Home Gujarat Hyderabad Ed Raids 6 Places In Ahmedabad City

હૈદરાબાદ EDના અમદાવાદ શહેરમાં 6 સ્થળો પર દરોડા : 12 હજાર US ડોલરની કિંમતનું ક્રિપ્ટો વોલેટ મળ્યું, 13.5 લાખ રોકડ, 31 બેંક એકાઉન્ટ પણ મળ્યા

હૈદરાબાદ EDના અમદાવાદ શહેરમાં 6 સ્થળો પર દરોડા
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 05:43 AM IST

હૈદરાબાદ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમદાવાદ શહેરમાં કોલ સેન્ટર કૌભાંડ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સાયબરાબાદ પોલીસ તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં અગાઉ નોંધાયેલી ફરિયાદોના આધારે કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે.

કોલ સેન્ટર નેટવર્કનો પર્દાફાશ

ED દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોહમ્મદ અંસારી, આકિબ ગુલામરસૂલ ઘાંચી, વિકાસ કે. નિમાર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ વી. રાઠોડના રહેઠાણો અને સંકળાયેલા સ્થળોની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક સુવ્યવસ્થિત કોલ સેન્ટર નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ આરોપીઓ પોતાને અમેરિકાની સરકારી એજન્સીઓના અધિકારીઓ તરીકે ઓળખાવી વિદેશી નાગરિકોને ફોન કરતા હતા.

12,000 અમેરિકન ડોલરની કિંમતનું ક્રિપ્ટો વોલેટ મળી આવ્યું

આરોપીઓ ભોગ બનનારને ટેક્સ બાકી હોવાનું અથવા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ધમકી આપીને ભયમાં મૂક્તા હતા. ત્યારબાદ ભોગ બનનાર પાસેથી ‘ગિફ્ટ કાર્ડ’ અથવા ડિજિટલ પેમેન્ટના માધ્યમથી નાણાં વસૂલતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ રીતે વસૂલ કરાયેલા નાણાંને આરોપીઓ બિટકોઈન તથા અન્ય ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતા હતા, જેથી નાણાંનો સ્ત્રોત છુપાવી શકાય. દરોડા દરમિયાન આરોપી આકિબ ગુલામરસૂલ ઘાંચી પાસેથી અંદાજે 12,000 અમેરિકન ડોલરની કિંમતનું ક્રિપ્ટો વોલેટ મળી આવ્યું છે.

ઉપરાંત, EDને 13.5 લાખ રૂપિયાનું રોકડ તેમજ કુલ 31 બેંક એકાઉન્ટ્સની માહિતી પણ હાથ લાગી છે. ED દ્વારા બેંક લોકર, બેંક એકાઉન્ટ્સ, રોકડ નાણાં અને ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી લેવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ED દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now