અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 (બોઈંગ 787-8, VT-ANB) ટેકઓફના થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાનો શિકાર બની. આ ઘટનાએ ભારતના ઈતિહાસમાં સૌથી ઘાતક વિમાન દુર્ઘટનાઓમાંની એક તરીકે સ્થાન મેળવ્યું. આ હાદસામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી, જ્યારે 265થી વધુ લોકોના મોત થયા, જેમાં જમીન પર રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લેખમાં અમે આ દુ:ખદ ઘટનાનું વિગતવાર પોસ્ટમોર્ટમ કરીશું, જેમાં કૉન્ફિગરેશન એરરની ભૂમિકા અને અન્ય સંભવિત કારણોની ચર્ચા કરવામાં આવશે.
દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ
એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, જેણે 2013માં પ્રથમ ઉડાન ભરી હતી અને 2014માં એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું, અમદાવાદથી લંડન જવા માટે રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ટેકઓફ કર્યું. આ વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકોનો સમાવેશ થતો હતો. આ ફ્લાઈટનું સંચાલન કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર દ્વારા કરવામાં આવી રહ્યું હતું, જે બંને અનુભવી પાઈલટ્સ હતા. હવામાન સ્પષ્ટ હતું, પરંતુ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ હતું, જે ઉડાન માટે પડકારજનક સ્થિતિ ગણાય.
ટેકઓફની થોડી જ સેકન્ડોમાં, વિમાને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને 'મેડે' કોલ આપ્યો, જે એક જીવલેણ કટોકટીનો સંકેત હતો. આ પછી, ATC સાથેનો સંપર્ક તૂટી ગયો, અને વિમાન મેઘાનીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલના ડાઈનિંગ હોલ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું. આ અથડામણથી ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે વિમાનનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ ગયો. આ ઘટનામાં જમીન પર હાજર અનેક વિદ્યાર્થીઓ પણ દુર્ઘટનાનો ભોગ બન્યા.
કૉન્ફિગરેશન એરર: મુખ્ય કારણ
પ્રારંભિક તપાસ અને નિષ્ણાતોના અભિપ્રાયો અનુસાર, આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ટેકઓફ દરમિયાન થયેલી 'કૉન્ફિગરેશન એરર' હોવાનું માનવામાં આવે છે, જેની સંભાવના 70-80% જેટલી ગણવામાં આવે છે. આ એરરનો અર્થ એ છે કે વિમાનની સેટિંગ્સમાં ગંભીર ભૂલ થઈ, જેના કારણે ટેકઓફ દરમિયાન વિમાન યોગ્ય ઊંચાઈ અને ગતિ પ્રાપ્ત કરી શક્યું નહીં. આ ભૂલોમાં નીચેના પરિબળોનો સમાવેશ થઈ શકે છે:
ફ્લૅપ્સની ખોટી સેટિંગ: ફ્લૅપ્સ એ વિમાનના પાંખોના એવા ભાગો છે જે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન લિફ્ટ અને ડ્રેગને નિયંત્રિત કરે છે. જો ફ્લૅપ્સ યોગ્ય રીતે સેટ ન કરવામાં આવે, તો વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી શકે છે.
ઇંજનની ઓછી શક્તિ: ટેકઓફ માટે જરૂરી થ્રસ્ટ (ઇંજનની શક્તિ) ન પૂરી પડવાથી વિમાન યોગ્ય ગતિ અને ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યું નહીં.
જલદી રોટેશન: પાઈલટે વિમાનને ખૂબ જલદી ઊંચું ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોઈ શકે, જેના કારણે વિમાન 'સ્ટોલ'ની સ્થિતિમાં આવી ગયું, એટલે કે લિફ્ટ ગુમાવી દીધું.
લેન્ડિંગ ગિયરની સમસ્યા: નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વિમાનનું લેન્ડિંગ ગિયર ટેકઓફ પછી પણ નીચે જ રહ્યું હતું, જે સામાન્ય રીતે ઉપર ઉઠાવવામાં આવે છે. આનાથી વિમાનની ગતિ અને લિફ્ટ પર નકારાત્મક અસર પડી.
