Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખોટી ઓળખ અને નકલી સરકારી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. SOG ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ (અયોધ્યા) જિલ્લાના રહેવાસી યોગેન્દ્રકુમાર રામકુમાર મૌર્યાની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વર્ષોથી પોતાની અસલી ઓળખ છુપાવી 'ખાન અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમ ખાન' નામ ધારણ કરીને અમદાવાદમાં રહેતો હતો અને વિવિધ સરકારી દસ્તાવેજો પણ આ જ ખોટી ઓળખના આધારે તૈયાર કરાવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આરોપી હાલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો અને લાંબા સમયથી નકલી ઓળખનો ઉપયોગ કરીને સરકારી વ્યવહારો કરતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલામાં SOG ક્રાઇમ બ્રાન્ચે વિગતવાર તપાસ શરૂ કરી છે.
રૂ.400માં બનાવડાવ્યું PAN કાર્ડ, પછી તૈયાર કરાવ્યા અન્ય દસ્તાવેજો
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ અમદાવાદના જમાલપુર બ્રિજ નીચે માત્ર રૂ.400માં ખોટું PAN કાર્ડ તૈયાર કરાવ્યું હતું. આ PAN કાર્ડના આધારે તેણે આગળ નકલી આધાર કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર (વોટર આઈડી), રેશન કાર્ડ સહિતના અન્ય મહત્વપૂર્ણ ભારતીય દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. એક નકલી દસ્તાવેજના આધારે અન્ય સરકારી દસ્તાવેજો મેળવવાની સમગ્ર પ્રક્રિયાએ દસ્તાવેજ ચકાસણી પ્રણાલી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસે આ દસ્તાવેજો તૈયાર કરવામાં અન્ય કોઈ વ્યક્તિ અથવા રેકેટ સંડોવાયેલું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે.
સાઉદી અરેબિયા જવા માટે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ
પોલીસ તપાસ મુજબ આરોપી રોજગાર માટે સાઉદી અરેબિયા જવા માંગતો હતો. તે માટે તેણે અમદાવાદના ગુલબાઈ ટેકરા સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. પાસપોર્ટની નિયમિત વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન અધિકારીઓને કેટલીક શંકાસ્પદ વિગતો મળી આવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના અસલી નામ યોગેન્દ્રકુમાર રામકુમાર મૌર્યા પર લખનૌ પાસપોર્ટ ઓફિસમાંથી વર્ષ 2010થી 2020 સુધી માન્ય રહેલો પાસપોર્ટ અગાઉથી જારી કરવામાં આવ્યો હતો. એક જ વ્યક્તિના બે અલગ અલગ નામે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ સામે આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
ધર્મ પરિવર્તન કર્યા વગર નકલી નિકાહનામું પણ બનાવ્યું
SOGની તપાસમાં વધુ એક ગંભીર ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ વર્ષ 2011માં પ્રેમલગ્ન કર્યા બાદ કાયદેસરની ધર્મ પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના નકલી નિકાહનામું તૈયાર કર્યું હતું. ત્યારબાદ આ દસ્તાવેજના આધારે પોતાની નવી ઓળખ ઉભી કરીને વિવિધ સરકારી દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ નકલી નિકાહનામું કોણે તૈયાર કર્યું હતું અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા એજન્ટની ભૂમિકા હતી કે કેમ. પોલીસ તમામ દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ પણ કરાવી રહી છે.
SOGએ આરોપીની ધરપકડ કરી, રેકેટની તપાસ શરૂ
પાસપોર્ટ ઓફિસમાંથી મળેલી માહિતીના આધારે SOG ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરીને આરોપીને દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ખોટા દસ્તાવેજો તૈયાર કરવા, છેતરપિંડી, ખોટી ઓળખ ધારણ કરવા અને સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SOGના ACP એસ.એસ. નિનામાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આરોપીને નકલી દસ્તાવેજો કોણે બનાવી આપ્યા, તેમાં કોઈ સંગઠિત ગેંગ અથવા દસ્તાવેજ બનાવનાર એજન્ટોની સંડોવણી છે કે નહીં અને આવા કેટલા લોકોને આ રીતે દસ્તાવેજો તૈયાર કરીને આપવામાં આવ્યા છે તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા MLA મનુ ફોગવા : અધિકારીઓને આપ્યા કડક નિર્દેશ
દસ્તાવેજ ચકાસણી વ્યવસ્થાને લઈને ફરી ઉઠ્યા સવાલ
આ ઘટનાએ ફરી એકવાર સરકારી ઓળખપત્રોની ચકાસણી વ્યવસ્થા અને નકલી દસ્તાવેજોના ગેરકાયદેસર નેટવર્ક અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સુરક્ષા એજન્સીઓ હવે આરોપીના સંપર્કમાં રહેલા લોકો, દસ્તાવેજો તૈયાર કરનારા એજન્ટો અને અન્ય સંભવિત લાભાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા પણ પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે.






