અમદાવાદ EOW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) ક્રાઇમ બ્રાન્ચે રૂ. 2.27 કરોડની છેતરપિંડીના એક ચર્ચાસ્પદ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની ધરપકડ કરવામાં આવી છે. બંને સામે ફરિયાદીએ ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાતના આક્ષેપો કર્યા હતા.
પોલીસ તપાસ મુજબ આરોપી અનિલ વિભાણીએ પોતાને ઉચ્ચ સ્તરની ઓળખાણ ધરાવતા લાયઝનિંગ એજન્ટ તરીકે રજૂ કર્યો હતો. તેણે ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો કે કેનેડામાં થયેલી એક મોટી આર્થિક છેતરપિંડીમાં ફસાયેલા નાણાં પરત અપાવવામાં તે મદદ કરી શકે છે. આ બહાને ફરિયાદી પાસેથી એડવાન્સ કમિશનના નામે રૂ. 2,27,25,000 વસૂલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નાણા પરત ન અપાવતા ફરિયાદ નોંધાઈ
ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીઓએ મોટી રકમ મેળવ્યા બાદ પણ કોઈ નાણાં પરત અપાવ્યા નહોતા. વારંવાર ખાતરી આપ્યા છતાં વચનો પૂરા ન થતા આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. EOWએ ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન જ પોલીસને છેતરપિંડીના આક્ષેપોમાં તથ્યો મળતા અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
કરોડોની સંપત્તિ અને લક્ઝરી વાહનો મળી આવ્યા
તપાસ દરમિયાન EOWને આરોપીના કબજામાંથી મર્સિડીઝ કાર સહિત કુલ પાંચ વાહનો મળી આવ્યા છે. ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે, જેની ડિજિટલ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.
પોલીસે વિવિધ બેંક લોકરોની તપાસ દરમિયાન કરોડો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના, અનેક LIC પોલિસીઓ અને મહત્વના નાણાકીય દસ્તાવેજો પણ શોધી કાઢ્યા છે. તપાસને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત બેંક લોકરોને હાલ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરમાં ભાજપ નેતાએ મોતને 'ગળે લગાવ્યું'! : પોલીસ અને પરણિત મહિલા પર ગંભીર આક્ષેપો
કોર્ટમાંથી વધુ 4 દિવસના રિમાન્ડ
આરોપીઓની ધરપકડ બાદ EOWએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસમાં વધુ વિગતો મેળવવા અને નાણાકીય વ્યવહારોની કડી શોધવા કોર્ટમાંથી ચાર દિવસના વધારાના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. પોલીસ હવે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, સંપત્તિના સ્ત્રોત, અન્ય રોકાણો અને સંભવિત સહઆરોપીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા
તપાસ એજન્સીના સૂત્રો મુજબ અનિલ વિભાણી સામે અગાઉ પણ અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં અનેક પ્રકારના છેતરપિંડી અને આર્થિક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ હવે તેની જૂની ફાઇલો અને પેન્ડિંગ કેસોની પણ સમીક્ષા કરી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ અન્ય કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડોમાં પણ આરોપીની સંડોવણી હોવાની શક્યતા તપાસ હેઠળ છે. EOW વિવિધ ફરિયાદીઓ અને સંબંધિત પક્ષોનો સંપર્ક કરીને વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
કીર્તીદાન ગઢવીના કાર્યક્રમના પાસ મામલે પણ નામ ચર્ચામાં
સૂત્રો અનુસાર, ગત વર્ષે લોકગાયક કીર્તીદાન ગઢવીના એક મોટા કાર્યક્રમના કરોડો રૂપિયાના પાસ વિતરણ અને નાણાકીય વ્યવહારોને લઈને પણ અનિલ વિભાણીનું નામ ચર્ચામાં આવ્યું હતું. જોકે તે મામલે તપાસની સ્થિતિ અંગે સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વસ્તી ગણતરીના પરિપત્રને લઈને વિવાદ : શિક્ષક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ EOWની આ કાર્યવાહીને શહેરના તાજેતરના મોટા આર્થિક ગુનાઓમાંની એક ગણવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના વ્યવહારો, વૈભવી સંપત્તિઓ અને અનેક દસ્તાવેજો સામે આવતા તપાસનો વ્યાપ વધુ વિસ્તરી શકે છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ તેજ કરી છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





