Home Education/Career Iit Kanpur Job Offer 19 Year Old Nisarga Adhikari Who Found Security Flaws In Cbse Portal

ન બાયોડેટા, ન ઈન્ટરવ્યૂ, ન કોઈ ડિગ્રી! : જાણો 12 પાસ આ યુવકે એવું તો શું કર્યું કે IIT કાનપુરે આપી સીધી નોકરી

Nisarg Adhikari, IIT Kanpur Job Offer
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 11, 2026, 05:33 AM IST

IIT Kanpur Job Offer 19 year Old Nisarg Adhikari: આજના ડિજિટલ યુગમાં પ્રતિભા માટે ડિગ્રી હંમેશા જરૂરી નથી હોતી, તેનું જીવંત ઉદાહરણ 19 વર્ષીય નિસર્ગ અધિકારી છે. માત્ર 12મું ધોરણ પાસ કરનાર આ યુવાને પોતાની ટેકનિકલ કુશળતા અને સાયબર સુરક્ષા અંગેની સમજણથી એવું કામ કરી બતાવ્યું કે દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા IIT કાનપુરે તેને સીધી નોકરીની ઓફર આપી દીધી. ખાસ વાત એ છે કે નિસર્ગે ન તો કોઈ રિઝ્યૂમ મોકલ્યો હતો અને ન તો નોકરી માટે અરજી કરી હતી. નિસર્ગ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે તેણે CBSEના ઓનલાઈન માર્કિંગ પોર્ટલમાં રહેલી ગંભીર સુરક્ષા ખામીઓનો પર્દાફાશ કર્યો. તેના એક બ્લોગ પોસ્ટે દેશના શિક્ષણતંત્ર અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેની ટેકનિકલ ક્ષમતાથી પ્રભાવિત થઈ IIT કાનપુરે તેને પોતાના ટેક્નોલોજી ઇનોવેશન હબ C3iHubમાં 'OSINT અને Threat Intelligence Engineer' તરીકે નિયુક્ત કર્યો છે.

એક બ્લોગ પોસ્ટે બદલી નાખ્યું જીવન

સામાન્ય રીતે મોટી સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે લાંબી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પરંતુ નિસર્ગ માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ રહી. તેણે CBSEના ઓનલાઈન મૂલ્યાંકન પોર્ટલમાં રહેલી ખામીઓ અંગે વિગતવાર બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં તેણે એવી સુરક્ષા ખામીઓ દર્શાવી હતી, જેના કારણે સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ મેળવવો સરળ બની શકે. આ માહિતી જાહેર થતાં CBSE અને સંબંધિત એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. બાદમાં આ મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો.

IIT કાનપુરના ડિરેક્ટર પણ થયા પ્રભાવિત

IIT કાનપુરના ડિરેક્ટર મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે તેમણે નિસર્ગનો બ્લોગ વાંચ્યા બાદ તેની પ્રતિભાને ઓળખી હતી. તેમના જણાવ્યા મુજબ, નિસર્ગમાં અસાધારણ ટેક્નિકલ ક્ષમતા છે અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં તે લાંબી કારકિર્દી બનાવી શકે છે. ડિરેક્ટરે જણાવ્યું કે, નિસર્ગ IIT કાનપુર દ્વારા ભરતી કરવામાં આવેલા સૌથી યુવા એન્જિનિયરોમાંનો એક હોઈ શકે છે. તેમણે ઉમેર્યું કે યુવાન પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવાથી તે વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો: નસીબ હોય તો આવું!: UAEમાં 5 મિત્રોએ રૂ.1,300 ભેગા કરી ખરીદી ટિકિટ, બદલામાં મળ્યા રૂ.78 કરોડ; જાણો કેવી રીતે ચમકી કિસ્મત

શું હતી CBSE પોર્ટલની ખામી?

CBSEનું On-Screen Marking (OSM) પોર્ટલ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. નિસર્ગે આ પોર્ટલમાં પાંચ ગંભીર સુરક્ષા ખામીઓ શોધી કાઢી હતી. તેમાં સૌથી ચોંકાવનારી બાબત એવી હતી કે સિસ્ટમનો મહત્વપૂર્ણ પાસવર્ડ સુરક્ષિત રીતે એન્ક્રિપ્ટ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે સુરક્ષા જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ હતી. નિસર્ગે આ અંગે દેશની સાયબર સુરક્ષા એજન્સી CERT-Inને પણ માહિતી આપી હતી. જ્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે પોર્ટલની સુરક્ષા સુધારવા માટે નિષ્ણાતોની ટીમે પણ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નિસર્ગની ટેકનિકલ સમજ અને વિશ્લેષણ ક્ષમતા સૌના ધ્યાનમાં આવી હતી.

6 વર્ષની ઉંમરથી શરૂ કરી હતી કોડિંગ

નિસર્ગની સફળતા પાછળ વર્ષોનું સમર્પણ અને જિજ્ઞાસા છુપાયેલી છે. પરિવારનો કોઈ સભ્ય ટેકનોલોજી અથવા સાયબર સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલો ન હોવા છતાં તેણે ખૂબ નાની ઉંમરે કોડિંગ શીખવાનું શરૂ કર્યું હતું. માત્ર 6-7 વર્ષની ઉંમરે તેણે પ્રોગ્રામિંગમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. બાદમાં શાળાકાળ દરમિયાન તેણે એથિકલ હેકિંગ અને સાયબર સુરક્ષા સંબંધિત સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. સમય જતાં તેની કુશળતા વધુ મજબૂત બનતી ગઈ.

ડિગ્રી વગર IITમાં એન્જિનિયર

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ IITમાં પ્રવેશ મેળવવા માટે વર્ષો સુધી તૈયારી કરે છે, પરંતુ નિસર્ગની સફર અલગ રહી. તે કોઈ એન્જિનિયરિંગ ડિગ્રી વગર IIT કાનપુરના ટેક્નોલોજી ઇનોવેશન હબમાં એન્જિનિયર તરીકે જોડાયો છે. નિસર્ગનું માનવું છે કે, તેને પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિ કરતાં વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં વધુ રસ છે. તે ભવિષ્યમાં એવા ટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ વિકસાવવા માંગે છે જેનો ઉપયોગ સામાન્ય લોકો કરી શકે.

આ પણ વાંચો: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી તક!: ફૂડ સેફ્ટી ઓથોરિટીમાં વિવિધ પદો પર ભરતી, 26 જૂન સુધી અરજી કરો; જાણો લાયકાત અને વિગતો

યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ

નિસર્ગ અધિકારીની કહાની એ વાતનો પુરાવો છે કે જો પ્રતિભા, મહેનત અને યોગ્ય દિશામાં કામ કરવાની તૈયારી હોય તો ઉંમર કે ડિગ્રી સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી. માત્ર 19 વર્ષની ઉંમરે દેશની પ્રતિષ્ઠિત સંસ્થામાં મહત્વપૂર્ણ જવાબદારી મેળવવી એ તેની અસાધારણ ક્ષમતાનું પ્રતિબિંબ છે. ડિજિટલ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા હજારો યુવાનો માટે નિસર્ગની સફર એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે કે નવીન વિચારસરણી અને સતત શીખવાની ભાવના વ્યક્તિને અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now