ગાંધીનગર: ણાકિય વર્ષનાં અંતિમ મહિનામાં (માર્ચ) જ્યારે લોકો આખા વર્ષનાં હિસાબનું સરવૈયુ કાઢવામાં વ્યસ્ત હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક -2026 વિધાનસભામાં રજૂ કરી મહિલાઓનું જુનુ ઋણ ચૂકવી, મહિલાઓનાં જીવનમાંથી અસામનતાની બાદબાકી કરી, સમાનતાનો હિસાબ પુરો કરી દીધો. આ વિધાયક પસાર કરી સરકારે નારીઓના સન્માનને ઝંકૃત કરતા એક સંસ્કૃત શ્લોકનું સ્મરણ કરાવ્યું.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥
અર્થાત, જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે અને જ્યાં નારીઓનું સન્માન થતું નથી ત્યાં તમામ કાર્યો નિષ્ફળ જાય છે,’’. ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક-2026 પસાર કરી ગુજરાત સરકારે આ શ્લોકને ચરિતાર્થ કર્યો અને કાયદાકીય રક્ષણ આપી નારીઓનું અભૂતપૂર્વ સન્માન કર્યુ. ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક-2026’ પસાર કરી રાજ્યની મહિલાને અભેદ્ય સુરક્ષા કવચ પુરુ પાડ્યુ છે અને મહિલાનાં જીવનનાં તમામ તબક્કામાં આ સરકાર તેમના હક્કો અને ગરિમાની રક્ષા કરે છે તેમજ આ સરકાર કોઇપણ જાતિ કે ધર્મનાં ભેદભાવ વગર તમામ મહિલાઓને કાનૂની રક્ષણ આપવા કટિબદ્ધ છે તેની પ્રતિતી કરાવી.
આ વિધેયક રજૂ કરતી વખતે મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભામાં ગર્વથી કહ્યુ હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબના એક અને અખંડ ભારતના સપનાને સાકાર કરવા “એક ભારત શ્રેષ્ઠ ભારત”નો વિચાર આપ્યો છે એ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ જ યુસીસી (યુનિફોર્મ સિવિલ કોડ)નું હાર્દ છે. જો દેશમાં સમાન કાયદા, વિકાસની સમાન તકો ન હોય તો આ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બને જ નહિ. હવે વિકસિત ભારત-2047 સુધીના આ અમૃતકાળમાં દેશને સમાનતાનું અમૃત યુસીસીથી આપવા વડાપ્રધાને નિર્ધાર કર્યો છે,’’. આ વિધેયકમાં લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકત જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે, કોઇને પણ ક્યાંય અન્યાય ન થાય એ ધ્યાનમાં રાખીને, એક સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ‘આ માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને વડાપ્રધાનના નેતૃત્વમાં વધુ મજબૂત બનાવવાનો આપણો મક્કમ નિર્ધાર છે,’’.
આ વિધેયક થકી લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, લિવ-ઇન સંબંધનું રજિસ્ટ્રેશન, છૂટાછેડા માટેના સમાન નિયમો, દીકરી કે દીકરો-બધાને સમાન વારસાગત હક અને આ જોગવાઇઓના પાલન માટે દંડની જોગવાઇ સાથે એનો કડક અમલ વગેરે આ બિલની મહત્વની જોગવાઇઓ છે. દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલા લગ્નની નોંધણી કરવાનું ફરજિયાત રહેશે અને નોંધણી ન કરવાથી દંડની જોગવાઈ રહેશે.
મહત્વની વાત એ છે કે, વિશ્વના અન્ય લોકતાંત્રિક દેશોમાં આ પ્રકારના કાયદાઓ અમલમાં છે તેનો અભ્યાસ કરીને આ વિધેયક માટે વ્યાપક દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. આ કાનૂનથી કોઈ ધાર્મિક વિધિઓ અને પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, પરંતુ સમાન સિવિલ કોડ માત્ર કાનૂની પાસાઓને નિયમિત કરે છે.
