દેશમાં પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે વિરોધ પ્રદર્શનના અનેક માર્ગો અપનાવવામાં આવે છે. તેમાં ભૂખ હડતાળ અથવા અનશન સૌથી ચર્ચિત અને અસરકારક માનવામાં આવે છે. મહાત્મા ગાંધીથી લઈને અનેક સામાજિક કાર્યકરો અને તાજેતરમાં સોનમ વાંગચુક સુધી, ઘણા લોકોએ પોતાની માંગણીઓ માટે ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જોકે, જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અનશન કરે છે અને તેની તબિયત ગંભીર બને અથવા મૃત્યુ થાય, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. શું સરકાર જવાબદાર ગણાય? શું કોઈ સામે FIR નોંધાય? શું મૃતકના પરિવારને વળતર મળે? ભારતીય કાયદો આ મુદ્દે સ્પષ્ટ જોગવાઈઓ ધરાવે છે. ભારતીય બંધારણ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર આપે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ સભા યોજવાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે. તેથી ભૂખ હડતાળ કરવી પોતે ગેરકાયદેસર નથી. પરંતુ જ્યારે અનશન વ્યક્તિના જીવન માટે જોખમકારક બને છે ત્યારે રાજ્યની ભૂમિકા અને જવાબદારી શરૂ થાય છે.
ભૂખ હડતાળ દરમિયાન મૃત્યુ થાય તો કોણ જવાબદાર?
કાનૂની દૃષ્ટિએ, કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છાથી ભૂખ હડતાળ પર બેસે અને તેના કારણે મૃત્યુ થાય તો માત્ર એ આધારે સરકાર અથવા અન્ય કોઈ વ્યક્તિને સીધી રીતે જવાબદાર ઠેરવી શકાતી નથી. કારણ કે અનશન કરવાનો નિર્ણય વ્યક્તિગત અને સ્વૈચ્છિક માનવામાં આવે છે. જો કોઈએ બળજબરી, ધમકી કે દબાણ હેઠળ અનશન કરાવ્યું ન હોય તો મૃત્યુ માટે અન્ય વ્યક્તિ સામે આપમેળે ગુનો નોંધાતો નથી.
તબિયત બગડે તો સરકાર શું કરી શકે?
અગાઉ આત્મહત્યાના પ્રયાસ સંબંધિત કાયદા હેઠળ લાંબી ભૂખ હડતાળ કરનારાઓ સામે કાર્યવાહી થતી હતી. મણિપુરની કાર્યકર ઇરોમ શર્મિલાના કેસમાં પણ આવા કાનૂની મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. જોકે, કાયદામાં થયેલા ફેરફારો બાદ સ્થિતિ બદલાઈ છે. હાલમાં જો કોઈ અનશનકારીની તબિયત બગડે તો જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી કરવાનો અધિકાર છે. જો જરૂરી હોય તો વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી શકાય છે. આ પગલું વ્યક્તિના જીવનના અધિકારની સુરક્ષા માટે લેવામાં આવે છે.
આ પણ વાંચો: 20 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ : અભિજીત દીપકેએ કરી આમરણ અનશનની જાહેરાત
જિલ્લા તંત્ર અને અદાલતોની શું ભૂમિકા હોય છે?
જો કોઈ જાહેર સ્થળે લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠું હોય તો સ્થાનિક પ્રશાસન તેની તબીબી તપાસ કરાવી શકે છે અને તેના આરોગ્ય પર સતત નજર રાખી શકે છે. જો પરિસ્થિતિ ગંભીર બને તો તાત્કાલિક તબીબી સારવારની વ્યવસ્થા કરવી વહીવટી તંત્રની જવાબદારી બને છે. જો કોઈ કેસમાં એવો આક્ષેપ થાય કે પ્રશાસને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી નહીં અથવા ગંભીર બેદરકારી દાખવી, તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અથવા રાષ્ટ્રીય અને રાજ્ય માનવાધિકાર આયોગ સમગ્ર મામલાની તપાસ કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના મૃત્યુ માટે સીધી ફોજદારી જવાબદારી નક્કી ન થાય તો પણ વહીવટી જવાબદારી નક્કી થઈ શકે છે.
