આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેડૂતો અને એપીએમસીની કળદા પ્રથા અંગે ભાજપ અને કોંગ્રેસ બંને પર ગંભીર આક્ષેપ કર્યા છે. ઇસુદાન ગઢવીએ 'કડદા' મુદ્દે જણાવ્યું કે, "ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ કળદાઓમાં જવાબદાર છે. ઘણી એપીએમસીઓમાં ચેરમેન ભાજપના છે અને વાઇસ ચેરમેન કોંગ્રેસના છે"
''આ ખેડૂતોના શ્રમનું શોષણ છે''
તેમણે આક્ષેપ કર્યો કે, "એપીએમસીમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને ત્યારથી કળદા પ્રથા શરૂ થઈ. આ ખેડૂતોના શ્રમનું શોષણ છે. ભાજપની B ટીમ બની ગયેલી કોંગ્રેસ હવે ખેડૂતોના દુખદર્દથી દૂર રહી છે. એવી કોંગ્રેસને પણ હવે ગામમાં ઘૂસવા ન દેવી જોઈએ. તેમણે કહ્યું કે "ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોના હકો છીનવી લીધા છે. રાજ્યના 25 સાંસદ અને 162 ધારાસભ્યમાંથી એકે પણ ખેડૂતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો નથી."
''ભાજપ AAP સામે ષડયંત્ર કરી તેને બદનામ કરે છે''
તેમણે એવો પણ દાવો કર્યો કે, "ખેડૂતો પોતાના પ્રશ્નો ઉઠાવે ત્યારે ભાજપ AAP સામે ષડયંત્ર કરી તેને બદનામ કરે છે, પાટીદાર આંદોલનમાં પાટીદાર દીકરીઓને હેરાન કરી હતી, આજે બોટાદમાં ખેડૂતોને ઘરમાંથી કાઢીને માર મરાયો છે." ઇસુદાને જણાવ્યું કે "ભાજપના કળદાઓનો પર્દાફાશ થતાં પોતાનાં જ સારા નેતાઓ અને કાર્યકર્તાઓએ AAP ને અભિનંદન આપ્યા છે."
''...ઈશારે જ પોલીસે બોટાદના ખેડૂતો પર અત્યાચાર કર્યો''
તેમણે કહ્યું કે, "ગુજરાતની જનતા અમારો સાથ આપે તો અમે ભારતીય કળદા પાર્ટીને ગુજરાતમાંથી ખદેડી નાખીશું. જેલમાં જઈશું, લાઠી ખાશું પણ BJPને હટાવીશું." ગઢવીએ વધુમાં જણાવ્યું કે "ગતરોજ અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે." વધુમાં કહ્યું કે, "ભાજપના ઈશારે જ પોલીસે બોટાદના ખેડૂતો પર અત્યાચાર કર્યો. અમે તેની સામે ફરિયાદ કરી છે. સાથે જ રાજુ કરપડા અને પ્રવીણ રામ તરફથી અનશનની જાહેરાત કરવામાં આવી છે''






