Home Gujarat Gujarati News Why Are These Two Mlas From Aap And Bjp Being Seen Together Recently

AAP અને BJPના આ બે ધારાસભ્યો હમણાંથી કેમ દેખાય છે સાથે? : વિધાનસભા બાદ સમૂહ લગ્નમાં ફરી એક સાથે દેખાયા જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા

AAP અને BJPના આ બે ધારાસભ્યો હમણાંથી કેમ દેખાય છે સાથે?
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 07:13 AM IST

Gopal Italia And Jayesh Radadiya : ગુજરાતના રાજકારણમાં ભલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી હોય, પરંતુ સામાજિક પ્રસંગોમાં ઘણીવાર પક્ષની દીવાલો તૂટતી જોવા મળે છે. આવો જ એક નજારો સુરતમાં જોવા મળ્યો. જ્યાં ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા એકસાથે મંચ પર જોવા મળ્યા હતા. પક્ષ અલગ પણ દિલથી પાટીદાર! ફરી એકવાર આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાસભ્ય એક મંચ પર એક સાથે દેખાયા. આ બે નેતાઓ વચ્ચે નિકટતા વધતા રાજકીય વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓનો દૌર શરૂ થઈ ગયો છે. સુરતમાં એક સમૂહ લગ્નના સમારોહ દરમિયાન એક જ મંચ પર જોવા મળ્યા જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા. જેનો વીડિયો હાલ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


મિત્રોની જેમ બેસીને કરી હળવી મજાક-

સુરતના પુણા-વલથાણ રોડ પર આયોજિત એક સમૂહ લગ્ન સમારોહમાં બંને નેતાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા એક જ સોફા પર બેસીને કોઈ જૂના મિત્રો હોય તેમ હસતા-હસતા વાતચીત અને હળવી મજાક કરતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ મુલાકાતના વીડિયો હાલ જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે અને રાજકીય આલમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

પાટીદાર એકતાનો અનોખો સંદેશઃ

સૌરાષ્ટ્રના આ બંને દિગ્ગજ નેતાઓ ભલે અલગ-અલગ વિચારધારા ધરાવતા પક્ષો સાથે જોડાયેલા હોય, પરંતુ એક જ સમાજમાંથી આવતા હોવાથી તેમની આ કેમિસ્ટ્રી પાટીદાર સમાજમાં એકતાનો અનોખો સંદેશ આપી રહી છે. લોકોમાં ચર્ચા છે કે, "રાજકારણ પોતાની જગ્યાએ છે, પણ સમાજ અને સંબંધો સર્વોપરી છે."

બંને નેતાઓનું રાજકીય કદઃ

જયેશ રાદડિયા: રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે.

ગોપાલ ઈટાલિયા: હાલ વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે.

અગાઉ પણ મુલાકાત ચર્ચામાં રહી હતી:

આ પહેલીવાર નથી જ્યારે આ બંને નેતાઓ સાથે જોવા મળ્યા હોય. અગાઉ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પણ બંને વચ્ચે હસતા મુખે થયેલી વાતચીતની તસવીરોએ ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે ફરી એકવાર સુરતના આંગણે આ બંને નેતાઓની જુગલબંધીએ સાબિત કરી દીધું છે કે જાહેર જીવનમાં પક્ષ ભલે અલગ હોય, પણ સામાજિક સ્તરે સૌ એક છે. તે સમયે પણ એ મુલાકાતની તસવીરો વાયરલ થતાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતુંકે, જયેશ રાદડિયા અમારા સમાજના વડીલ છે. અમે એક જ સમાજના છીએ, પક્ષ ભલે અલગ-અલગ હોય પણ અમારો સમાજ તો એક જ છે અને રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now