ગુજરાતમાં આવતા દિવસોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલના છેલ્લા અઠવાડિયા માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. જેમાં વરસાદ, કરા, વાદળો અને પછી ભારે ગરમી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
19 એપ્રિલથી શરૂ થશે હવામાનમાં પલટો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19, 20 અને 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં આ પલટાનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિમાં વધારો અને તાપમાનમાં થોડો ઘટાડો પણ નોંધાઈ શકે છે. પંચમહાલ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહશે.
આ પણ વાંચો: ગુજરાતીઓ વરસાદ માટે તૈયાર રહેજો! : આ જિલ્લાઓમાં કડાકા સાથે મેઘો બોલાવશે ધબધબાટી! અંબાલાલની નવી આગાહી
કેટલાક વિસ્તારોમાં પડી શકે છે કરા
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. આવી પરિસ્થિતિ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા વધે છે. આથી ખેડૂતોને સાવચેત રહેવાની અને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા પણ સૂચન કરાયું છે.
એપ્રિલ અંતમાં હીટવેવની શક્યતા
હવામાનમાં પલટો આવ્યા બાદ ફરી એક વખત તાપમાનમાં જબરદસ્ત વધારો જોવા મળશે. 26, 27 અને 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. કચ્છ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 36થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે.
એક તરફ કરા અને વરસાદની શક્યતા છે, તો બીજી તરફ ભારે ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે ખેડૂતોએ પાકની સુરક્ષા માટે અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ. હવામાનમાં આ પ્રકારના અચાનક ફેરફારો વૈશ્વિક હવામાન પરિવર્તન તરફ પણ સંકેત આપે છે, જે લાંબા ગાળે વધુ ગંભીર પડકારો ઉભા કરી શકે છે.






