ભારતમાં એક વ્યક્તિ કેટલા બેંક એકાઉન્ટ ખોલી શકે તેની કોઈ કાનૂની મર્યાદા નથી, પરંતુ વધુ ખાતા રાખવાથી છુપાયેલા ચાર્જ, મિનિમમ બેલેન્સ અને સુરક્ષા જેવા પડકારો વધી શકે છે. આજના ડિજિટલ યુગમાં બેંક એકાઉન્ટ ખોલાવવું પહેલાં કરતાં ઘણું સરળ બની ગયું છે. હવે માત્ર મોબાઇલ ફોન અને જરૂરી દસ્તાવેજોની મદદથી ઘર બેઠા થોડા જ મિનિટોમાં નવું ખાતું ખોલી શકાય છે. આ સુવિધાના કારણે આજે મોટા ભાગના લોકો પાસે એક કરતાં વધુ બેંક ખાતાં હોય છે. કોઈ વ્યક્તિ પગાર મેળવવા માટે અલગ ખાતું રાખે છે, તો કોઈ બચત, રોકાણ અથવા ઘરખર્ચ માટે અલગ ખાતું ઉપયોગમાં લે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું વધુ બેંક ખાતાં રાખવું ખરેખર સમજદારી છે? શું તેના માટે કોઈ કાનૂની મર્યાદા છે? અને નાણાકીય આયોજનના દૃષ્ટિકોણથી એક વ્યક્તિ પાસે કેટલા બેંક ખાતા હોવા જોઈએ? આ પ્રશ્નોનો જવાબ જાણવો દરેક ખાતાધારક માટે જરૂરી છે.
બેંક ખાતા ખોલવાની કોઈ કાનૂની મર્યાદા નથી
ભારતમાં હાલમાં અમલમાં રહેલા બેંકિંગ નિયમો અનુસાર એક વ્યક્તિ કેટલા બેંક ખાતાં રાખી શકે તેની કોઈ નક્કી મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે, જો તમે તમામ જરૂરી કેવાયસી (KYC) પ્રક્રિયા પૂર્ણ કરો છો, તો તમારી જરૂરિયાત મુજબ વિવિધ બેંકોમાં અનેક બચત ખાતાં, કરંટ ખાતાં અથવા અન્ય પ્રકારના ખાતાં ખોલાવી શકો છો. ઘણા લોકો અલગ-અલગ હેતુઓ માટે જુદી જુદી બેંકો પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ એક બેંકમાં સેલેરી એકાઉન્ટ રાખે છે, બીજી બેંકમાં બચત ખાતું અને ત્રીજી બેંકમાં રોકાણ અથવા ઇમરજન્સી ફંડ માટે ખાતું રાખે છે. કાયદાકીય રીતે તેમાં કોઈ અડચણ નથી.
આ પણ વાંચો: Salary આવી ગઈ પણ PF જમા નથી થયું? : તરત કરો આ કામ આજે છેલ્લી તારીખ, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફાઈનાન્સ નિષ્ણાતો શું સલાહ આપે છે?
વ્યક્તિગત નાણાકીય આયોજન સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય વ્યક્તિ માટે બે થી ત્રણ બેંક ખાતાં પૂરતાં અને સૌથી વધુ ઉપયોગી ગણાય છે. તેનાથી નાણાંનું આયોજન સરળ બને છે અને તમામ વ્યવહારો પર નજર રાખવી પણ સરળ રહે છે. સૌપ્રથમ ખાતું પગાર અથવા વ્યવસાયમાંથી આવક મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય. આ ખાતામાંથી માસિક ખર્ચ, વીજળી-પાણીના બિલ, ઈએમઆઈ, વીમા પ્રીમિયમ અને અન્ય નિયમિત ચુકવણીઓ સરળતાથી કરી શકાય છે.
બીજું ખાતું બચત અને રોકાણ માટે રાખવું વધુ યોગ્ય માનવામાં આવે છે. આ ખાતામાં નિયમિત બચત જમા કરીને ભવિષ્યના લક્ષ્યો, જેમ કે બાળકોનું શિક્ષણ, ઘર ખરીદી અથવા નિવૃત્તિ માટે નાણાં એકત્રિત કરી શકાય છે. ઘણા નિષ્ણાતો આ ખાતાના ડેબિટ કાર્ડનો દૈનિક ઉપયોગ ટાળવાની પણ સલાહ આપે છે જેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહે. ત્રીજું ખાતું ઇમરજન્સી ફંડ માટે ઉપયોગી બની શકે છે. નોકરી ગુમાવવી, અચાનક સારવારનો ખર્ચ અથવા અન્ય આર્થિક સંકટ જેવી પરિસ્થિતિમાં આ ખાતામાં રાખેલી રકમ મોટી મદદરૂપ બની શકે છે.
વધુ બેંક ખાતાં રાખવાના ગેરફાયદા
એકથી વધુ બેંક ખાતાં હોવા કેટલાક સંજોગોમાં લાભદાયક બની શકે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ ખાતાં રાખવાથી અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. સૌથી મોટી સમસ્યા મિનિમમ બેલેન્સ જાળવવાની છે. ઘણી ખાનગી તેમજ કેટલીક સરકારી બેંકોમાં ખાતામાં ન્યૂનતમ રકમ જાળવવી ફરજિયાત હોય છે. જો ખાતાધારક આ શરત પૂર્ણ ન કરી શકે તો બેંક દંડ વસૂલે છે, જેના કારણે ધીમે ધીમે જમા રકમમાં ઘટાડો થવા લાગે છે.
બીજો મોટો મુદ્દો વિવિધ પ્રકારના સર્વિસ ચાર્જનો છે. દરેક ખાતા સાથે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી, એસએમએસ એલર્ટ ચાર્જ, ચેકબુક અથવા અન્ય બેંકિંગ સેવાઓ માટે અલગ-અલગ ફી લાગુ પડી શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે પાંચ કે છ ખાતાં હોય તો આ તમામ ચાર્જનો કુલ ખર્ચ વર્ષ દરમિયાન નોંધપાત્ર બની શકે છે.
આ પણ વાંચો: અમેરિકાના એક સમાચારથી શેરબજારમાં તેજીનો ધમાકો : સેન્સેક્સ-નિફ્ટીએ રોકાણકારોને કરાવ્યા માલામાલ





