Home Gujarat Horrific Accident On Gondal Atkot Road

ગોંડલ-આટકોટ રોડ પર ભયાનક અકસ્માત : 8 ફૂટની ઊંચાઇથી કાર પુલ નીચે ખાબકી, આગના ગોળામાં ફેરવાઈ, ત્રણનાં મોત

ગોંડલ-આટકોટ રોડ પર ભયાનક અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 05:17 AM IST

ગોંડલ-આટકોટ રોડ પર આવેલા મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે આજે વહેલી સવારે એક ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ અને આશરે 8 ફૂટની ઊંચાઈથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

ગોંડલ-આટકોટ રોડ પર કાર અકસ્માત

આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે કારમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગ લાગતા કારના દરવાજા જામ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાર પુલ નીચે ઊંધી વળી આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેના કારણે અંદર સવાર એક બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. અકસ્માત બાદ કાર સંપૂર્ણ રીતે ભડથું થઈ ગઈ હતી અને તેમાં હાડપિંજર દેખાતા દૃશ્યો સામે આવ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પુલ નીચે કાર ઊંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈ

ઘટનાની જાણ થતાં સાણથલી 108 એમ્બ્યુલન્સને વહેલી સવારે કોલ કરવામાં આવ્યો હતો. સાથે જ ગોંડલ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ફાયર વિભાગ દ્વારા કારના જામ થયેલા દરવાજા ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now