Home Gujarat Hakabha Gadhvi Live Clarification Farmer Protest Audio Controversy

'2 કરોડની વાત મેં જાતે જ કરી હતી, ઓડિયો પણ મેં જ જાહેર કર્યો' : ખેડૂતોના આંદોલન વિવાદમાં હકાભા ગઢવીનો મોટો ખુલાસો, નિલેશ એરવાડિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

હકાભા ગઢવી
Play Video
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 12:11 PM IST

ખેડૂતોના આંદોલન દરમિયાન વાયરલ થયેલા ઓડિયો અને ત્યારબાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે લોકગાયક હકાભા ગઢવીએ સોશિયલ મીડિયા પર લાંબું લાઈવ કરીને પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે. લાઈવની શરૂઆતમાં તેમણે કહ્યું કે અત્યાર સુધી આ મુદ્દો ખેડૂતોના આંદોલનનો હતો, પરંતુ હવે આ તેમની પ્રતિષ્ઠા અને આબરૂનો પ્રશ્ન બની ગયો હોવાથી તેઓ સત્ય લોકો સમક્ષ મૂકવા આવ્યા છે.

હકાભા ગઢવીએ કહ્યું કે તેઓ વર્ષમાં ભાગ્યે જ એકાદ-બે વખત લાઈવ આવે છે, પરંતુ આ વખતે પોતાના પર થયેલી ગેરસમજ દૂર કરવી જરૂરી હોવાથી તેમણે લોકો સમક્ષ ખુલાસો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે દાવો કર્યો કે તેમના વિશે લોકોના મનમાં જે ગેરસમજ ઊભી થઈ છે, તે આજે દૂર થઈ જશે.

'ખેડૂતો માટે મફતમાં ગયો હતો, એક રૂપિયો પણ લીધો નથી'

હકાભા ગઢવીએ જણાવ્યું કે જેતપુરના ખેડૂતોના આંદોલન દરમિયાન યોજાયેલા ડાયરામાં તેઓ નિલેશ એરવાડિયાના આમંત્રણથી ગયા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોના સમર્થનમાં મફતમાં કાર્યક્રમ કરવાની વાત તેમણે ચાર મહિના પહેલાં જ કરી હતી અને તે વચન પૂરું કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા.

તેમણે દાવો કર્યો કે ડાયરામાં હાજરી આપવા બદલ તેમણે એક રૂપિયો પણ લીધો નહોતો. તેમનો હેતુ માત્ર ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવવાનો હતો. તેમણે ઉમેર્યું કે તેમને પૈસાની જરૂર નહોતી અને પ્રતિષ્ઠા પણ પહેલેથી જ હતી.

જો કે, તેમણે સ્વીકાર્યું કે તેમનો એક નાનો સ્વાર્થ જરૂર હતો. તેમના શબ્દોમાં, "મને લાગતું હતું કે ખેડૂતો માટે ઉભો રહીશ તો કદાચ પાંચ કાર્યક્રમ વધુ મળશે. એ મારી મહેનતની કમાણી છે, તેમાં કોઈ ખોટો સ્વાર્થ નહોતો."

આ પણ વાંચો: અમદાવાદમાં ₹400ના નકલી PAN કાર્ડથી આધાર-પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ : SOGએ મુળ UPના શખ્સની કરી ધરપકડ

નિલેશ એરવાડિયા સામે ગંભીર દાવા

હકાભા ગઢવીએ લાઈવ દરમિયાન દાવો કર્યો કે ડાયરો પૂર્ણ થયા બાદ પેટ્રોલ પંપ પાસે તેમની અને નિલેશ એરવાડિયાની મુલાકાત થઈ હતી. તેમના જણાવ્યા મુજબ, આ દરમિયાન સરકાર સાથેની ચર્ચા અને આંદોલન અંગે વાતચીત થઈ હતી.

હકાભા ગઢવીએ દાવો કર્યો કે આ મુલાકાત દરમિયાન નિલેશ એરવાડિયાએ તેમને કહ્યું હતું કે "સરકાર પાસે જવું પડે એ સાચું છે, પણ આપણને મળે શું?" ત્યારબાદ તેમના જણાવ્યા મુજબ 25 કરોડ રૂપિયાની ચર્ચા થઈ હતી અને તેમાં એક કરોડ રૂપિયા હકાભાને તથા બાકીની રકમ પોતે રાખવાની વાત કરવામાં આવી હતી. હકાભાએ કહ્યું કે તે સમયે તેઓ ચોંકી ગયા હતા અને તેમને સમજાઈ ગયું હતું કે કંઈક ગડબડ થઈ રહી છે.

તેમણે દાવો કર્યો કે ગાડીમાં બેઠા હોવાથી તેઓ તે સમયે વાતચીતનું રેકોર્ડિંગ કરી શક્યા નહોતા, પરંતુ ત્યારબાદ તેમને આખી રાત ઊંઘ આવી નહોતી કારણ કે તેમને લાગ્યું હતું કે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

'2 કરોડની વાત મેં જાતે જ કરી હતી'

હકાભા ગઢવીએ પોતાના લાઈવમાં સૌથી મહત્વનો ખુલાસો કરતાં કહ્યું કે વાયરલ થયેલા ઓડિયોમાં જે 2 કરોડ રૂપિયાની વાત છે, તે તેમણે જાતે જ શરૂ કરી હતી.

