Home Gujarat Ahmedabad Gujarat Vidyapith One Day Book Donation Drive World Book Day 2026

પુસ્તક પ્રેમીઓ માટે દાન કરવાનો સુવર્ણ અવસર : વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં 'જ્ઞાન સંચય મહોત્સવ' શરૂ

World Book Day Knowledge accumulation festival
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 05:06 AM IST

World Book Day: 'પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે' એ ઉક્તિને સાર્થક કરતા આજે 23 એપ્રિલ, 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે ગુજરાતની ઐતિહાસિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે. વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા 'જ્ઞાન સંચય મહોત્સવ-2026' અંતર્ગત એક દિવસીય પુસ્તક દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાપીઠના સમૃદ્ધ ગ્રંથાલયમાં જનભાગીદારી દ્વારા પુસ્તકોની સંખ્યા વધારવાનો અને વાચન સંસ્કૃતિને વધુ વેગ આપવાનો છે.

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ હંમેશા શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર રહી છે. આ ખાસ દિવસે વિદ્યાપીઠે જાહેર જનતા, સંસ્થાઓ અને પુસ્તક પ્રેમીઓને અપીલ કરી છે કે, તેઓ પોતાના વ્યક્તિગત કે, કૌટુંબિક સંગ્રહમાંથી પુસ્તકો દાન કરીને આ જ્ઞાન યજ્ઞમાં સહભાગી બને. ખાસ કરીને દુર્લભ પુસ્તકો, હસ્તપ્રતો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ગ્રંથોને આ અભિયાનમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેથી તે જ્ઞાન આવનારી પેઢીઓ માટે સચવાયેલું રહે.

જનભાગીદારીથી જ્ઞાનના ભંડારને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ

વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા આયોજિત આ 'જ્ઞાન સંચય મહોત્સવ' એ માત્ર પુસ્તકો ભેગા કરવાનું અભિયાન નથી, પરંતુ સમાજમાં વહેંચાયેલા જ્ઞાનને એકત્રિત કરી સંશોધકો અને જિજ્ઞાસુઓ માટે સુલભ બનાવવાનો પ્રયાસ છે. ગ્રંથાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, દાનમાં મળેલા પુસ્તકો વિવિધ વિષયો અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે તેવા હોવા જોઈએ. આ અભિયાન દ્વારા નવી પેઢીને પુસ્તકોના મહત્વ વિશે જાગૃત કરવાનો અને ડિજિટલ યુગમાં પણ છાપેલા શબ્દોની ગરિમા જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો: OMR શીટમાં છેડછાડના કેસમાં દીક્ષિત પટેલની મુશ્કેલી વધી : ગુજરાત હાઈકોર્ટે કેસમાંથી મુક્ત થવાની અરજી ફગાવી

6 લાખથી વધુ પુસ્તકો ધરાવતું ઐતિહાસિક ગ્રંથાલય

ગુજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે. 1929માં 'શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન ભંડાર' ના વિલિનીકરણ બાદ આ ગ્રંથાલય વધુ સમૃદ્ધ બન્યું હતું. હાલમાં અહીં 6 લાખથી વધુ પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે, જેમાં અનેક ભાષાઓની દુર્લભ હસ્તપ્રતો અને લખાણોનો સમાવેશ થાય છે. વિશ્વભરના સંશોધકો અને સ્કોલર્સ અહીં જ્ઞાનની શોધમાં આવતા હોય છે. આજના પુસ્તક દાન અભિયાનથી આ સંગ્રહમાં વધુ અમૂલ્ય રત્નો ઉમેરાશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now