અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી IDP કેમ્પસમાં આવેલી એક સ્કૂલ 69 વર્ષીય નિવૃત્ત શિક્ષક સાથે થયેલી ગેરવર્તણૂકનો મામલો હવે શાળા તંત્ર માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નિવૃત્ત શિક્ષકને શાળા પરિસરમાંથી ‘ગેટ આઉટ’ કહી બહાર જવા માટે કહેવામાં આવતું જોવા મળ્યું હતું. ઘટનાએ વ્યાપક ચર્ચા જગાવતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હવે તપાસના પ્રાથમિક અહેવાલના આધારે શાળાએ બે મહિલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, નિવૃત્ત શિક્ષક અગાઉ IDP કેમ્પસની એક સ્કૂલમાં સેવા આપી ચૂક્યા હતા અને તેઓ પોતાના શિક્ષણ કાર્યના અનુભવનું પ્રમાણપત્ર (Experience Certificate) મેળવવા માટે શાળામાં પહોંચ્યા હતા. જોકે શિક્ષકનો આક્ષેપ છે કે તેમને શિક્ષક તરીકેના કાર્યને બદલે એક્ટિવિટી ટીચર તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. યોગ્ય અનુભવનું પ્રમાણપત્ર આપવા માટે તેમણે રજૂઆત કરતાં શાળા સ્ટાફ સાથે બોલાચાલી સર્જાઈ હતી.
પ્રમાણપત્ર મુદ્દે શરૂ થયો વિવાદ
ઘટના દરમિયાન શિક્ષકે પોતાની સેવા સંબંધિત સાચું પ્રમાણપત્ર આપવાની માંગણી કરી હતી. આ દરમિયાન શાળાની બે મહિલા કર્મચારીઓએ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના આરોપો સામે આવ્યા હતા. વાયરલ વીડિયોમાં કર્મચારીઓ શિક્ષકને ‘ગેટ આઉટ’ કહી શાળા પરિસરની બહાર જવા માટે કહેતા જોવા મળ્યા હતા.
આ ઘટનાના અંતે શિક્ષકને માંગેલું પ્રમાણપત્ર આપ્યા વિના જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. નિવૃત્ત શિક્ષકની ઉંમર, તેમની પૂર્વ સેવા અને તેમની સાથે થયેલા વર્તનને લઈને સોશિયલ મીડિયામાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં "IDP School" નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે ઉપલબ્ધ માહિતી અનુસાર અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી IDP School અને ઘાટલોડિયા-એસ.જી. હાઈવે નજીકનો IDP Campus અલગ સંસ્થાકીય ઓળખ ધરાવે છે. બંને સ્થળો સાથે "IDP" નામ સંકળાયેલું હોવાથી ઘટનાના સંદર્ભમાં ગેરસમજ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ચર્ચામાં રહેલી ઘટના IDP Campusની એક શાળા સાથે સંબંધિત હોવાનું જાણવા મળે છે, જ્યારે બોપલ સ્થિત IDP School અલગ શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્યરત છે.
શું નરેશ પટેલની ગુજરાતની રાજનીતિમાં થશે વાપસી?: DyCM હર્ષ સંઘવી સાથે 'ચા-પાણી' બાદ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું!
વીડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગ સક્રિય બન્યો
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. DEO દ્વારા તાત્કાલિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં DEOને પણ શાળા પરિસરમાં પ્રવેશને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો.
પછી જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સંચાલન અને સ્ટાફ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. સાથે જ શાળાને સત્તાવાર નોટિસ ફટકારી સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટી રચવાની અને વિગતવાર અહેવાલ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.
તપાસમાં કર્મચારીઓની ભૂલ સામે આવી
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે નિવૃત્ત શિક્ષક અને શાળા સંચાલન સહિત બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તૈયાર કરાયેલા પ્રાથમિક તપાસ અહેવાલમાં બંને મહિલા કર્મચારીઓના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ કર્મચારીઓની ભૂલ હોવાનું સામે આવતા શાળા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિવાદમાં આવેલી બંને મહિલા કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત શાળાને સમગ્ર મામલે સ્પષ્ટતા અને લેખિત ખુલાસો રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.
ગુજરાતનું એક ગામ બન્યું દેશ માટે મોડલ: 100% સોલરાઈઝેશનથી ગ્રામજનોને વર્ષે ₹14 લાખથી વધુનો થાય છે લાભ
શિક્ષણ સંસ્થાઓમાં વર્તન અંગે ફરી ઉઠ્યા પ્રશ્નો
આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વરિષ્ઠ નાગરિકો, નિવૃત્ત કર્મચારીઓ અને વાલીઓ સાથે થતી વ્યવહારિક પદ્ધતિ અંગે ચર્ચા જગાવી છે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે શાળાઓ માત્ર શિક્ષણ આપતી સંસ્થાઓ જ નહીં પરંતુ સામાજિક મૂલ્યોનું પ્રતિબિંબ પણ હોય છે. આવા સંજોગોમાં નિવૃત્ત શિક્ષક સાથે જાહેરમાં ગેરવર્તણૂક થવી ચિંતાજનક બાબત ગણાય છે.
જિલ્લા શિક્ષણ તંત્રે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ શાળા અથવા તેના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અથવા નિવૃત્ત કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં સમગ્ર મામલે શાળા તરફથી વધુ સત્તાવાર સ્પષ્ટતા અને તપાસના અંતિમ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જોકે બે કર્મચારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યો છે.





