Home National Hamza Burhan Ki L L Ed In Pakistan Pulwama Mastermind

પુલવામાના માસ્ટરમાઇન્ડનો ખાતમો : પાકિસ્તાનમાં હમઝા બુરહાનની ગોળી મારી હત્યા

પુલવામાં હુમલાના માસ્ટરમાઈન્ડના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 21, 2026, 10:01 AM IST

પુલવામા આતંકી હુમલાના કથિત માસ્ટરમાઈન્ડ ગણાતા આતંકી હમજા બુરહાન ઉર્ફે ‘ડોક્ટર’ની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. માહિતી મુજબ પાક અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલામાં હમજાનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હમજા બુરહાન તે સમયે પોતાના ઓફિસમાં હાજર હતો, ત્યારે કેટલાક શખ્સો ત્યાં પહોંચ્યા અને નજીકથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીબાર એટલો જોરદાર હતો કે તેને બચાવવાની કોઈ તક મળી નહોતી. હાલ સુધી હુમલાખોરોની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને સ્થાનિક સ્તરે પણ ઘટનાને લઈને સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો: શું Ola-Uberની કેબ અને ઓટો બુક થઈ રહ્યા છે કે નહીં : ડ્રાઇવરો 3 દિવસની હડતાળ પર ઉતર્યા, જાણો કારણ

પુલવામા હુમલાના કાવતરામાં હતો સામેલ

હમજા બુરહાનનું નામ 14 ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકી હુમલાના કાવતરાખોરોમાં લેવામાં આવતું હતું. આ હુમલો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સીઆરપીએફના કાફલા પર કરવામાં આવ્યો હતો. આતંકી આદિલ અહમદ ડારે વિસ્ફોટકોથી ભરેલી SUV બસ સાથે અથડાવી દેતાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા અને અનેક ઘાયલ બન્યા હતા.

આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ લીધી હતી. આ ઘટના બાદ ભારતભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સુરક્ષા એજન્સીઓએ આતંકી નેટવર્ક સામે કાર્યવાહી તેજ કરી હતી.

મળતી માહિતી મુજબ હમજા બુરહાન મૂળ કાશ્મીરના પુલવામા જિલ્લાના રતનીપોરા વિસ્તારનો રહેવાસી હતો. વર્ષ 2017 દરમિયાન તે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાયા બાદ પાકિસ્તાન ભાગી ગયો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ “ટીચર” તરીકે ઉભી કરી હતી, પરંતુ ગુપ્ત રીતે આતંકી ગતિવિધિઓમાં સક્રિય રહ્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોમાં યુનિફોર્મ થશે ફરજિયાત : UPનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યો આદેશ, જાણો નિર્ણયનું કારણ

પીઓકેમાં આતંકી તાલીમ અને ઘુસણખોરીમાં ભૂમિકા

સુરક્ષા સૂત્રોના દાવા અનુસાર હમજા બુરહાન પાક અધિકૃત કાશ્મીર વિસ્તારમાં વિવિધ આતંકી સંગઠનોને તાલીમ આપતો હતો. સાથે જ સરહદી વિસ્તારોમાં આતંકીઓને ભારતમાં ઘુસાડવા માટે પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. એવું પણ કહેવાય છે કે તે યુવાનોને ઉશ્કેરીને કટ્ટરપંથી માર્ગ તરફ દોરી જતો હતો.

સૂત્રો મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા તેને ઓફિસ અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેના સુરક્ષામાં 24 કલાક AK-47થી સજ્જ ગનરો તૈનાત રહેતા હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે.

હાલ તેની હત્યા પાછળ કોણ જવાબદાર છે તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જોકે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને પીઓકે વિસ્તારમાં અનેક આતંકી સંગઠનો સાથે જોડાયેલા લોકો પર રહસ્યમય હુમલાઓ થતા રહ્યા છે, જેના કારણે સુરક્ષા પરિસ્થિતિને લઈને ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો: PM મોદી-અમિત શાહને 'ગદ્દાર' ગણાવતા નિવેદન પર રાહુલ ગાંધી મુશ્કેલીમાં : દિલ્હીમાં ફરિયાદ દાખલ

પુલવામા બાદ ભારતનું બાલાકોટ એર સ્ટ્રાઈક

પુલવામા હુમલાના 12 દિવસ બાદ ભારતે મોટું સૈન્ય પગલું ભર્યું હતું. 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેના એ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બાલાકોટ વિસ્તારમાં આવેલા આતંકી તાલીમ કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતે દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા.

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાએ ભારે ધ્યાન ખેંચ્યું હતું. પુલવામા હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં ભારત પર થયેલા સૌથી ઘાતક આતંકી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.

હમજા બુરહાનના મોતના અહેવાલ બાદ સુરક્ષા વર્તુળોમાં ફરી આતંકી નેટવર્ક અને પાક અધિકૃત કાશ્મીરની પ્રવૃત્તિઓને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now