Gujarat ANTF : ગુજરાતમાં નશીલા પદાર્થના વેચાણને રોકવા માટે સરકાર અને ગૃહ વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની રચનાની તૈયારીઓને વધુ તેજ બનાવી છે. આ વિશેષ ફોર્સ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 63 પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. આ તમામ પોલીસ કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓ સામે 10 ડિસેમ્બરે રૂબરૂ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના માટે તૈયારીઓ તેજ
આ ફોર્સની રચનાનો મુખ્ય હેતુ રાજ્યમાં વધતા નશાના નેટવર્ક, સપ્લાય ચેઇન અને સંગઠિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અસરકારક રીતે કાબૂમાં લેવાનો છે. પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતા જ પસંદ કરાયેલા જવાનોના આધારે ANTF ને પૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે. ફોર્સ સક્રિય બન્યા પછી નશીલા પદાર્થોના ખરીદ-વેચાણમાં સંકળાયેલા ગેંગ્સ પર નિયંત્રણ લાવવામાં પોલીસને મોટું સહકાર મળશે.
નશા મુદ્દે રાજકીય ગરમાવો
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નશા મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકાર અને પોલીસ પર નશીલા પદાર્થોના વેચાણને લઈને આક્ષેપ કરી રહી છે. આવી સ્થિતિમાં ગૃહ વિભાગ દ્વારા ANTF ની રચનાની પ્રક્રિયા ગતિ તેજ આપી છે. નશાના માળખાને તોડવા માટેનો મહત્વનો અને સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.