તેમણે કહ્યું કે તેમનો હેતુ કોઈ સોદો કરવાનો નહોતો, પરંતુ સામેની વ્યક્તિની વાસ્તવિકતા બહાર આવે તે માટે તેમણે નાટકીય રીતે ફોન કર્યો હતો.

હકાભાના જણાવ્યા મુજબ, તેમણે નિલેશ એરવાડિયાને ફોન કરીને કહ્યું હતું કે "મેં એક જગ્યાએ વાત કરી છે. સરકાર સુધી પહોંચવા માટે 2 કરોડ રૂપિયા લાગશે. એક કરોડ તમારા અને એક કરોડ મારા."

તેમણે દાવો કર્યો કે સામેની વ્યક્તિએ આ વાતનો વિરોધ કર્યો નહોતો અને આગળની પ્રક્રિયા અંગે વાત કરી હતી. હકાભાના જણાવ્યા મુજબ, આ પછી તેમણે કહ્યું હતું કે "મારે પૈસા નથી જોઈએ, મને તો માત્ર સમાજનો જશ જોઈએ. પૈસા તમે લઈ લેજો."

'ઓડિયો મેં જ બનાવ્યો અને મેં જ મીડિયાને આપ્યો'

હકાભા ગઢવીએ દાવો કર્યો કે સમગ્ર ઓડિયો ક્લિપ તેમણે જ તૈયાર કરાવી હતી. તેમણે જણાવ્યું કે વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ સરળ ન હોવાથી તેમણે પોતાના દીકરાને બીજા ફોનથી વાતચીત રેકોર્ડ કરવા કહ્યું હતું.

તેમણે કહ્યું કે આ ઓડિયો તેમણે જ મીડિયાને આપ્યો હતો અને પત્રકાર પરિષદ કરીને જાહેર કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, તેમને ખબર હતી કે આ પ્રક્રિયામાં તેમના પર પણ સવાલો ઊભા થશે, પરંતુ ખેડૂતોના હિત માટે તેમણે આ જોખમ લીધું હતું.

આ પણ વાંચો: મેટિંગ દરમ્યાન કોઈ છંછેડે તો શું હાલ કરે સિંહ? સૌથી ખતરનાક Video : જાણો 30 મિનિટ સકંજામાં રહ્યા છતાં કેમ બચી ગયા કાળુભાઈ અને સોહિલને કેમ 5 મિનિટમાં જ પતાવી દીધો

'મને વારંવાર છાવણીમાં આવવાની ના પાડવામાં આવી'

હકાભાએ વધુમાં દાવો કર્યો કે ઓડિયો બાદ તેમણે ત્રણ વખત છાવણીમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ દરેક વખતે તેમને અલગ-અલગ કારણોસર ના પાડવામાં આવી હતી.

તેમણે કહ્યું કે જો સમિતિ સીધી તેમની સાથે સંપર્કમાં આવી હોત તો કદાચ આ સમગ્ર વિવાદ સર્જાયો જ ન હોત. તેમના જણાવ્યા મુજબ, તેઓ આંદોલન તૂટે નહીં તે માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા.

'મારા પર એજન્ટ હોવાના આરોપો ખોટા'

લાઈવ દરમિયાન હકાભા ગઢવીએ પોતાના પર લાગેલા એજન્ટ હોવાના આરોપોને પણ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે જો તેઓ ખરેખર ગદ્દારી કરવા માંગતા હોત તો પૈસા લઈને શાંતિથી ઘરે બેસી ગયા હોત, પરંતુ તેઓ વારંવાર લોકો સમક્ષ આવીને પોતાની વાત એટલા માટે મૂકી રહ્યા છે કારણ કે તેઓ સત્ય પોતાના પક્ષે હોવાનું માને છે.

તેમણે કહ્યું કે તેમનો હેતુ કોઈ વ્યક્તિ કે સમાજને બદનામ કરવાનો નથી, પરંતુ ખેડૂતો અને આંદોલન સમિતિનું નુકસાન અટકાવવાનો હતો.

આ પણ વાંચો: BZ ગ્રુપ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજીઓ : રોકાણકારોના પૈસા પરત ન મળ્યા હોવાનો અરજદારોનો આક્ષેપ

ચારણ સમાજ અને ઉપવાસની પરંપરાનો કર્યો ઉલ્લેખ

લાઈવ દરમિયાન હકાભા ગઢવીએ ચારણ સમાજના ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ચારણ સમાજે સદીઓથી ન્યાય માટે ઉપવાસ અને બલિદાન આપ્યા છે અને તેઓ પણ એ જ પરંપરામાંથી આવે છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવાનો વિચાર પણ કરી શકે નહીં.

નિલેશ એરવાડિયાનો પ્રતિભાવ બાકી

હકાભા ગઢવી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો અને દાવાઓ તેમના લાઈવ નિવેદન પર આધારિત છે. આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આ મામલે નિલેશ એરવાડિયાનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી. તેમનો પક્ષ સામે આવશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now