આ એરર ઉપરાંત 43 ડિગ્રી સેલ્સિયસના ઊંચા તાપમાને વધુ ઘાતક બનાવ્યું હોઇ શકે છે જેના કારણે હવાની ઘનતા ઓછી થઈ. જેથી વિમાન તેજ ગતિથી ઉપર જઇ શક્યું નહીં. ગરમ હવામાં ઇંજનની કાર્યક્ષમતા ઘટે છે અને લિફ્ટ પેદા કરવું વધુ મુશ્કેલ બને છે, જેના કારણે ઘટના વધુ ઘાતક બની હોવાની સંભાવના છે.
અન્ય સંભવિત કારણો
જોકે કૉન્ફિગરેશન એરરને મુખ્ય કારણ માનવામાં આવે છે, નિષ્ણાતોએ અન્ય સંભવિત કારણોની પણ ચર્ચા કરી છે:
ઇંજન ફેલ્યર (10-15% સંભાવના): ટેકઓફ દરમિયાન એક અથવા બંને ઇંજનમાં ખામી સર્જાઈ હોઈ શકે, જેના કારણે વિમાન યોગ્ય શક્તિ પ્રાપ્ત કરી શક્યું નહીં.
ગરમીથી સંબંધિત સમસ્યાઓ (5-10% સંભાવના): ઊંચા તાપમાને હવાની ઘનતા ઓછી થાય છે, જેના કારણે ઇંજનનું પ્રદર્શન અને લિફ્ટ ઘટે છે. આ પરિબળે કૉન્ફિગરેશન એરરની અસરને વધારી દીધી.
પાઈલટની ભૂલ: અનુભવી પાઈલટ્સ હોવા છતાં, ટેકઓફ પ્રક્રિયા દરમિયાન નિર્ણય લેવામાં ભૂલ થઈ હોઈ શકે, જેમ કે ખોટી ગણતરી અથવા પ્રોટોકોલનું પાલન ન કરવું.
દુર્ઘટનાની અસર
વિમાન મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજના ડાઈનિંગ હોલમાં અથડાયું, જ્યાં 60-80 વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા. આ અથડામણથી ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓના મોત થયા, જ્યારે અન્ય 10-12 વિદ્યાર્થીઓ આગમાં ગંભીર રીતે દાઝી ગયાં. દુર્ઘટનાસ્થળથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો, અને આગ નજીકની બિલ્ડિંગમાં પણ ફેલાઈ, જે ડોક્ટરોનું હોસ્ટેલ હતું.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, દુર્ઘટનામાં 204 મૃતદેહો મળ્યા, જ્યારે 41 લોકો ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એક માત્ર બચી ગયેલી વ્યક્તિ, વિશ્વાસકુમાર રમેશ, સીટ 11A પર બેઠેલી હતી, જે ઈમરજન્સી એક્ઝિટની નજીક હતી. તેમના ભાઈ, નયન રમેશે જણાવ્યું કે, ટેકઓફની 30 સેકન્ડોમાં જોરદાર અવાજ સંભળાયો અને બધું ખૂબ ઝડપથી થયું.
બચાવ કાર્ય અને સરકારી પ્રતિક્રિયા
દુર્ઘટનાની જાણ થતાં જ NDRF, CISF, ફાયર બ્રિગેડ, અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું, અને ભારતીય સેનાએ 130થી વધુ જવાનો, ડોક્ટરો અને પેરામેડિક્સને તૈનાત કર્યા. એર ઈન્ડિયાએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ગેટવિક એરપોર્ટ પર સહાય કેન્દ્રો ખોલ્યા, અને પીડિતોના પરિવારો માટે હેલ્પલાઈન નંબર (1800 5691 444 અને +91 8062779200) જાહેર કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને 'શબ્દોની બહાર હૃદયદ્રાવક' ગણાવી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેઓ આજે સવારે અમદાવાદ પહોંચવાના છે, જ્યાં તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે હશે. એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને પણ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી.





