logo-img
Healthy Land Healthy Fields 219 Crore Farmers Of Gujarat Received Soil Health Cards

‘સ્વસ્થ ધરા, ખેત હરા’ : ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ

‘સ્વસ્થ ધરા, ખેત હરા’
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 11:35 AM IST

Soil Health Card Scheme Gujarat: ગાંધીનગર 17 ફેબ્રુઆરી 2026: ગુજરાતના સર્વાંગી વિકાસમાં કૃષિ વિકાસ એક મહત્વપૂર્ણ પાયો છે. રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. જો ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી ન થાય, તો તે ઉજ્જડ બનતી જાય છે. જમીન ઉજ્જડ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે પ્રદૂષણ, જમીનમાં વધતી ખારાશ અને રસાયણિક ખાતર તથા દવાઓનો અતિશય ઉપયોગ. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.

પ્રધાનમંત્રીની દૂરંદેશી પહેલને આગળ ધપાવી અને વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવાની દિશામાં સદૈવ અગ્રેસર રહેલુ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગૂ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

શું છે સોઇલ હેલ્થ કાર્ડ ?

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં, નમૂનાનું પૃથ્થકરણ કરીને, સોફ્ટવેર આધારિત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોની માત્રા દર્શાવે છે, જેમાં હાલ કુલ 12 તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn, OC, S, B, Mn) નું પ્રમાણ દર્શાવવામાં આવે છે. જેને આધારે ખેડૂતોને ક્યાં પ્રકારના ખાતર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તેની વૈજ્ઞાનિક ભલામણ સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે મળી શકે છે. આ પ્રક્રિયાથી બિનજરૂરી કેમિકલયુક્ત ખાતરોના અતિશય ઉપયોગ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં સહાય મળે છે.

ગુજરાતમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનું વ્યાપક અમલીકરણ

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વર્ષ 2003-04માં લોન્ચ થયેલી આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને તેમની જમીનની સ્થિતિ અંગે વ્યાપક માહિતી પૂરી પાડીને તેમને સશક્ત કરવાનો હતો. યોજના લાગુ કર્યા પછી, SHC યોજનાનો પ્રથમ તબક્કો 2003-04થી 2010-11 દરમિયાન અને બીજો તબક્કો 2011-12થી 2015-16 દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ગુજરાતના 43.03 લાખથી વધુ ખેડૂતોને અને દ્વિતીય તબક્કામાં આશરે 46.92 લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે આપવામાં કરવામાં આવ્યા. ગુજરાતમાં મળેલી સફળતા બાદ વર્ષ 2015-16માં PM નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” અમલમાં મૂકી હતી. જે અંતર્ગત તૃતીય તબક્કામાં વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં ભારત સરકારની યોજના હેઠળ રાજ્યના 1.25 કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.

છેલ્લા એક દાયકામાં આ યોજનાને કારણે ખેડૂતો તેમની જમીનમાં રહેલી મુખ્ય ખામીઓથી વાકેફ થયા છે અને સાથે જ સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરોનો ઉપયોગ પણ વધાર્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા શહેરમાં રહેતા બાબુભાઈ વસરામ પટેલ નામના ખેડૂતે જણાવ્યું કે SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેને અનુસરવાને પરિણામે તેમને ખાતરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી હતી. આ પહેલથી તેમને પાકની વધુ સારી ઉપજ મળી અને ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો.

સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સરકાર પ્રયત્નશીલ

વર્ષ 2024-25માં SHC પોર્ટલ ના આધારે 6,23,844 માટીના નમૂનાઓ ઓનલાઈન એકત્રિત કરવામાં આવ્યા હતા અને 6,23,295 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26 માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો લક્ષ્યાંક 6,25,513 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, કારણકે સુધીમાં 6,13,355 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે, જે પૈકી 4,86,142 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. બાકીના નમૂનાઓની પરીક્ષણની કામગીરી પ્રગતિમાં છે.

આ લક્ષ્યાંકોને પહોંચી વળવા તેમજ સમયસર પૃથ્થકરણ કરીને સોઈલ હેલ્થ કાર્ડનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા માટે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સરકારના પ્રયાસો ચાલુ છે. જમીનના નમૂનાના પૃથ્થકરણ માટે અત્યારે ગુજરાતમાં કુલ 19 જમીન ચકાસણી પ્રયોગશાળા તેમજ ૦૧ એક સૂક્ષ્મ તત્વ ચકાસણી પ્રયોગશાળા કૃષિ વિભાગ હેઠળ કાર્યરત છે. દરેક લેબોરેટરીની વાર્ષિક 10,000-11,000 નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા છે. આ ક્ષમતા વધારવા માટે સરકારી સહાયથી 26 ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી એટલે કે ગ્રામ્ય સ્તરની લેબોરેટરી પણ સ્થાપિત કરવામાં આવી છે. દરેક ખાનગી લેબોરેટરી પણ વાર્ષિક 3,000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે.  

સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં, જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદકતા વધારવા અને તેમની જમીનને અનુરૂપ પાક ઉગાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ઇનપુટ ખર્ચ ઘટાડે છે, આર્થિક વળતરમાં વધારો કરે છે અને ખેતી પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now