હજુ તો એપ્રિલની શરૂઆત છે અને ગરમીએ અત્યારથી જ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી દિધી છે. તેવામાં દિલ્હી સહિત પાંચ રાજ્યોના 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. અને હજુ પણ હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી દિલ્હીમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. દિલ્હી ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના ઘણા ભાગોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં ઘટાડાને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે (સોમવાર) સવારે 8-10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે બપોર સુધીમાં ઘટીને 4-6 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.
બાડમેરમાં હીટવેવેવે બનાવ્યો રેકોર્ડ
રાજસ્થાનના બાડમેરમાં રવિવારે મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એપ્રિલના પહેલા અઠવાડિયામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જે સામાન્યથી 6.8 ડિગ્રી વધુ છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે 6થી 10 એપ્રિલ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ હીટવેવની સ્થિતિ રહેવાની ધારણા છે.
11 એપ્રિલ સુધીની આગાહી
7 એપ્રિલ: મહત્તમ 41 °C, લઘુત્તમ 21 °C
8 એપ્રિલઃ મહત્તમ 41 °C, લઘુત્તમ 22 °C
9થી 11 એપ્રિલ: મહત્તમ 40 °C, લઘુત્તમ 22 °C
પૂર્વીય રાજ્યોમાં ગરમીનું મોજું
10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશ (પૂર્વ ક્ષેત્ર) ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે પણ ચેતવણી જાહેર કરી છે.
લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ભારે પવન અને ભારે વરસાદને કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. બપોરે બહાર ન જવાની અને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.





