પંચમહાલ જિલ્લામાં આવેલી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી હેઠળ લેવામાં આવેલી B.Com સેમેસ્ટર-4ની પરીક્ષામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સોમવાર, 30 માર્ચે યોજાયેલી બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં ખોટા સેમેસ્ટરના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓમાં ભારે ગૂંચવણ અને અસંતોષ ફેલાયો હતો.
SEM-4 ની પરીક્ષામાં SEM-2 ના પ્રશ્નો
મળતી માહિતી મુજબ, પરીક્ષા શરૂ થયા પછી થોડા જ સમયમાં વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યું કે પ્રશ્નપત્રમાં આપેલા પ્રશ્નો તેમના સેમેસ્ટર-4ના અભ્યાસક્રમ મુજબ નહોતા. બદલે તેમાં સેમેસ્ટર-2ના પ્રશ્નો સામેલ હતા. આ બાબતે વિદ્યાર્થીઓએ તરત જ સુપરવાઇઝરને જાણ કરતાં મામલો ગંભીર બન્યો અને પરીક્ષા પ્રક્રિયા તાત્કાલિક રોકવી પડી હતી.
આ ઘટના ખાસ કરીને કાલોલની એમ.એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સામે આવી હતી, જ્યાં ગડબડ વધુ સ્પષ્ટ બની હતી. કોલેજ તંત્ર દ્વારા યુનિવર્સિટી અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને યુનિવર્સિટીએ તાત્કાલિક જૂના પ્રશ્નપત્ર પાછા મંગાવી લીધા અને નવી સેટ તૈયાર કરીને ઇમેઇલ મારફતે મોકલાવ્યા.
નવું પેપર પૂર્ણ કરવા માટે બે કલાકનો વધારાનો સમય
ત્યારબાદ કોલેજ દ્વારા નવા પ્રશ્નપત્રોની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને ફરીથી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પરીક્ષાના સમયપત્રકમાં વિક્ષેપ સર્જાયો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવો પડ્યો હતો. વિદ્યાર્થીઓને નવું પેપર પૂર્ણ કરવા માટે બે કલાકનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ સિટી! : વિશ્વસ્તરીય સુવિધાઓ હવે પૂર્વ અમદાવાદના આંગણે
"આ ઘટના પેપર લીક સાથે સંબંધિત નથી." : કોલેજના સિનિયર સુપરવાઇઝર
કોલેજના સિનિયર સુપરવાઇઝર ડો. હરેશ સુથારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે "આ ઘટના પેપર લીક સાથે સંબંધિત નથી. તેમના મુજબ, સિલેબસમાં થયેલા ફેરફાર અથવા પ્રિન્ટિંગ દરમિયાન થયેલી ભૂલને કારણે આ ગડબડ સર્જાઈ હોવાની શક્યતા છે. પ્રશ્નપત્રનું મથાળું, તારીખ અને સમય બરાબર હતા, પરંતુ અંદરના પ્રશ્નોમાં જ ભૂલ જોવા મળી હતી."
આ બનાવને પગલે યુનિવર્સિટીના પરીક્ષા વ્યવસ્થાપન પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.





