Honda : ભારતીય પ્રીમિયમ મોટરસાઇકલ માર્કેટમાં હોન્ડાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ પોતાની લોકપ્રિય એડવેન્ચર ટૂરર, NX500 ને હવે ક્રાંતિકારી 'E-Clutch' ટેકનોલોજી સાથે લોન્ચ કરી છે. આ બાઇક ખાસ કરીને લાંબી મુસાફરીના શોખીનો અને શહેરના ટ્રાફિકમાં આરામદાયક રાઇડિંગ ઈચ્છતા યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. રૂ. 7.44 લાખની કિંમતે લોન્ચ થયેલી આ બાઇક હવે ટેકનોલોજી અને પાવરનું ઉત્તમ કોમ્બિનેશન પૂરું પાડે છે.
શું છે આ 'E-Clutch' ટેકનોલોજી?
હોન્ડાની આ નવી ઇ-ક્લચ સિસ્ટમ મોટરસાઇકલ જગતમાં એક મોટો બદલાવ છે. આ સિસ્ટમમાં બે ઇલેક્ટ્રોનિક એક્ટ્યુએટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગિયર બદલતી વખતે ક્લચને આપમેળે સંભાળી લે છે. જ્યારે તમે ગિયર પેડલ દબાવો છો, ત્યારે કમ્પ્યુટર નક્કી કરે છે કે, ક્લચને ક્યારે અને કેટલો રિલીઝ કરવો. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, ભારે ટ્રાફિકમાં તમારે વારંવાર ક્લચ દબાવવાની મહેનત કરવી પડશે નહીં. જો તમે બાઇકને ઊભી રાખો છો, તો એન્જિન બંધ પણ નહીં થાય અને તમે સીધા ગિયર બદલીને બાઇક આગળ વધારી શકશો. સૌથી સારી વાત એ છે કે, જો કોઈ રાઇડરને જૂની પદ્ધતિથી ક્લચ વાપરવો હોય, તો તે મેન્યુઅલ ક્લચ લીવરનો ઉપયોગ પણ કરી શકે છે.
ડિઝાઇન અને મજબૂતી
NX500 ઇ-ક્લચ એડિશનની ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી, કારણ કે તેની મૂળ ડિઝાઇન પહેલેથી જ ઘણી પ્રભાવશાળી છે. જોકે, નવી ઇ-ક્લચ સિસ્ટમને કારણે બાઇકના એન્જિન કેસિંગમાં થોડો ફેરફાર થયો છે અને તેનું કુલ વજન 3 કિલો વધીને હવે 199 કિલોગ્રામ થયું છે. આ બાઇક લુકમાં ખૂબ જ મોડર્ન અને ટફ દેખાય છે, જે રસ્તા પર એક અલગ જ ઓળખ ઊભી કરે છે.
એન્જિન પરફોર્મન્સ અને પાવર
મેકેનિકલ રીતે આ બાઇક પહેલા જેટલી જ પાવરફૂલ છે. તેમાં 471cc નું પેરેલલ-ટ્વીન, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,500 rpm પર 47 હોર્સપાવરનો મહત્તમ પાવર અને 6,500rpm પર 43Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન પોતાની સ્મૂથનેસ અને રિફાઇનમેન્ટ માટે જાણીતું છે. હાઇવે પર 100-120 કિમીની ઝડપે આ બાઇક કોઈ પણ જાતના વાઇબ્રેશન વગર લાંબો સમય ચાલી શકે છે.
સસ્પેન્શન અને ટાયર
એડવેન્ચર બાઇક હોવાને કારણે હોન્ડાએ આમાં શાનદાર સસ્પેન્શન સેટઅપ આપ્યું છે. આગળના ભાગમાં શોવા (Showa) ના અપસાઇડ-ડાઉન (USD) ફોર્ક્સ છે, જે ઉબડ-ખાબડ રસ્તાઓ પર ઉત્તમ શોક એબ્સોર્બશન પૂરું પાડે છે. પાછળના ભાગમાં એડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન છે. ટાયરની વાત કરીએ તો, તેમાં આગળ 19-ઇંચ અને પાછળ 17-ઇંચના હળવા વજનના એલોય વ્હીલ્સ છે, જે તેને ઓફ-રોડિંગ અને ઓન-રોડ હાઇવે રાઇડિંગ બંને માટે બેલેન્સ બનાવે છે.
એક વર્ષમાં 270% સુધી વધ્યું આ બાઈકનું વેચાણ: જાણો કેમ છે આટલો ક્રેઝ?
બ્રેકિંગ અને સેફ્ટી ફીચર્સ
સુરક્ષાની દ્રષ્ટિએ NX500 માં ડ્યુઅલ-ચેનલ ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે. આગળના વ્હીલમાં 296 mm ની બે ડિસ્ક બ્રેક્સ છે જેમાં નિસિન કેલિપર્સનો ઉપયોગ થયો છે, જ્યારે પાછળ 240 mm ની સિંગલ ડિસ્ક છે. આ સિવાય બાઇકમાં હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) એટલે કે ટ્રેક્શન કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે, જેને રાઇડર પોતાની જરૂરિયાત મુજબ બંધ પણ કરી શકે છે.
Hunter 350, Classic 350 અને CB350 માંથી કઈ બાઇક તમારા માટે બેસ્ટ?: 350cc સેગમેન્ટમાં કઈ બાઇક ખરીદવી છે?
ટેકનોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
બાઇકમાં 5-ઇંચની ફૂલ-કલર TFT સ્ક્રીન આપવામાં આવી છે. આ સ્ક્રીન ઓપ્ટિકલ બોન્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેના કારણે તેજ સૂર્યપ્રકાશમાં પણ ડિસ્પ્લે એકદમ ક્લિયર દેખાય છે. આમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળે છે, જેના દ્વારા તમે નેવિગેશન અને કોલ એલર્ટ્સ મેળવી શકો છો. જોકે, હોન્ડાએ આમાં રાઇડ-બાય-વાયરને બદલે હજુ પણ કેબલ-ઓપરેટેડ થ્રોટલ રાખ્યું છે, જે જૂની અને ભરોસાપાત્ર પદ્ધતિ છે.





