Home Gujarat Health Minister Gujarat Pregnant Mother Political Offbeatstories

આરોગ્ય મંત્રીનાં અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક : રાજ્યની સગર્ભા બહેનોનાં તંદુરસ્ત સ્વાસ્થ માટે સરકાર હંમેશા તત્પર

આરોગ્ય મંત્રીનાં અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 01:56 PM IST

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ખૂબ જ જરૂરી  છે. ગરીબ સગર્ભા માતાઓની ચિંતા કરતાં મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર ગરીબ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે હંમેશા તત્પર છે. આજે બાળલગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજોએ પણ આ અંગે જાગૃતિ લાવવા માટે જોડાવું પડશે.

આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, કિશોરોમાં પ્રજનન, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને એનિમિયાને અટકાવવા માટે કિશોર આરોગ્ય કાર્યક્રમોને વધુ મજબૂત બનાવવા જોઈએ. મંત્રીએ એનિમિયા અને કુપોષણનો કુદરતી રીતે સામનો કરવા માટે CHCs, PHCs અને AAM (આયુષ્યમાન આરોગ્ય મંદિર) કેન્દ્રો પર સરગવાના વૃક્ષો વાવવાની ભલામણ કરી હતી.

તેમજ સ્વ-સહાય જૂથો-SHGsને એનિમિયા જાગૃતિ કાર્યક્રમોના આયોજન માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં લોહીની અછતને દૂર કરવા માટે દરેક જિલ્લાને લોહી સંગ્રહ માટે લક્ષ્યાંકો આપવા જોઈએ જેથી પૂરતો પુરવઠો સુનિશ્ચિત થાય તેમજ ખાનગી બ્લડ બેંકો સાથે સહયોગ મજબૂત બનાવવો જોઈએ અને ખાનગી સંસ્થાઓને સ્વૈચ્છિક રક્તદાન વધારવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત આરોગ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અર્બન હેલ્થ કમિશ્નર હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશ્નર રતનકંવરબા ગઢવી, કમિશ્નર-આઈસીડીએસ, રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર-સમગ્ર શિક્ષા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ડિલિવરી બાદ પ્રટોકોલ સેટ કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કિશોરોમાં એનિમિયાને અટકાવવા માટે આયર્ન અને ફોલિક એસિડ ગોળીઓનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર શિક્ષકોને સતત પ્રોત્સાહિત કરવા જોઈએ. ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સએ માત્ર એનિમિયા અને કુપોષણનું નિદાન જ ન કરવું જોઈએ, પરંતુ વિવિધ ક્ષેત્રની મુલાકાત દરમિયાન તાત્કાલિક સારવાર પણ આપવી જોઈએ. તેમણે માતાઓની ડિલિવરી પછીની સંભાળ માટે એક પ્રમાણભૂત પ્રોટોકોલ સેટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now