IMD Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ વધવાની આગાહી કરી છે. IMD એ સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
IMDની આગાહી અનુસાર, ગુજરાત પર 31મી ઓક્ટોબર સુધીમાં એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે, જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. 55 થી 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની પણ સંભાવના છે, જેને લઈને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 30મી ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર અને અમરેલીમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, દ્વારકા, બોટાદ, પંચમહાલ, આણંદ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ત્યારે 31મી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો ઍલર્ટઆપવામાં આવ્યું છે. જેમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ ઑરેન્જ ઍલર્ટ, જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, દીવ, ગીર સોમનાથ, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.
1 નવેમ્બરે અમરેલી, ગીર સોમનાથ, સુરત, ભાવનગર, નવસારી, વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.






