2025ના વર્ષમાં અમેરિકા પર જાણે ઘાત બેઠી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હવાઈ દુર્ઘટના ઘટી રહી છે. હવે ન્યુયોર્ક શહેરમાં ગુરુવારે (10 એપ્રિલ) એક પ્રવાસી હેલિકોપ્ટર હડસન નદીમાં ક્રેશ થયું હતું. રોઇટર્સના અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકો પણ હતા.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો સ્પેનના એક જ પરિવારના હતા અને હેલિકોપ્ટર પાઇલટ પણ તેમની સાથે હતો. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓનું પણ બાદમાં મોત થયું હતું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો
દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "હડસન નદીમાં એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના થઈ છે. એવું લાગે છે કે પાયલોટ, બે પુખ્ત અને ત્રણ બાળકો સહિત છ લોકો હવે આપણી વચ્ચે નથી. અકસ્માતનો વીડિયો ખૂબ જ ડરામણો છે."
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ' પર લખ્યું, "ભગવાન પીડિતોના પરિવારજનો અને મિત્રોને શક્તિ આપે. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફી અને તેમની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ ખબર પડશે કે આ દુર્ઘટના કેવી રીતે અને શા માટે થઈ."
પોલીસ કમિશનરે જણાવ્યું કેવી રીતે બની ઘટના?
ન્યૂયોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશના જણાવ્યા અનુસાર, આ બેલ 206 હેલિકોપ્ટર ન્યૂયોર્ક હેલિકોપ્ટર ટુર્સ કંપનીનું હતું. હેલિકોપ્ટરે બપોરે 3 વાગ્યે શહેરના એક હેલિકોપ્ટર પેડ પરથી ઉડાન ભરી હતી. અને હડસન નદી પર ઉત્તર તરફ પ્રયાણ કર્યું.
ટિશે કહ્યું કે જ્યારે હેલિકોપ્ટર જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પાસે પહોંચ્યું ત્યારે તે દક્ષિણ તરફ વળ્યું અને થોડીવાર પછી અકસ્માત થયો. બપોરે લગભગ 3:15 વાગ્યે, તે પલટી ગયું અને લોઅર મેનહટન નજીક નદીમાં પડી ગયું.





