણ ચક્રવર્તી આ વર્ષે T20 ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. અંતિમ ઓવરોમાં ભારતીય બોલરોએ ચુસ્ત લાઈન લેન્થ પર બોલિંગ કરીને દક્ષિણ આફ્રિકાને 201 રનના સ્કોર પર રોકી દીધું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now