Home National Hyderabad Woman Jumps From Sixth Floor With Infant Baby Survives Miyapur

6 મહિનાની દીકરીને ખોળામાં લઈને 6ઠ્ઠા માળેથી કૂદી મહિલા : પછી જે થયું તે જાણીને તમારા હોશ ઉડી જશે

Hyderabad Miyapur Incident
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jun 13, 2026, 08:51 AM IST

Hyderabad Miyapur Incident: હૈદરાબાદના મિયાપુર વિસ્તારમાંએક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 37 વર્ષીય એક મહિલાએ પોતાની છ મહિનાની બાળકીને ખોળામાં લઈને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાળકીએ ચમત્કારિક રીતે જીવતા બચી જતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ઘટના બાદ સમગ્ર એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રહેવાસીઓ અને પરિવારજનો આ ઘટનાથી હચમચી ગયા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને મહિલાની માનસિક સ્થિતિ, તાજેતરના આરોગ્ય રેકોર્ડ તેમજ પારિવારિક પરિસ્થિતિઓ અંગે માહિતી એકત્રિત કરી રહી છે.

6 મહિનાની બાળકીને લઈને કૂદી મહિલા

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાની ઓળખ ઈશા સાહુ તરીકે થઈ છે. મૂળ મધ્યપ્રદેશની રહેવાસી ઈશા પોતાના પરિવાર સાથે હૈદરાબાદના મિયાપુર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી હતી. શુક્રવારે બપોરે આશરે 3:45 વાગ્યે ઈશાએ પોતાની છ મહિનાની દીકરી વાનીને હાથમાં લઈને છઠ્ઠા માળેથી કૂદી પડ્યાનું સામે આવ્યું છે. ઘટનાના સમયે પરિવારના અન્ય સભ્યો ઘરમાં હાજર હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: બેંકોકથી મુંબઈ આવી અને સીધી જેલમાં!: 11.82 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ કેરળની બ્યુટી ક્વીન

ચમત્કારિક રીતે બચી ગઈ બાળકીને

આ સમગ્ર ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે છ મહિનાની બાળકીએ જીવતા બચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીએ જમીન પર પડતા પહેલાં એક સુરક્ષાત્મક ફેન્સિંગ જેવી રચના પર અથડાતા તેના પર પડેલા આંચકાની તીવ્રતા ઓછી થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ તરત જ બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉક્ટરોએ જણાવ્યું છે કે બાળકીને સામાન્ય ઇજાઓ થઈ છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકીને કોઈ જીવલેણ ઈજા થઈ નથી અને તે ખતરાની બહાર છે.

માનસિક તણાવ અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની આશંકા

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, ઈશા સાહુ છેલ્લા કેટલાક મહિનાથી ગંભીર અનિદ્રા, ચિંતા અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જેવા લક્ષણોથી પીડાઈ રહી હતી. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ પ્રસૂતિ બાદ મહિલાઓમાં જોવા મળતી ગંભીર માનસિક સ્થિતિ છે, જે કેટલીકવાર અત્યંત તણાવજનક અને જોખમી પરિસ્થિતિઓ સર્જી શકે છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઘટનાનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.

આ પણ વાંચો: અસમના જોરહાટ એરબેઝ પર મોટો અકસ્માત: લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ, લાગી ભયાનક આગ

11 વર્ષથી હતા પરિણીત

માહિતી મુજબ ઈશા અને તેના પતિ બંને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા હતા. બંનેના લગ્નને 11 વર્ષ થઈ ચૂક્યા હતા. દંપતીને બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી વિધીની ઉંમર 8 વર્ષ છે, જ્યારે નાની દીકરી વાની માત્ર 6 મહિનાની છે. પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઈશા માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે શરૂ કરી વિગતવાર તપાસ

મિયાપુર પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ પરિવારજનોના નિવેદનો, તબીબી રેકોર્ડ અને અન્ય પરિસ્થિતિઓની તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે હાલ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

માનસિક સ્વાસ્થ્ય અંગે ફરી ઊભી થઈ ચર્ચા

આ દુઃખદ ઘટના બાદ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય, પ્રસૂતિ પછીની માનસિક સમસ્યાઓ અને પરિવારના ભાવનાત્મક સહયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, પ્રસૂતિ બાદ મહિલાઓમાં થતી માનસિક સમસ્યાઓને ગંભીરતાથી લેવી જરૂરી છે. સમયસર સારવાર, પરિવારનો સહયોગ અને યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા ઘણી ગંભીર પરિસ્થિતિઓને ટાળી શકાય છે. હૈદરાબાદની આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનવાનો સંદેશ આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now