Home National Human Skin Heat Tolerance Heatwave Health Risk Gujarati

કેટલી ગરમી સહન કરી શકે છે માનવ શરિર? : જાણો હીટવેવ દરમિયાન શરીર પર શું પડે છે અસર

ગરમી દર્શાવતી છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 23, 2026, 03:30 AM IST

દેશના અનેક રાજ્યોમાં ઉનાળાની ગરમી સતત રેકોર્ડ તોડી રહી છે. ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી રહ્યું છે, જેના કારણે હીટવેવની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આવી કઠોર ગરમી માત્ર અસ્વસ્થતા જ નથી લાવતી, પરંતુ માનવ શરીર અને ખાસ કરીને ચામડી માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે વધતા તાપમાનમાં લાંબા સમય સુધી બહાર રહેવું જીવલેણ બની શકે છે. માનવ શરીરનું સામાન્ય આંતરિક તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. શરીર પરસેવો અને બ્લડ સર્ક્યુલેશનની મદદથી પોતાને ઠંડુ રાખવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયા શરીરના તમામ અંગોને સામાન્ય રીતે કાર્યરત રાખવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે બહારનું તાપમાન અતિશય વધી જાય છે, ત્યારે શરીરનું કૂલિંગ સિસ્ટમ ધીમે ધીમે નબળું પડવા લાગે છે.

આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના માતા-પિતાનો ઘટસ્ફોટ : "પોલીસના ડરથી રાતે ઊંઘ નથી આવતી", બીજું જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

45 ડિગ્રી બાદ શરીર માટે વધી જાય છે જોખમ?

ડૉક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે બહારનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ થઈ જાય છે, ત્યારે શરીરને પોતાનું તાપમાન નિયંત્રિત રાખવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને વધુ ભેજવાળા વિસ્તારોમાં શરીરમાંથી નીકળતો પરસેવો ઝડપથી સૂકાતો નથી, જેના કારણે શરીર વધુ ગરમ થવા લાગે છે.

આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો હીટ એક્ઝોસ્ટન અને પછી હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. હીટ સ્ટ્રોકમાં શરીરનું તાપમાન 40 ડિગ્રીથી વધુ થઈ શકે છે, જે મગજ, હૃદય અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગોને અસર પહોંચાડી શકે છે. સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે. ગરમીમાં ચક્કર આવવું, માથાનો દુખાવો, ઊલટી, વધુ પરસેવો, નબળાઈ, ગભરાટ અથવા બેહોશી જેવા લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. માનવ શરિર લગભગ 48 ડિગ્રી સેલ્સિયસ સુધીની સૂકી ગરમી થોડા સમય માટે સહન કરી શકે છે.

પરંતુ આ મર્યાદા પાર થતાં જ સ્કિન સેલ્સ પર અસર થવા લાગે છે. ચામડીમાં બળતરા, લાલાશ અને દુખાવો શરૂ થઈ શકે છે. જેમ જેમ તાપમાન વધે છે, તેમ ચામડીને નુકસાન થવાનો સમય ઘટતો જાય છે. જો 50 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમ સપાટી અથવા પાણી સાથે ચામડીનો સંપર્ક થાય તો લગભગ પાંચ મિનિટમાં ગંભીર બર્ન થઈ શકે છે. 55 ડિગ્રી પર માત્ર 10 સેકન્ડનો સંપર્ક પણ ચામડીને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.

વિશ્વ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર માત્ર એક સેકન્ડનો સંપર્ક પણ થર્ડ ડિગ્રી બર્નનું કારણ બની શકે છે. આ પ્રકારની ઈજામાં ચામડીના અંદરના સ્તરો સુધી નુકસાન પહોંચે છે અને ઘણી વખત સર્જરી અથવા સ્કિન ગ્રાફ્ટની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો: એવરેસ્ટ સર કર્યા બાદ બન્યા કાળનો કોળિયો : શિખર પર તિરંગો લહેરાવી પરત ફરતા બે ભારતીય પર્વતારોહકોના મોત

ભેજવાળી ગરમી કેમ વધુ ખતરનાક?

સૂકી ગરમીની સરખામણીએ ભેજવાળી ગરમી વધુ જોખમી માનવામાં આવે છે. ગરમ પાણી, સ્ટીમ અથવા વધુ ભેજવાળા વાતાવરણમાં ગરમી ઝડપથી ચામડીની અંદર સુધી પહોંચી જાય છે. પરિણામે ઓછી વારમાં જ ગંભીર બળતરા થઈ શકે છે. ખાસ કરીને રસોડામાં ઉકળતા પાણી, ગરમ તેલ અથવા સ્ટીમ સાથે કામ કરતી વખતે વધારે સાવધાની રાખવી જરૂરી બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં ચામડી વધુ સંવેદનશીલ હોવાથી તેઓ ઝડપથી બર્નનો શિકાર બની શકે છે. તાજેતરમાં દેશના અનેક શહેરોમાં રસ્તાઓ, વાહનોના મેટલ ભાગો અને બિલ્ડિંગની દિવાલો પણ અતિશય ગરમ થતી જોવા મળી રહી છે. બપોરના સમયમાં આવા ગરમ સપાટીઓને સ્પર્શ કરવાથી પણ ચામડીને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: સપનાનું ઘર હવે થશે સાકાર! : PM આવાસ યોજના 2.0 હેઠળ સરકાર આપશે 1 કરોડ ઘર, આ રીતે કરો ઓનલાઇન અરજી

હીટવેવ દરમિયાન કેવી રીતે રાખશો સુરક્ષા?

તબીબો હીટવેવ દરમિયાન બપોરે 12 થી 4 વાગ્યા સુધી સીધી ધૂપમાં બહાર ન નીકળવાની સલાહ આપે છે. શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે. ORS, લીંબુ પાણી, છાશ અને ફળોના રસ જેવી વસ્તુઓ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે. હળવા અને કોટનના કપડાં પહેરવા, માથું ઢાંકવું અને લાંબા સમય સુધી ગરમ વાહન અથવા બંધ જગ્યામાં ન રહેવું પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિમાં હીટ સ્ટ્રોકના લક્ષણો દેખાય તો તેને તરત ઠંડી જગ્યાએ લઈ જવો અને તાત્કાલિક મેડિકલ મદદ મેળવવી જોઈએ. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે ગરમી અને હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં લોકો માટે સાવચેતી જ સૌથી મોટું રક્ષણ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now