ગુજરાત સમાન નાગરિક સંહિતા-2026ની મહત્વની બાબતો
બંધારણનાં આર્ટિકલ 44 મુજબ, રાજ્યએ તમામ નાગરિકો માટે એકસરખો નાગરિક કાયદો (UCC)લાવવાનો પ્રયત્ન કરવાની જે જોગવાઈઓ છે તેના અનુસંધાને ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક-2026 લાવ્યુ. સુપ્રીમ કોર્ટના વખતોવખતનાં ચુકાદાઓમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
ફરજિયાત લગ્ન નોંધણી અને સજા
આ વિધેયકમાં લગ્નનાં 60 દિવસમાં નોંધણી ફરજિયાતની જોગવાઇ કરવામાં આવી છે; નોંધણી ન કરાવવાથી રૂ.10,000 સુધીનો દંડ થઈ શકે છે. બળજબરી/ધાક-ધમકી/છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષ સુધીની સજા તથા એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં પણ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ફરજિયાત નોંધણીથી લગ્નને કાનૂની માન્યતા મળે છે, સ્ત્રીઓ તથા બાળકોના અધિકારોનું રક્ષણ થાય છે. ફરજિયાત નોંધણીથી વ્યક્તિની સાચી વૈવાહિક સ્થિતિ નોંધાય છે, જેના કારણે ખોટી માહિતી આપી છેતરપિંડીથી થતા લગ્નના કિસ્સાઓ નિવારી શકાય.
છૂટાછેડા-સમાનતા અને નિયંત્રણ
કોર્ટ દ્વારા છૂટાછેડા બાદ નોંધણી ફરજિયાત છે; કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહારના છૂટાછેડા કરવાના કિસ્સામાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે, તેમજ સ્ત્રીને કોઈપણ શરતો વિના પુનઃલગ્નનો અધિકાર આપવામાં આવ્યો છે. ફરજિયાત નોંધણી અને કોર્ટ દ્વારા માન્ય છૂટાછેડા પ્રક્રિયાના કારણે છેતરપિંડી, ગેરકાયદેસર છૂટાછેડા અને ખોટી વૈવાહિક સ્થિતિ દર્શાવવાના કિસ્સાઓને અટકાવે છે, તેમજ ભવિષ્યના લગ્નોમાં પારદર્શક્તા સુનિશ્ચિત કરે છે.
ભરણપોષણ અને વારસાગત અધિકારમાં સમાનતા
બધા ધર્મો માટે ભરણપોષણની સમાન જોગવાઈના કારણે મહિલાઓને વિશેષ સુરક્ષા મળે છે. આ ઉપરાંત, સમાન સિવિલ કોડમાં તમામ ધર્મોના પુત્ર અને પુત્રીને સમાન અધિકાર આપવામાં આવ્યો છે.
પુત્ર અને પુત્રીને સમાન કૌટુંબિક હક્કો આપવાથી લિંગ સમાનતા, સ્ત્રીઓની આર્થિક સુરક્ષા અને સમાજમાં ન્યાયી અને સમાન વ્યવસ્થા સ્થાપિત થશે.
લીવ-ઇન સંબધોનું નિયમન અને સજા
લીવ-ઇન સંબંધ માટે નોંધણી ફરજિયાત છે; નોંધણી ન કરાવવાથી ૩ મહિના સુધીની કેદ અથવા ₹10,000 દંડ થઈ શકે છે. જો સંબંધમાં રહેલા વ્યક્તિઓની ઉંમર 18 થી 21 વર્ષ વચ્ચે હોય, તો નોંધણીની જાણ તેમના માતા-પિતાને કરવામાં આવશે. બળજબરી/ધાક-ધમકી/છેતરપિંડીથી લીવ ઈન માટે સંમતિ લેવાના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે. તેમજ સગીર સાથે લીવ ઈન સંબંધમાં પોકસો એક્ટ (POCSO Act) મુજબ સજાની જોગવાઈ છે, ઉપરાંત, પહેલાથી પરણિત હોવા છતાં લીવ-ઈન સંબંધમાં રહેનાર માટે પણ કડક સજાની જોગવાઈ છે.
લીવ-ઇન રિલેશનશીપમાં સ્ત્રીને કાનૂની રક્ષણ
આ વિધેયકમાં સ્ત્રીને ભરણપોષણ અને બાળકને કાનૂની માન્યતા આપવામાં આવી છે.
નોંધણીથી લીવ-ઇન સંબંધોને નિયમન કરવામાં મદદ મળશે.
લીવ-ઇન પાર્ટનર દ્વારા ત્યાગ કરવામાં આવે ત્યારે મહિલાને ભરણપોષણ મળી શકે.