ભૂખ હડતાળ માટે ઉશ્કેરનાર સામે થઈ શકે કાર્યવાહી
જો કોઈ વ્યક્તિ અન્યને ભૂખ હડતાળ કરવા માટે ઉશ્કેરે, સારવાર લેતા અટકાવે અથવા એવી પરિસ્થિતિ ઊભી કરે કે જેના કારણે વ્યક્તિના જીવનને જોખમ થાય, તો તેના સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કેસની હકીકતોના આધારે ભારતીય દંડ સંહિતા અથવા હાલમાં અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનાહિત ષડયંત્ર, ઉશ્કેરણી અથવા અન્ય સંબંધિત ગુનાઓ અંગે તપાસ થઈ શકે છે દરેક કેસમાં કાર્યવાહી ઉપલબ્ધ પુરાવા અને તપાસના આધારે નક્કી થાય છે. માત્ર વિરોધ પ્રદર્શનનું સમર્થન કરવાથી ગુનો બનતો નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ સારવાર અટકાવવા કે જોખમ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવે તો કાયદો લાગુ પડી શકે છે.
આ પણ વાંચો: જંતર-મંતર પર CJPના અભિજીત દિપકે પર મહિલાએ ફેંકી શાહી : મહિલા પોલીસ હવાલે
મૃત્યુ થાય તો FIR નોંધાય છે?
ભૂખ હડતાળ દરમિયાન મૃત્યુ થાય એટલે આપમેળે કોઈ વ્યક્તિ સામે FIR નોંધાય એવું જરૂરી નથી. સામાન્ય રીતે પોલીસ મૃત્યુના કારણની તપાસ માટે કાનૂની પ્રક્રિયા હાથ ધરે છે. જો તપાસ દરમિયાન બળજબરી, ઉશ્કેરણી, કાવતરું અથવા બેદરકારી સામે આવે તો ત્યારબાદ સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધાઈ શકે છે. એટલે કે, માત્ર અનશનના કારણે થયેલા મૃત્યુ માટે કોઈ સરકાર, અધિકારી કે અન્ય વ્યક્તિ સામે સીધી ફોજદારી કાર્યવાહી થતી નથી, પરંતુ કેસની હકીકતો અનુસાર તપાસ પછી નિર્ણય લેવાય છે.
વળતર અંગે શું છે કાયદો?
ભારતીય કાયદામાં ભૂખ હડતાળ દરમિયાન થયેલા મૃત્યુ માટે ફરજિયાત વળતર આપવાની કોઈ જોગવાઈ નથી. એટલે મૃતકના પરિવારને વળતર આપવું કાનૂની ફરજ નથી. તેમ છતાં કેટલાક વિશેષ અને સંવેદનશીલ કેસોમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર માનવતાના ધોરણે આર્થિક સહાય જાહેર કરી શકે છે. આવી સહાય મુખ્યમંત્રી રાહત નિધિ, પ્રધાનમંત્રી રાહત નિધિ અથવા અન્ય સરકારી યોજનાઓ દ્વારા આપવામાં આવી શકે છે. કેટલીક વખત સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાન થાય તો પરિવારના સભ્યને નોકરી, આર્થિક સહાય અથવા અન્ય રાહત પણ જાહેર થઈ શકે છે. જોકે, તે સંપૂર્ણપણે સરકારના નીતિગત નિર્ણય પર આધારિત હોય છે અને તેને કાનૂની અધિકાર તરીકે દાવો કરી શકાય નહીં.
ભૂખ હડતાળ લોકશાહી વિરોધનું એક માન્ય સાધન છે પરંતુ વ્યક્તિના જીવનનું રક્ષણ કરવું પણ રાજ્યની બંધારણીય ફરજ છે. તેથી અનશન દરમિયાન તબીબી દેખરેખ, વહીવટી સતર્કતા અને સમયસર સારવાર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. મૃત્યુના દરેક કેસમાં કાનૂની સ્થિતિ અલગ હોઈ શકે છે અને અંતિમ જવાબદારી હકીકતો, પુરાવા અને તપાસના પરિણામો પર આધાર રાખે છે.






