Home Sports Ind Vs Nz Rohit Sharma And Virat Kohlis Final Match In Rajkot

IND vs NZ; રાજકોટમાં Rohit Sharma અને Virat Kohli ની અંતિમ મેચ! : નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે બીજી ODI, જાણો

IND vs NZ; રાજકોટમાં Rohit Sharma અને Virat Kohli ની અંતિમ મેચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 11:54 AM IST

IND vs NZ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મેચ આવતીકાલે એટલે કે, 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. વડોદરામાં રમાયેલી પ્રથમ મેચમાં ભવ્ય વિજય મેળવ્યા પછી હવે ટીમ ઈન્ડિયા રાજકોટમાં જીતનો સિલસિલો યથાવત રાખવા મેદાનમાં ઉતરશે. આ મેચ માટે બંને ટીમો સોમવારે જ રાજકોટ આવી પહોંચી હતી અને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નેટ્સમાં પરસેવો પાડતા ખેલાડીઓ

મેચ પૂર્વે આજે બંને ટીમોએ મેદાન પર ઉતરીને સખત પ્રેક્ટિસ કરી હતી. બપોરે 1:30 વાગ્યે ન્યૂઝીલેન્ડની ટીમે કેપ્ટન માઈકલ બ્રેસવેલની આગેવાનીમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી, જેમાં ડેવોન કોનવે અને કાઇલ જેમીસન જેવા સ્ટાર ખેલાડીઓ એક્શનમાં જોવા મળ્યા હતા. બીજી તરફ, ટીમ ઈન્ડિયા સાંજે 5:30 વાગ્યે મેદાનમાં ઉતરી હતી. શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ રન બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી હતી.

રોહિત-કોહલીની અંતિમ મેચ?

આ મેચ રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ માટે ભાવુક બની શકે છે, કારણ કે એવી સંભાવના છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે રાજકોટના મેદાન પર આ અંતિમ વનડે મેચ હોઈ શકે છે. આ બંને મહાન ખેલાડીઓને રમતા જોવા માટે સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની શક્યતા છે.

રાજકોટમાં ભારતનો રેકોર્ડ

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમનો ઈતિહાસ ભારત માટે મિશ્ર રહ્યો છે. અહીં અત્યાર સુધી 4 વનડે મેચ રમાઈ છે, જેમાંથી ભારત માત્ર 1 મેચ જીતી શક્યું છે અને 3 માં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ પિચ બેટિંગ ફ્રેન્ડલી ગણાય છે, તેથી આવતીકાલે રનનો મોટો સ્કોર જોવા મળી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત આ મેદાન પર વનડે રમવા જઈ રહી છે, જે તેમના માટે એક નવો પડકાર હશે.

ટીમમાં ફેરફાર અને નવી એન્ટ્રી

ભારતીય ટીમ માટે થોડા ચિંતાજનક સમાચાર છે. રિષભ પંત બાદ વોશિંગ્ટન સુંદર પણ ઈજાગ્રસ્ત થતા તે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન મળ્યું છે. જુરેલ અત્યારે શાનદાર ફોર્મમાં છે, તેને હાલમાં જ રાજકોટમાં વિજય હઝારે ટ્રોફીમાં 7 મેચમાં 2 સેન્ચુરી અને 4 ફિફ્ટી સાથે 558 રન ફટકાર્યા હતા. તેના આ ફોર્મનો લાભ ભારતને મળી શકે છે.

સ્ટેડિયમનો ઈતિહાસ

રાજકોટનું આ સ્ટેડિયમ અત્યાર સુધી કુલ 13 ઇન્ટરનેશનલ મેચોનું સાક્ષી બન્યું છે (3 ટેસ્ટ, 6 T20I, 4 વનડે). વર્ષ 2025 માં અહીં ભારતની મહિલા ટીમ અને ઈન્ડિયા-A તથા સાઉથ આફ્રિકા-A વચ્ચે પણ મેચો રમાઈ હતી. હવે જોવાનું એ રહેશે કે, શું ભારત આવતીકાલે જીત મેળવીને આ મેદાન પર પોતાનો રેકોર્ડ સુધારી શકે છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now