સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ડૉ આંબેડકર પર વિવાદિત ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યોં છે. જેને લઈને આજે સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન BJP સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેના જવાબદાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ગણાવ્યા.
એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપના એક સાંસદને ધક્કો માર્યો હતો, જે પ્રતાપ સારંગી પર પડ્યો હતો, જે બાદ તેઓ નીચે પડી ગયા જેને પગલે માથાના ભાગે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે BJP સાંસદ સારંગીએ દાવો કર્યો કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો હતો, જે મારા પર પડ્યો હતો. આ ઘટનાને કારણે તે પણ નીચે પડી ગયા હતા.
ત્યારે આ મામલે લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજૂ કરતા આ ઘટના અંગે સ્પષ્ટતા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સંસદના પ્રવેશદ્વારથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે મને ભાજપના સાંસદોએ મને રોકવા, ધક્કો મારવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ ઘટના બની છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને પણ ધક્કો મારવામાં આવી રહ્યો છે, પરંતુ ધક્કામુક્કીની અમને કોઈ અસર થઈ નથી, પરંતુ આ પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. ભાજપના સાંસદ અમને અંદર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.






