ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને લોકો ગરમીથી હેરાન થઈ રહ્યાં છે તેવામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજથી 21 તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે. માવઠાનાં કારણ ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે સાથે જ ડબલ ઋતુ થવાથી લોકોના આરોગ્ય પર પણ અસર પડી શકે છે.
પશ્ચિમી વિક્ષેપથી બદલાશે હવામાનનો મિજાજ
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ના પ્રભાવના કારણે ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. આ સિસ્ટમનાં કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને તેની અસરથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં તાપમાન ઊંચું રહે છે અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે ગરમી સાથે વરસાદની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ફળોનો રાજા ગણાતી કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે વરદાન! : દ્રાક્ષની આ નવી જાત બનાવશે માલામાલ! જાણો ખેતી અને નફાનું સંપૂર્ણ ગણિત
ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે છૂટાછવાયા ઝાપટાં પડવાની પણ શક્યતા છે.
અમદાવાદ, વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વીજળીનાં કડાકા સાથે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોને થઈ શકે છે નુકસાન
આ અણધાર્યા વરસાદની અસર ખેતી પર પણ પડી શકે છે. હાલમાં ઘણા ખેડૂતો પાકની કાપણી અથવા સંગ્રહના તબક્કામાં છે. આવા સમયમાં વરસાદ પડવાથી પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘઉ, ચણા અને અન્ય રબી પાક માટે આ વરસાદ ચિંતાજનક બની શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખવા જરૂરી પગલાં લે.
આ પણ વાંચો: ખેતરના શેઢે વાવી દો આ 'વિદેશી ઝાડ' : 10 વર્ષમાં ખેડૂતોને બનાવી દેશે કરોડપતિ! જાણો સંપૂર્ણ વિગતો
આરોગ્ય પર અસર
વાતાવરણમાં આ પ્રકારના અચાનક ફેરફારથી લોકોના આરોગ્ય પર પણ અસર પડી શકે છે. દિવસ દરમિયાન ગરમી અને સાંજે વરસાદ કે ઠંડક જેની સ્થિતિ સર્જાશે. આ પ્રકારની પરિસ્થિતિમાં શરદી, તાવ અને એલર્જી જેવા રોગો વધવાની શક્યતા રહે છે.તબીબોની સલાહ છે કે લોકો પાણી વધુ પીવું, બિન જરૂરી બહાર ના જવું.
હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી કેટલાક દિવસો સુધી આ અસ્થિરતા ચાલુ રહી શકે છે. ક્યારેક ગરમી અને ક્યારેક વરસાદ જેવી મિશ્ર પરિસ્થિતિ જોવા મળી શકે છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ હવામાનની તાજી માહિતી પર નજર રાખે અને અચાનક બદલાતી પરિસ્થિતિ માટે તૈયાર રહે.