લીવ-ઇન સંબંધમાંથી જન્મેલા બાળકોના ભરણપોષણ, ઓળખ અને વારસાના હકોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકે.
સમાન નાગરિક સંહિતા વિધેયક-2026 બનાવવા ઊંડાણપૂર્વકનો અભ્યાસ
યુનિફોર્મ સિવિલ કોડ માટે રચાયેલી સમિતિ દ્વારા વિવિધ કાયદાઓ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વખતોવખતનાં ચુકાદાઓ અને ઉત્તરાખંડ રાજ્યના યુનિફોર્મ સિવિલ કોડ તથા વિશ્વના અન્ય દેશોના આ પ્રકારના મોડલ કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ બધાના નિષ્કર્ષરૂપે તૈયાર થયેલું યુસીસી બિલ, 2026 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યુ હતું અને બહુમતીથી પસાર થયુ હતું.
સમાન નાગરિક સંહિતા-2026માં આ ચૂકાદાઓને ધ્યાનમાં લેવાયા
ઐતિહાસિક ચુકાદા:
મોહમ્મદ અહમદ ખાન વિ. શાહ બાનો બેગમ (1985).
સરલા મુદગલ વિ. ભારત સરકાર (1995),
શાયરા બાનો વિ. ભારત સરકાર અને અન્ય (2017),
શબનમ હાશમી વિ. ભારત સરકાર (2014)
મુમતાઝ આલમ વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય (2023),
એગ્નેસ વિ. રેજીના થોમસ (2010),
માયરા વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય (2021),
અલિયા વિ. મધ્યપ્રદેશ રાજ્ય (2024) નો પણ અભ્યાસ કર્યો.
ભારતીય કાયદા:
હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫,
ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ ૧૮૭૨,
પારસી લગ્ન અને છુટાછેડા અધિનિયમ ૧૯૩૬.
વિશિષ્ટ લગ્ન અધિનિયમ ૧૯૫૪,
આનંદ લગ્ન અધિનિયમ ૧૯૦૯,
આર્ય લગ્ન માન્યતા અધિનિયમ ૧૯૩૭.
મુસ્લિમ વ્યક્તિગત કાયદા (શરિયત) અમલ અધિનિયમ ૧૯૩૭,
વિદેશી લગ્ન અધિનિયમ ૧૯૬૯,
ભારતીય વારસા અધિનિયમ ૧૯૨૫,
હિંદુ વારસા અધિનિયમ ૧૯૫૬,
મુસ્લિમ લગ્ન વિસર્જન અધિનિયમ ૧૯૩૯.
ખ્રિસ્તી છૂટાછેડા અધિનિયમ ૧૮૬૯,
મહિલાઓનુ ઘરેલુ હિંસાથી રક્ષણ અધિનિયમ ૨૦૦૫,
બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬,
ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩,
યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ ૨૦૨૪નો અભ્યાસ.
ભારત ઉપરાંત વિશ્વનાં વિવિધ દેશોનાં કાયદાઓને પણ લક્ષ્યમાં લેવાયા
વૈશ્વિક મોડેલ
ફ્રેંચ સિવિલ કોડ (નેપોલિયન કોડ) ૧૮૦૪,
જર્મની બર્ગરલિચેસ ગેસેટ્ઝબુચ (BGB) ૧૯૦૦,
તુર્કી સિવિલ કોડ ૨૦૦૨,
નેપાળ- રાષ્ટ્રીય નાગરિક (કોડ) અધિનિયમ ૨૦૧૭,
અઝરબૈજાન પ્રજાસત્તાકના ફેમિલી કોડ ૧૯૯૯ પણ અભ્યાસ કર્યો
ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક-2026 પસાર થયા પછી રાજ્યની મહિલાઓ તેમનામાં રહેલી શક્તિનો અનુભવ કરી શકશે અને ગરીમાપૂર્ણ અને માંથુ ઊંચુ કરીને કહેશે કે,
बालिका अहं बालिका नव युग जनिता अहं बालिका ।
नाहमबला दुर्बला आदिशक्ति अहमम्बिका ।।
અર્થાત, હું એક નારી છું. આધુનિક સમયની નારી છું. હું અબળા કે શક્તિહીન નથી. હું આદ્યશક્તિ છું, હું અંબિકા છુ!





