રાજ્યમાં પોલીસ સ્ટેશનોની કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તેમજ અરજદારોની રજૂઆતોનું યોગ્ય અને સમયસર નિરાકરણ થાય તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાજ્યના દરેક જિલ્લામાં IG અને DIG કક્ષાના અધિકારીએ તેઓને ફાળવવામાં આવેલા જિલ્લાની વર્ષ દરમિયાન દર મહિને બે (02) દિવસ માટે ફરજિયાત મુલાકાત લેવાની રહેશે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ અરજદારઓનો રૂબરૂ સંપર્ક કરવો અને તેમની ફરિયાદો તથા રજૂઆતોનું યોગ્ય અને સમયસર નિવારણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી પડશે.
ગૃહ વિભાગને અહેવાલ પાઠવવાનો રહેશે
પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મુલાકાત દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને લેવાયેલા પગલાં અંગેનો વિગતવાર અહેવાલ પોલીસ મહાનિદેશક તેમજ મુખ્ય પોલીસ અધિકારી મારફતે ગૃહ વિભાગને પાઠવવાનો રહેશે.
આ સાથે જ ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રેન્જ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનો માટે દર મહિને સમાન પ્રકારની કાર્યવાહી કરવી ફરજિયાત રહેશે.
ગૃહ વિભાગના આ પરિપત્રથી પોલીસ અને નાગરિકો વચ્ચે સીધો સંપર્ક વધશે તેમજ ફરિયાદોનું નિરાકરણ વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણો પરિપત્રમાં જણાવ્યા મુજબ શું કામગીરી કરવાની રહેશે?
માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરીએ મોકલી આપવાનો રહેશે.
સંબંધિત અધિકારીશ્રીએ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લેવી નહી.
સંબંધિત કચેરીમાં માન. મુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભ (PG Portal, SWAGAT 2.0 Escalation Matrix, MP-MLA Reference, CMO Swagat Reference સહિત), માન.નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભ, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના રેફરન્સ, પોલીસ અધિક્ષકની કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ
અરજદારઓની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ થયેલ છે કે કેમ? તે જોવાનું રહેશે તેમજ દફતરે થયેલ અરજીઓ પૈકી ૧૦ થી ૧૫ અરજદારશ્રીઓને રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે.
દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આ મુજબ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે.
ઉક્ત વીઝીટ અંગેની સૂચના સંબંધિત પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને મોકલી આપવાનો રહેશે. સદરહુ અહેવાલમાં આપેલ સૂચનાનું અચૂક પાલન થયું છે તેની સમીક્ષા આગામી રૂબરૂ મુલાકાત દરમિયાન કરવાની રહેશે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તેઓને મળેલ તમામ અહેવાલોની ચકાસણી કરી તેઓના રીમાર્કસ સહિત સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને મોકલી આપવાનો રહેશે.
રેન્જ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્રના પોલીસ સ્ટેશનો માટે દર માસે સમાન પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે.
જુઓ ક્યાં અધિકારી ક્યાં જિલ્લામાં જશે?




















