આગામી 9 એપ્રિલનાં રોજ વિશ્વ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે વિશ્વના ૧૦૮થી વધુ દેશોમાં કરાશે નવકાર મંત્રનો જાપ કરશે. આ કાર્યક્રમમાં નવી દિલ્લી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કરશે. સુરતના પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવાનાં છે. જેને તમે લાઈવ પણ નિહાળી શકશો.
વિશ્વ નવકાર મંત્ર દિવસ એટલે કે, ૯મી એપ્રિલના દિવસે સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરીને અનેક મૂંગા-અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે. નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા દ્વારા જગતના સઘળા જીવોને સુખ, શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે આ નવકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર આંદોલનો તરંગો વિશ્વમાં ફેલાશે અને તેની પોઝિટિવ અસર જોવા મળશે એવી અમને સૌને શ્રદ્ધા છે.
9 એપ્રિલ વિશ્વ નવકાર મંત્ર દિવસ જાહેર કરવા માંગ
જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર નિરવ શાહે જણાવ્યું હતું કે, આ દિવસે ભારત સહિત વિશ્વના ૧૦૮ દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે. સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે. જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે, ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરી શકે તેમ છે.






